અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ''વિધિવત્'' સ્વીકારનારો રશિયા પહેલો દેશ બની રહ્યો
- 2021માં તાલિબાનો સત્તા પર આવ્યા ત્યારથી માનવ અધિકાર ભંગને લીધે વિશ્વના દેશો તેનેથી દૂર રહ્યા હતા : કદાચ, આ વલણમાં ફેરફાર પણ આથી થઈ શકે
નવીદિલ્હી : પોતાનાં રાજદ્વારી વલણમાં ઐતિહાસિક પરિવર્તન કરી રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને વિધિવત્ સ્વીકૃતિ આપી છે. અફઘાનિસ્તાનમાં માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવા છતાં રશિયાએ આપેલી આ વિધિવત્ સ્વીકૃતિને હવે અન્ય દેશો અનુસરશે કે કેમ તે જોવાનું રહે છે.
રશિયાનાં વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે તેણે નવનિયુક્ત અફઘાન રાજદૂત ગુલ હસન હાસનનાં ઓળખપત્રો વિધિવત્ સ્વીકાર્યા હતા.
રશિયાનાં આ પગલાંને ઐતિહાસિક કહેવા સાથે તાલિબાન વિદેશ મંત્રી અમીરખાન મુન્નાકીએ તેને અન્ય દેશો માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહ્યું હતું.
વાસ્તવમાં મહિલાઓ અને બાળકીઓ પ્રત્યેનાં કઠોર-વલણને લીધે અફઘાનિસ્તાનમાં થઈ રહેલા માનવ અધિકારોના સરીયામ ભંગથી તે દુનિયાભરમાં લગભગ અછૂત સમાન બની રહ્યું છે.
૧૯૯૬થી ૨૦૦૧ સુધી પણ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર શાસન કર્યું હતું ત્યારે તેણે મહિલાઓ અને બાળાઓ ઉપર કઠોર નિયમનો લગાડયા હતા. તેમાં છોકરીઓને છઠ્ઠાં ધોરણથી આગળ નહીં ભણવા દેવા, નોકરીઓ પર પણ પ્રતિબંધ મુકવા અને જાહેરમાં થતા આનંદ-પ્રમોદના ઉત્સવોમાં ભાગ લેવા ઉપર મહિલાઓને પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૨૧માં બીજાં તાલિબાન શાસન સમયે પ્રતિબંધ હતો. આમ છતાં ચીન, ઈરાન, યુએઈ જેવા કેટલાંક દેશો આંશિક રાજદ્વારી સંબંધો રાખતા હતા. પરંતુ વિધિવત્ રાજદ્વારી સ્વીકૃતિ આપી ન હતી. રશિયા તેને સૌથી પહેલાં વિધિવત્ રાજદ્વારી સ્વીકૃતિ આપનારો દેશ બની રહ્યો છે.