- ઓરેશ્નિક મિસાઇલથી બીજી વખત એટેક કર્યો
- ઓરેશ્નિક મિસાઇલ પ્રતિ કલાક 13,000 કિ.મી.ની ઝડપે ઉડી શકે, રેન્જ 5,500 કિ.મી. અને અનેક લક્ષ્યાંકો પર ત્રાટકી શકે
કીવ-મોસ્કો : રશિયાએ યુક્રેન પર આખી રાત ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો હતો અને તેમા ચારના મોત થયા હતા. રશિયાએ આ યુદ્ધમાં બીજી વખત તેની નવી બેલિસ્ટિક મિસાઇલ ઓરેશ્નિક લોન્ચ કરી હતી. આ મિસાઇલ અવાજ કરતાં દસ ગણી વધુ સ્પીડે ત્રાટકે છે. વિશ્વની કોઈપણ મિસાઇલ પ્રણાલિ અટકાવી શકે તેમ નથી. રશિયાએ આ પહેલા નવેમ્બર ૨૦૨૪માં આ મિસાઇલ છોડી હતી.
આ મિસાઇલની ચોકસાઈ જબરદસ્ત છે. તે જબરદસ્ત ઝડપની સાથે એક સાથે ઘણા નિશાન પાર પાડી શકે છે. તે પરંપરાગત શસ્ત્રોની અલગ છે, કેમકે તેમા પરમાણુ શસ્ત્રો નથી. પરંતુ આ મિસાઇલમાં એટલી જબરદસ્ત ક્ષમતા છે કે તે કોઈપણ મજબૂત સુરક્ષા પ્રણાલિને તોડવા સક્ષમ છે. આ મિસાઇલ પ્રતિ કલાક ૧૩,૦૦૦ કિ.મી.ની ઝડપે ઉડી શકે છે અને તેની રેન્જ ૫,૫૦૦ કિ.મી.ની છે. આમ તે પ્રતિ સેકન્ડ બેથી ત્રણ કિ.મી.ની ઝડપે ઉડી શકે છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે યુક્રેન પર ઓરેશ્નિક મિસાઇલથી હુમલો કર્યો છે. આ હુમલો ડિસેમ્બરમાં યુક્રેને રશિયાના પ્રમુખ પુતિનના નિવાસ્થાન પર ડ્રોન હુમલો કર્યો છે તેનો જવાબ છે. આ પહેલા નવેમ્બર ૨૦૨૪માં રશિયાએ પહેલી વખત યુક્રેન પર ઓરેશ્નિક મિસાઇલ વડે હુમલો કર્યો હતો.
રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ આ તાજા હુમલામાં યુક્રેનના મહત્ત્વના માળખાને નિશાન બનાવવા માટે જમીન અને સમુદ્રથી છોડવામાં આવેલી અન્ય મિસાઇલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક જાણકારી મુજબ આ હુમલો રશિયાની નવી અને અત્યંત શક્તિશાળી ઓરેશનિક મિસાઇલ વડે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બચાવ કાર્યકરોને પણ ઇજા થઈ હતી. રશિયાના હુમલામાં કીવમાં આવેલા કતારના રાજદૂતાવાસને પમ નુકસાન પહોંચ્યુ હતુ. કતારે તાજેતરમાં બંને દેશો વચ્ચે યુદ્દબંદીઓની આપલે થઈ તેમા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રશિયાના તાજેતરના હુમલામાં ચાર નાગરિકોનું મોત થયું હતું અને ૨૪થી વધુ લોકો ઇજા પામ્યા હતા. સિબિહાએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયન મિસાઇલોએ રહેણાક વિસ્તારો પર પણ હુમલો કર્યો હતો, જેનાથી પાણીનો પુરવઠો અને હીટિંગમાં અવરોધ સર્જાયો છે. રશિયા શાંતિ પ્રયત્નોની ધરાર અવગણના કરી રહ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકાની આગેવાની હેઠળ ચાલતા શાંતિ પ્રયત્નોમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ રશિયા પર આકરા પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે.


