Get The App

રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 31 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યું- 'દુનિયા ચૂપ ના રહે'

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 31 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યું- 'દુનિયા ચૂપ ના રહે' 1 - image
Image Source: zelensky/X

Russia Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં પાંચ બાળક સહિત 31ના મોત થયા છે અને 150થી વધુને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે. રશિયાના હુમલાના લીધે કીવમાં નવ માળના બિલ્ડિંગનો મોટા હિસ્સો તૂટી પડ્યો હતો. હુમલાના એક દિવસ બાદ શુક્રવારે શહેરમાં સત્તાવાર રીતે શોક દિવસ મનાવાયો. હુમલાઓ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ગુરુવારના હુમલામાં સૌથી નાની વયનો ભોગ બનનાર બે વર્ષનો બાળક હતો, ઘાયલોમાં 16 બાળકોનો સમાવેશ થાય છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ઓક્ટોબર 2022 માં શહેર પર હવાઈ હુમલા શરૂ થયા પછી કીવ પર એક જ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા બાળકોની આ સૌથી વધુ સંખ્યા છે.

રશિયાના હુમલા પછી બચાવ ટુકડીઓ તરત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યુ હતું. બચાવ ટુકડીના કર્મચારીઓને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી રહ્યા હોય તેવા અને તેને શોધી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા હતા.

ઝેલેન્સ્કીએ શું કહ્યું?

વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું, 'આ હુમલામાં અત્યાર સુધીમાં 31 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. સૌથી નાનો બાળક માત્ર બે વર્ષનો હતો. મૃતકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના છે. 16 બાળકો સહિત 159 લોકો ઘાયલ થયા છે. દરેકને હાલમાં જરૂરી તબીબી સહાય મળી રહી છે. હું બચાવ કાર્યકરો, પોલીસ અધિકારીઓ, ડોકટરો, નર્સો અને આ સમયે લોકોને મદદ કરી રહેલા તમામ લોકોનો આભારી છું.'

'દુનિયાએ ચૂપ ન રહેવું જોઈએ'

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ફરી એકવાર રશિયા દ્વારા કરવામાં આવેલો આ ક્રૂર હુમલો મોસ્કો પર દબાણ વધારવા અને વધારાના પ્રતિબંધોની જરૂરિયાત દર્શાવે છે. ક્રેમલિન આ પ્રતિબંધોની અસરકારકતાને ગમે તેટલો નકારે, પ્રતિબંધો કામ કરે છે, તેમને વધુ મજબૂત બનાવવા જોઈએ. આ હુમલાઓ અંગે દુનિયા ચૂપ ન રહે તે પણ મહત્ત્વપૂર્ણ છે. હું તે બધાનો આભાર માનું છું જેમણે આપણા લોકોને ટેકો આપ્યો છે. અમે પ્રશંસા કરીએ છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુરોપિયન નેતાઓ અને અન્ય સાથીઓ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે અને રશિયાની નિંદા કરી રહ્યા છે.'

'દરરોજ ગણાય છે'

ઝેલેન્સ્કીએ કહ્યું, 'એકલા જુલાઈમાં રશિયાએ યુક્રેન વિરૂદ્ધ 5100થી વધુ ગ્લાઇડ બોમ્બ, 3800થી વધુ ડ્રોન અને અલગ અલગ પ્રકારની લગભગ 260 મિસાઇલોનો ઉપયોગ કર્યો, જેમાંથી 128 બેલિસ્ટિક હતી. આ ફક્ત અમેરિકા, યુરોપ અને અન્ય વૈશ્વિક શક્તિઓના સંયુક્ત પ્રયાસો દ્વારા જ રોકી શકાય છે. દરેક જોડાણ મહત્ત્વપૂર્ણ છે. દરેક દિવસ મહત્ત્વપૂર્ણ છે. હું યુક્રેનને મદદ કરી રહેલા દરેક વ્યક્તિનો આભાર માનું છું.'

કીવના 100થી વધુ સ્થળો પર નુકસાન: યુક્રેનિયન એરફોર્સ

યુક્રેનિયન એરફોર્સના જણાવ્યા અનુસાર, રશિયન દળોએ ક્રામાત્ચોક શહેરની બિલ્ડિંગ્સ અને એક બીજા શહેરને પણ લક્ષ્યાંક બનાવ્યું હતું. રશિયાના કીવ પરના હુમલામાં 100થી પણ વધુ સ્થળોને નુકસાન થયુ હતુ, તેમાં ઘરો, સ્કૂલ્સ, કિંટરગાર્ડન, મેડિકલ ફેસિલિટીઝ અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

ટ્રમ્પની ડેડલાઈન બાદ રશિયા બન્યું આક્રમક

ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેની શાંતિ પ્રક્રિયામાં પ્રગતિ કરવા 8મી ઓગસ્ટ સુધીની ડેડલાઇન આપી છે. તેના પછી રશિયાએ યુક્રેન પર હુમલા વધુ તીવ્ર બનાવ્યા છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના પૂવી વિસ્તાર ડોનેત્સ્કમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું ચેસિવ શહેર જીતી લીધું છે. ચેસિવ શહેર પર અંકુશ માટે રશિયા-યુક્રેનના દળો ૧૮ મહિના સુધી લડયા હતા. પણ યુક્રેનિયન લશ્કરે રશિયાના આ દાવાને નકારી કાઢ્યો હતો અને ખોટો ગણાવ્યો હતો. જો કે નક્શો બતાવે છે કે ચેસિવ શહેરનો મોટાભાગનો હિસ્સો રશિયાના અંકુશમાં છે.

Tags :