China Reaction Over Greenland Issue : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ વિવાદમાં રશિયા અને ચીનને ખેંચી લાવતા બંને દેશોએ અમેરિકાનાને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં જ ટ્રમ્પના લીક થયેલા એક પત્રમાં કહેવાયું છે કે, ગ્રીનલેન્ડને રશિયા-ચીનથી ખતરો છે, જેના જવાબમાં રશિયાએ ટ્રમ્પને મજાક ઉડાવી છે, તો ચીને અમેરિકાને સ્વાથી ગણાવી પોતાનું નામ ન લેવા ટ્રમ્પને ચેતવણી આપી છે.
અમેરિકા પોતાના સ્વાર્થ માટે અમારું નામ ન લે : ચીન
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલેન્ડને પડાવી લેવા માટે ધમપછાળા કરી રહ્યા છે. તેઓ ગ્રીનલેન્ડ મામલે અવારનવાર ડેનમાર્ક અને નોર્વે જેવા દેશો પર પણ નિશાન સાધી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, ગ્રીનલેન્ડને રશિયા-ચીનથી ખતરો છે, ત્યારે ચીને ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી કહ્યું છે કે, આમાં અમારું નામ ન લો. ચીનના વિદેશ મંત્રાલયે પહેલીવાર ગ્રીનલેન્ડ મુદ્દે પ્રતિક્રિયા આપતા સીધું જ અમેરિકાને કહ્યું છે કે, ‘ટ્રમ્પ ગ્રીનલેન્ડ મામલે અમારું નામ લેવાનું બંધ કરે. અમે સંયુક્ત રાજ્ય અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ તથાકથિત ગ્રીનલેન્ડને ચીનથી ખતરો હોવાનું બહાનું બનાવી પોતાના સ્વાર્થી હિતોને આગળ વધારવાનું બંધ કરે.’
રશિયાએ ઉડાવી અમેરિકાની મજાક
બીજીતરફ રશિયાએ પણ અમેરિકાની મજાક ઉડાવી જવાબ આપ્યો છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડ મામલાનો વિરોધ કરનારા યુરોપીય દેશો પર 10 ટકા ટેરિફ ઝિંકવાની ધમકી આવ્યા બાદ રશિયાએ જાહેરમાં યુરોપ પર કટાક્ષ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખના દૂત અને રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરિલ દિમિત્રિએવે મજાક ઉડાવીને કહ્યું છે કે, યુરોપીય સંઘે પોતાના ડેડીને નારાજ ન કરવા જોઈએ. દિમિત્રિએવે એક્સ પર લખ્યું છે કે, ‘યુરોપીયન દેશોએ ગ્રીનલેન્ડમાં સેના મોકલવાનો ખતરનાક ખેલ રમ્યો હોવાના કારણે ટ્રમ્પે આ દેશો પર 10 ટકા ટેરિફ ઝિંક્યો છે. આ ટેરિફ ગ્રીનલેન્ડમાં મોકલાયેલા દરેક સૈનિકો પર લગભગ એક ટકા ટેક્સ બરાબર છે.’
ટ્રમ્પે શું વિવાદ ઉભો કર્યો?
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરેને મોકલેલો પત્ર લીક થયો છે. પત્રમાં નોબેલ પુરસ્કાર, ગ્રીનલેન્ડ, ચીન અને રશિયાનો ઉલ્લેખ થયો છે. આ માહિતી સામે આવ્યા બાદ ચીન-રશિયા અમેરિકા પર ભડક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) પત્રમાં લખ્યું છે કે, ‘મારા દેશે આઠથી વધુ યુદ્ધ અટકાવ્યા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાયો. તેથી મને લાગી રહ્યું છે કે, મને હવે ફક્ત શાંતિ વિશે વિચારવાની કોઈ ફરજ નથી લાગતી. જોકે હંમેશા શાંતિ મુખ્ય બાબત છે, પરંતુ હવે હું તે વિચારી શકું છું કે, અમેરિકા માટે શું યોગ્ય છે.’ તેમણે એવું પણ લખ્યું છે કે, ‘ડેનમાર્ક ગ્રીનલેન્ડને રશિયા કે ચીનથી સુરક્ષિત નહીં રાખી શકે.’ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે પણ પત્રની પુષ્ટી કરી કહ્યું છે કે, તેમણે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ્બ (Finland President Alexander Stubb) સાથે મળીને ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો, જેમાં નોર્વે, ફિનલેન્ડ સહિત ઘણા દેશો પર ટેરિફ લગાવવાનો વિરોધ કરાયો હતો. હવે આ પત્રના જવાબમાં ટ્રમ્પે પોતાનો ગુસ્સે દેખાડ્યો છે.


