રશિયા મધ્ય-યુક્રેન તરફ આગળ ધસે છે, કીવના હુમલાનો બહુ પાંખીયો જવાબ આપે છે
- અમેરિકા કહે છે : હજી વધુ પ્રચંડ હુમલા થવાની ભીતિ છે
- શાંતિ મંત્રણાની વાત ચાલતી હતી ત્યાં યુક્રેને રશિયાના પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા વિમાનો તોડતાં રશિયા ધૂંધવાયું
મોસ્કો કીવ, નવી દિલ્હી : રશિયાએ રવિવારે જણાવ્યું હતું કે, તેના દળો પૂર્વ અને મધ્ય યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે અને નીયર નદીના પૂર્વના કેટલાએ વિસ્તાર તથા નિપ્રો પેટ્રોવસ્ક આસપાસનો વિસ્તાર કબજે કર્યો છે. એક તરફ શાંતિ- મંત્રણાની વાત ચાલતી હતી અને બંને બાજુએ વીરગતિ પામેલા સૈનિકોના મૃતદેહોની આપલે કરવાની વાત ચાલતી હતી. ત્યારે જ યુક્રેને આંધળુકીયા કરી પરમાણુ બોંબ પણ વહી શકે તેવા વિમાનો તોડી નાખ્યા પછી, ધૂંધવાયેલા રશિયાએ યુક્રેન ઉપર પૂર્વ તેમજ ઉત્તરમાં પ્રચંડ વિમાન તથા મિસાઇલ હુમલા શરૂ કરવા સાથે ટેન્ક-ફોર્સ અને ભૂમિદળો દ્વારા વિનાશક હુમલા શરૂ કરી દીધા છે. તેણે ૪૦૦ ડ્રોન અને ૪૦ મિસાઇલ્સ યુક્રેન પર એરસ્ટ્રાઇક શરૂ કરી દીધી છે.
અમેરિકાનું તો સ્પષ્ટ માનવું છે કે, રશિયા હજી વધુ વિનાશક હુમલા કરશે. અત્યારે જ તેણે યુક્રેનનો ૨૦ ટકાથી પણ થોડો વધુ વિસ્તાર કબજે કરી લીધો છે.
પુર્વ ઉત્તર સ્થિત સમી વિસ્તાર અને તેની આસપાસનો ૧૯૦ ચો. કી.મી.નો વિસ્તાર રશિયાના કબજા નીચે છે. રશિયાનું સંરક્ષણ મંત્રાલય જણાવે છે કે, રશિયાના સેન્ટ્રલ કમાન્ડને આ યુદ્ધની જવાબદારી સોંપાઈ છે.
રશિયાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રશિયાની સિકયુરીટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન, દીમીત્રી મેદવદેવે કહ્યું હતું કે યુક્રેન વાસ્તવિકતા સમજવા જ તૈયાર નથી. તેથી આ હુમલો કરી અમારે અંદર સુધી ઘુસવું પડયું છે.
યુક્રેનની સેનાના પ્રવકતા દીમીત્રો ઝામોરોઝેટસે કહ્યું હતું કે, રશિયન દળો કોસ્તી આનિત્યનિવેકમાં બ્રિજહેડ કરી રહ્યા છે. આ શહેર ઘણું વ્યુહાત્મક સ્થાન ધરાવે છે.
રશિયાએ તેવો પણ આક્ષેપ કર્યો હતો કે, ૧૨૦૦૦ સૈનિકોના મૃતદેહો અમને સોંપવામાં ઢીલ કરે છે. યુક્રેને આ આક્ષેપને રદિયો આપ્યો હતો.