- આરોપીઓ છેલ્લા બે વર્ષથી ચોરી કરી રહ્યા હતા
- પકડાયેલા ગુજરાતીઓનો જામીન પર છૂટકારો થયો આરોપીઓને ત્યાંથી અઢી લાખ ડોલરનો સામાન મળ્યો
ટોરોન્ટો : કેનેડામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં વીસ લાખ ડોલરથી (૧૮.૫ કરોડ રૂપિયા) પણ વધુ રકમની ચોરીના આરોપમાં પાંચ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. કેનેડામાં ભાગ્યે જ જોવા મળતા આ કિસ્સાના કારણે ત્યાંના ગુજરાતી સમાજમાં પણ ચકચાર મચી ગઈ છે. ચોરીના આરોપમાં પકડાયેલા બે મહિલા સહિતના પાંચેયે ગુજરાતીઓ હાલમાં જામીન પર હાલમાં છૂટી પણ ગયા છે.
આ પાંચ આરોપીમાં સ્કારબોરોનો ૩૧ વર્ષનો આશિષ કુમાર સાવાણી અને ન્યૂ માર્કેટનો રહેવાસી ૩૬ વર્ષીય મેહુલ બળદેવભાઈ પટેલ બંને પર છેતરપિંડીના મુખ્ય આરોપી છે. તેમાં આશિષ કુમાર સાવાણી પર પાંચ હજાર ડોલરથી વધુ રકમનો ફ્રોડ, પાંચ હજાર ડોલરથી વધુ રકમની ચોરી, પાંચ હજાર ડોલરથી વધુ રકમની સામગ્રી ચોરવાનો આરોપ છે. જ્યારે મેહુલ પટેલ પર પાંચ હજાર ડોલરથી વધુના ફ્રોડ અને પાંચ હજાર ડોલરથી વધુની ચોરીનો આરોપ છે.
આ સિવાયના અન્ય શંકાસ્પદમાં સ્કારબોરોની ૨૮ વર્ષીય બંસરી સાવાણી પર પાંચ હજારથી વધુ ડોલરની ચોરાયેલી સામગ્રીના ટ્રાફિકિંગનો અને પાંચ હજાર ડોલરથી વધુ રકમની ચોરાયેલી વસ્તુઓ પોતાની પાસે રાખવાના આરોપમાં અટકાયતમાં લેવાઈ હતી. આ ઉપરાંત ૨૮ વર્ષનો યશ ધામેલિઆ અને ૨૯ વર્ષની જાનવી ધામેલિયાની પાંચ હજાર ડોલરથી વધુ રકમની ચોરાયેલી મિલકત રાખવાના આરોપ છે.
કેનેડાની ડરહામ પોલીસના ફાઇનાન્સિયલ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના ઓફિસરોએ એમેઝોન લોસ પ્રીેવેન્શન ટીમની ફરિયાદના આધારે અજક્સમાં સાલેમ રોડ પર આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના બે કર્મચારી સામે તપાસ શરૂ કરી હતી. છેલ્લા બે વર્ષના સમયગાળામાં દરમિયાન ૨૦ લાખ ડોલર એટલે કે ૧૮.૫ કરોડ રુપિયાથી વધુ રકમની થયેલી ચોરી માટે બે કર્મચારીઓ જવાબદાર હોવાની પોલીસને માહિતી મળી હતી.
આના પગલે પોલીસે ૧૫ ડિસેમ્બરે બે કામદારોની ધરપકડ કરી હતી અને ત્રણ શંકાસ્પદોને અટકાયતમાં લીધા હતા. તેઓના સ્કારલોબોરો ખાતેના મકાન પર સર્ચ વોરંટ પણ બજાવાયું અને પોલીસે આ આરોપીઓના મકાનમાંથી અઢી લાખ ડોલરના હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને ૫૦ ડાજાર ડોલર રોકડા પકડયા હતા.


