ચીનમાં રોબોટ્સ બાળકને જન્મ આપશે, હવે મહિલાઓને ગર્ભવતી થવું નહીં પડે!
China News : મહિલાઓની બાળજન્મની ગંભીર સમસ્યાને ઉકેલવા માટે હવે ચીનની એક કંપની રોબોટ્સને કામે લગાડશેે. જે મહિલાઓ બાળકને જન્મ આપતાં ગભરાતી હોય કે કોઇ શારીરિક ખામીને કારણે બાળકને જન્મ આપી શકે તેમ ન હોય તો તેમને સહાયરૂપ થવા માટે રોબોટ્સ બનાવવાનું કામ ચાલુ છે. ચીનની કંપની કાઇવા એક વર્ષમાં આ રોબોટને માર્કેટમાં મુકી દેવા ધારે છે. આ રોબોટની કિંમત અંદાજે બાર લાખ રૂપિયા હશે.
સાયન્સ ફિક્શનના પ્લોટ જેવી લાગતી વાતને ચીનની કંપની કાઇવા હકીકતમાં બદલવા કમર કસી રહી છે. કાઇવા એવો રોબોટ બનાવવા માંગે છે જેમાં ગર્ભાવસ્થાનું સિમ્યુલેશન કરી શકાય. એટલે કે રોબોટ મહિલાની જેમ ગર્ભવતો બનશે અને માનવબાળને જન્મ પણ આપી શકશે.
હાલ જેમને સંતાનો થતાં નથી તેઓ આઇવીએફ યાને ઇન વિટ્રો ફર્ટિલિટી ટેકનિક કે સરોગસી કૂખ ભાડે લેવાનો કિમિયો અજમાવે છે. પણ હવે આ રોબોટ એક પ્રકારનું ઇન્કયુબેશન પોડ એટલે કે રોબોટિક કૂખ ધરાવતો હશે જેમાં ગર્ભધારણથી માંડી બાળકના જન્મ સુધીની પ્રક્રિયા કરી શકાશે. કંપનીના જણાવ્યા અનુસાર જે લોકો ગર્ભધારણની ઝંઝટ વિના જ સીધું બાળક ઇચ્છે છે તેમના માટે આ રોબોટ આશિર્વાદરૂપ બની રહેશે.
આ રોબોટ બનાવનારી કંપની કાઇવાની સ્થાપક અને સીઇઓ ઝાંગ કિફેંગ છે. જેમણે સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી ૨૦૧૪માં પીએચડી કર્યું છે. ૨૦૧૫માં ઝાંગે તેની કંંપની ગુઆંગઝો પ્રાંતમાં સ્થાપી સર્વિસ અને રિસેપ્શન રોબોટ બનાવી ચૂકી છે. ઝાંગને આશા છે કે આ નવા રોબોટ માનવજીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશે. ચીનના સોશ્યલ મિડિયા વીબો પર આ સમાચાર આવતાં જ 10 કરોડ લોકો કરતાં વધારે લોકોએ તેને વાંચી જાતજાતના પ્રતિભાવ આપ્યા છે.
ઘણાંનું કહેવું છે કે જેમને બાળકો થતાં નથી તેમના માટે આ ટેકનોલોજી વરદાન બની રહેશે પણ બીજા ઘણાં લોકોએ રોબોટ માનવબાળને જન્મ આપશે તો માતૃત્વનું શું થશે તેવો સવાલ પણ કર્યો છે. નિષ્ણાતોની ચિંતા એ છે કે આ રીતે જન્મનારા બાળકો તંદુરસ્ત હશે કે કેમ. તેમનો માનસિક વિકાસ કેવો હશે તે પણ અટકળનો વિષય છે. હાલ તો ભવિષ્યના ગર્ભમાં આ સવાલોના ઉત્તર સંતાયેલાં છે. એક વર્ષ બાદ રોબોટ માનવબાળને જન્મ આપવાનું શરૂ કરે એ પછી ખબર પડશે કે આ ચિંતાઓ સાચી છે કે ખોટી છે. લેટસ કીપ અવર ફિંગર ક્રોસ્ડ!