World

દુનિયામાં સ્થૂળતા અને ડાયાબિટિસ મહામારી ફેલાવશે, પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટની ચેતવણી

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
ઈબોલા વાયરસ શોધવામાં સહાય કરનાર તેમજ એચઆઈવી-એઈડ્સ સામે વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય સમસ્યા કોઈ નવો વાયરસ નહીં પણ સ્થૂળતા અને ડાયાબિટિસ ની સુનામી હશે. બાયોએશિયા સંમેલનમાં બોલતા તેમણે વિશ્વભરમાં, ખાસ કરીને જ્યાં ડાયાબિટિસ ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેવા ભરત જેવા દેશમાં મેટાબોલિક રોગોના ઝડપી ફેલાવા પર પ્રકાશ પાડયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયામાં સ્થૂળતા અને ડાયાબિટિસ મહામારી ફેલાવશે, પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટની ચેતવણી

Renowned virologist warns of obesity and diabetes epidemic : ઈબોલા વાયરસ શોધવામાં સહાય કરનાર તેમજ એચઆઈવી-એઈડ્સ સામે વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય સમસ્યા કોઈ નવો વાયરસ નહીં પણ સ્થૂળતા અને ડાયાબિટિસ ની સુનામી હશે. બાયોએશિયા સંમેલનમાં બોલતા તેમણે વિશ્વભરમાં, ખાસ કરીને જ્યાં ડાયાબિટિસ ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેવા ભરત જેવા દેશમાં મેટાબોલિક રોગોના ઝડપી ફેલાવા પર પ્રકાશ પાડયો હતો.

પીટર પાયટના મતે વિશ્વ હાલ કોવિડ કટોકટી પહેલાની સરખામણીએ મહામારી સામે ટેકનોલોજીની દ્રષ્ટિએ બહેતર રીતે તૈયાર છે. મહામારીએ શીખવેલા સૌથી મહત્વના બોધપાઠમાં નવીનતાની શક્તિ હતી કારણ કે આ સમયમાં રેકોર્ડ સમયમાં વેક્સિનો વિકસાવવામાં આવ્યા. કટોકટીએ એવું પણ સાબિત કર્યું કે જરૂર પડે ત્યારે નિયમનકારી સીસ્ટમો સક્ષમ રીતે કામ કરી શકે છે. જો કે હજી પણ નિયમનકારી વિલંબ મુખ્ય અવરોધ છે. ઉદાહરણ તરીકે ભારતમાં ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીને અનેક મહિના લાગી જાય છે જ્યારે ચીન જેવા દેશોમાં તે ઝડપથી થાય છે.

તેમણે ચેતવણી આપી કે સાયન્સ અને ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ છતાં સમાજ આરોગ્ય સંબંધિત ભાવિ પડકારો સામે તૈયાર નથી. યુરોપ અને અમેરિકા જેવા વિસ્તારોમાં વેક્સિન, ટેકનોલોજી અને સરકારો સામે વધતા અવિશ્વાસને કારણે જાહેર આરોગ્ય પ્રતિસાદ વધુ ગૂંચવાયા છે. મેડિકલ જરનલ ધી લેન્સેટ સાથે સંકળાયેલા કમિશન દ્વારા યોજાયેલા રિસર્ચમાં જણાવાયું છે કે ડાયાબિટિસ અને સ્થૂળતા સદીનું સૌથી ગંભીર આરોગ્ય જોખમ બની જશે. ભારતમાં કેરળ જેવા રાજ્યોમાં લગભગ પચ્ચીસ ટકા પુખ્તો ડાયાબિટિસ નો ભોગ બન્યા છે.

સ્થૂળતા અને ડાયાબિટિસ નિયંત્રિત કરતી નવી દવાઓની ભારે માગ છે, પણ તેની ઊંચી કિંમતને કારણે મોટાભાગના દરદીઓ તેને ખરીદી નથી શકતા. આગામી મહિનાઓમાં પેટન્ટ સમાપ્ત થતી હોવાથી વ્યાપક ઉત્પાદન થતા સારવાર સસ્તી બની શકે. ભારતે અગાઉથી ઉચ્ચ ગુણવત્તાની દવા ઓછા ખર્ચે ઉત્પાદન કરવામાં પ્રતિષ્ઠા હાંસલ કરી છે, પણ નિષ્ણાંતોના મતે દેશમાં હવે માત્ર ઉત્પાદન પર મદાર રાખવાના સ્થાને ઈનોવેશન અને સંશોધન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે આરોગ્ય સંભાળને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાની સલાહ આપી હતી.

તેમણે એવી પણ ચેતવણી આપી કે આબોહવા પરિવર્તન નોંધપાત્ર રીતે વૈશ્વિક આરોગ્ય પેટર્નમાં ફેરફાર કરી શકે. વધતા તાપમાન ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારી એવા વિસ્તારોમાં ફેલાવી શકે જ્યાં અગાઉ ખૂબ ઠંડી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ,એમઆરએનએ વેક્સિન અને જીન થેરપી ભાવિ મેડિકલ બ્રેકથુ્ર માટે આશાસ્પદ જરૂર છે પણ મજબૂત નિયમનકારી સીસ્ટમો અને આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી થઈ પડશે. આરોગ્ય સંભાળમાં વધુ રોકાણ, બહેતર સંપર્ક અને ધૂમ્રપાન જેવા જોખમી પરિબળો ઘટાડવાના પ્રયાસ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવા મુખ્ય રહેશે.