World

ધાર્મિક સલાહકારે ટ્રમ્પની સરખામણી ઇશુ ખ્રિસ્ત સાથે કરતાં વિવાદ

By GS TEAM
3 Apr 20262 mins read
ધાર્મિક સલાહકારે ટ્રમ્પની સરખામણી ઇશુ ખ્રિસ્ત સાથે કરતાં વિવાદ

- ટ્રમ્પની પ્રશંસા કરવાં જતા સલાહકાર વિવેક ભાન ભૂલ્યા

- શ્રદ્ધાળુઓએ વ્હાઇટના પ્રશસ્તિગાનને ઇશનિંદા સમાન ગણાવ્યું : સમાજના દરેક વર્તુળોમાં ટ્રમ્પની આકરી

- ઇશુખ્રિસ્ત અને ટ્રમ્પ બંનેની સ્થિતિ સરખી છે. બંનેને દગો મળ્યો હતો, તેમના પર ખોટા આરોપ લાગ્યા હતા

વોશિંગ્ટન : અમેરિકના વ્હાઇટ હાઉસમાં પ્રમુખના ધાર્મિક સલાહકાર પૌલા વ્હાઇટે ટ્રમ્પની તુલના ઇશુખ્રિસ્ત સાથે કરતાં પશ્ચિમી જગતમાં મોટો હોબાળો મચી ગયો છે. સામાન્યથી લઈ ધાર્મિક અને રાજકીય વર્તુળો બધાએ તેની આકરી ટીકા કરી છે. તેણે જણાવ્યું હતું કે ઇશુખ્રિસ્ત અને ટ્રમ્પ બંનેની સ્થિતિ સરખી છે. બંનેને દગો મળ્યો હતો, તેમના પર ખોટા આરોપ લાગ્યા હતા અને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે વાસ્તવમાં તેઓ આપણા બચાવકર્તા હતા. આપણને બચાવવા આવતા આપણા ભગવાન અને હાલમાં પણ આપણના બચાવનારા ટ્રમ્પની સાથે જે થઈ રહ્યુ છે તે બંનેમાં એકસરખી કાર્યપદ્ધતિ જોવા મળી રહી છે. ઇશુ ખ્રિસ્તે તેમના જન્મ, મૃત્યુ, અંતિમ સંસ્કાર તથા પુર્નજન્મ સાથે કેટલીય વસ્તુઓ શીખવી છે. તેમણે બલિદાન આપીને નેતૃત્વ કોને કહેવાય તે બતાવ્યું હતું. 

ટ્રમ્પ પણ બિલકુલ આ જ માર્ગે છે. તેઓએ તેમની કિંમત તેમના જીવનથી ચૂકવવાની ફરજ પડી રહી છે. તેઓ તેમના પર થયેલા હુમલામાં માંડ-માંડ બચ્યા હતા. તેઓ જે રીતે બચ્યા છે તે જોતાં આ તેમનો પુર્નજન્મ જ કહી શકાય. ટ્રમ્પ વિજયી બન્યા છે તેના કારણે તમે વિજયી બન્યા છો. 

સોશિયલ મીડિયા પર એક જણે લખ્યું હતું કે પોલા વ્હાઇટે તો જાણે ચાપલૂસીની દરેક હદ વટાવી દીધી છે. સ્ટેરોઇડને પણ શરમાવે તેવી ચાપલૂસી તે કરી રહી છે. ઇસ્ટર આધ્યાત્મિક નવરચનાનો તહેવાર છે, રાજકીય બ્રાન્ડિંગ કરવાનો તહેવાર નથી. 

આ ઉપરાંત કેટલાય પાદરીઓ, કેટલાય રાજકીય વ્યૂહરચનાકારો અને અન્ય નિષ્ણાતોએ પણ આકરી ટીકા કરી હતી. એક કેથલિક શ્રદ્ધાળુએ ત્યાં સુધી જણાવ્યું હતું કે એક બિશપની હાજરીમાં અમેરિકન પ્રમુખને આ રીતે બીરદાવવામાં આવે છે. 

તેની સાથે આ રીતે ઇતિહાસ સાથે ચેડા કરવાના પ્રયતોને સફળ નહીં થાય તેમ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘણા બધાએ તો વ્હાઇટના આ કૃત્યને ઇશનિંદા સમાન ગણાવ્યું હતું.