રિલાયન્સ ભારતને 5G ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવશે
ટેલિકોમ ક્ષેત્રે 4Gની ક્રાંતિ કર્યા પછી ગૂગલ અને જિઓ ભેગા થઈ એડવાન્સ ટેક્નોલોજીની શરૂઆત કરશે
- 43મી ઓનલાઈન વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીની જાહેરાત
- ગૂગલનું જિઓમાં રૂ.33,737 કરોડનું રોકાણ : ટૂંકાગાળામાં રૂ.1,52,000 કરોડનું વૈશ્વિક રોકાણ મેળવ્યું : હવે મૂડી ઊભી કરવાની કામગીરી પૂર્ણ, વ્યુહાત્મક ભાગીદારી કરાશે : મુકેશ અંબાણી
- ગુગલ અને જિઓ ભેગા મળીને ભારત માટે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવશે : વર્ચ્યુઅલ રિઆલિટી માટે જિઓ ગ્લાસ લૉન્ચ કરશે
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા.15 જુલાઈ 2020, બુધવાર
ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં ભારતની મૂલ્યની રીતે સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નયે ઈન્ડિયા કા નયા જોશ સાથે આજે પ્રથમ મોટી છલાંગ લગાવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિઓ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરાયેલ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન તૈયાર કરી લીધું હોવાનું આજે જાહેર કર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે પ્રથમ વખત યોજાયેલી વર્ચ્યુઅલ ૪૩મી વાર્ષિક સાધારણ સભા(એજીએમ)માં શેરધારકોને સંબોધતા કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણીએ આજે રિલાયન્સની છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં ઝડપી વિકાસથી શેરધારકોને અવગત કરાવ્યા સાથે હવે આગામી સાત વર્ષમાં રિલાયન્સની ભારત-રિલાયન્સને નવા યુગમાં લઈ જવાનો ડિજિટલ ક્રાંતિ સાથે રીટેલ થી લઈને પેટ્રોકેમિકલ્સ બિઝનેસના ઝડપી વિકાસ માટેનો રોડમેપ રજૂ કર્યો હતો.
રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડે પોતાના દ્વારા સંપૂર્ણ સ્વદેશી ફાઈવ-જી સોલ્યુશન સાથે તૈયાર કરી લીધું હોવાનું અને આગામી વર્ષમાં ફાઈવ-જી માટે સ્પેક્ટ્રમની ફાળવણી થતાં તેના ટ્રાયલ માટે તૈયાર હોવાનું અંબાણીએ કહ્યું હતું.ભારતને આત્મનિર્ભર બનાવવાનું વિઝન આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સંપૂર્ણ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી સોલ્યુશન સમર્પિત કર્યું હતું. આ ફાઈવ-જી સોલ્યુશન્સની અન્ય ટેલીકોમ ઓપરેટરોનો ટૂંક સમયમાં નિકાસ માટે પણ તૈયાર થઈ જવાની મોટી જાહેરાત તેમણે કરી હતી. જિઓ પ્લેટફોર્મ્સમાંગૂગલના રૂ.૩૩,૭૩૭ કરોડના રોકાણ કરાર થયાનું જાહેર કરીને તેમણે જિઓ અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે ભારત માટે એન્ડ્રોઈડ બેઝડ ઓપરેટીંગ સિસ્ટમ વિકસાવવાનું જાહેર કર્યું છે.
આ સાથે અંબાણી કહ્યું હતું કે, નવી ઓપરેટીંગ સિસ્ટમ દેશના અત્યારે ટુજી મોબાઈલ ફોન વપરાશકાર ભારતીયો માટે નવા એન્ટ્રી લેવલના પરવડે એવા સ્માર્ટફોનો વિકસાવવાના હેતુંથી તૈયાર કરાશે અને આ નવી ઓપરેટીંગ સિસ્ટમના ઉપયોગથી ભારતનો ટુજી મુક્ત કરવાની જિઓની યોજના છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ પણ આ એજીએમમાં સંબોધતા તેમની કંપની દ્વારા ભારતમાં આગામી પાંચ થી સાત વર્ષમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના સાથે જિઓ પ્લેટફોર્મ્સ સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી હોવાનું જણાવ્યું હતું.
દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ડિજિટલ એકમ જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રણ મહિનાના ટૂંકાગાળામાં રૂ.૧,૫૨,૦૦૦ કરોડથી વધુ વૈશ્વિક રોકાણ મેળવ્યાની સિદ્વિ સાથે કંપનીને લક્ષ્યાંકથી વહેલા નેટ ધોરણે દેવા મુક્ત કર્યાનું જાહેર કર્યું હતું. રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં આજે કંપનીએ વિશ્વ વિખ્યાત આઈટી જાયન્ટ ગૂગલ દ્વારા રૂ.૩૩,૭૩૭ કરોડનું રોકાણ કરીને ૭.૭૩ ટકા હોલ્ડિંગ ખરીદવાના કરાર કર્યાનું જાહેર કર્યું હતું.
રાઈટ ઈસ્યુ, વૈશ્વિક રોકાણકારો દ્વારા રૂ.૧,૫૨,૦૦૦ કરોડના રોકાણસાથે બ્રિટિશ પેટ્રોલિયમ સાથે ડીલ મળીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કુલ રૂ.૨.૧ લાખ કરોડની મૂડી ઊભી કરી છે. મુકેશ અંબાણીએ કંપનીના શેરોના રૂ.૫૩,૧૨૪ કરોડના ભારતના સૌથી મોટા રાઈટ ઈસ્યુની સફળતા માટે શેરધારકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ રાઈટ ઈસ્યુ ૧.૫૯ ગણો છલકાઈ જઈ ભારતના મૂડી બજારમાં વધુ એક વિક્રમ રચાયો છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રિલાયન્સની મૂડી ઊભી કરવાની યોજના હવે પૂરી થઈ ગઈ છે, કંપની હવે વિવિધ બિઝનેસોમાં વ્યુહાત્મક ભાગીદારી કરીને વિકાસને વેગ આપશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં આજે મુકેશ અંબાણીના પુત્ર અને રિલાયન્સ જિઓના ડિરેકટર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી તેમ જ કંપનીની પ્રેસીડેન્ટ કિરણ થોમસે જિઓના રોડમેપ ૨.૦-નવા ડેવલપમેન્ટ વિશે જણાવ્યું હતું કે જિઓ દ્વારા જિઓ ગ્લાસ હેડસેટ વિકસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ જિઓ ગ્લાસ હેડસેટ થકી ડિજિટલ નોટ્સ અને પ્રેઝેન્ટશનોની આપલે થઈ શકતી હોવાનું અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે આ ગ્લાસ થ્રીડી વર્ચ્યુઅલ રૂમ્સ સક્ષમ હોવા સાથે જિઓ મિક્સ્ડ રિયાલ્ટી સર્વિસિઝ થકી રિયલ ટાઈમ હોલોગ્રાફિક ક્લાસિસ યોજી શકાશે એમ જણાવ્યું હતું. માત્ર ૭૫ ગ્રામ વજન ધરાવતા આ જિઓ ગ્લાસને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવાના રહેશે અને એ ઈનબિલ્ટ ૨૫ એપ્સ સાથે આપવામાં આવશે. આ સાથે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે જિઓમીટ ભારતનું સંપૂર્ણ સુરક્ષિત અને ખર્ચ અસરકારક વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે.
જિઓના નવા કોમર્સ પ્લેટફોર્મ જિઓમાર્ટ વિશે તેમણે કહ્યું હતું કે, વોટ્સએપ જે ફેસબુકની પ્રોડક્ટ છે અને ૪૦ કરોડથી વધુ વોટ્સએપ યુઝર હોવાથી કંપનીએ આ માટે ભાગીદારી કરીને અનેક ભારતીય નાના વેપારીઓ અને કરિયાણા સ્ટોરને વૃદ્વિની તકો પૂરી પાડવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જિઓ માર્ટ રજૂ કર્યાના અમુક સપ્તાહમાં જ દૈનિક ૨,૫૦,૦૦૦ ઓર્ડરો એના થકી થવા લાગ્યા છે.
હવે આ જિઓમાર્ટનો દેશના અન્ય ભાગોમાં વિસ્તાર કરવાનો અને ડિલિવરીની સક્ષમતા વધારવા પર ફોક્સ કરવામાં આવશે. આ સાથે ખેડૂતોના તેમના ઉત્પાદનો ઝડપી અને સીધા ગ્રાહકોના ઘરે પહોંચતા કરી શકાય એ ગ્રોસરી વ્યુહનો ભાગ છે. આ સાથે જિઓ માર્ટમાં ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ્સ તેમ જ હેલ્થકેર કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવશે.લોકડાઉનના સમયમાં ભારતમાં બિઝનેસ અને ગ્રાહક પ્રવૃતિ થંભી જતાં માંગ અને માર્જિન પર ઘણાંને અસર થઈ છે. આ છતાં કંપનીએ તેની મેન્યુફેકચરીંગ સવલતો ૯૦ ટકા ક્ષમતા વપરાશે કાર્યરત રહી હતી.
આ સાથેકંપની તેની વૈશ્વિક બજારોની ઊંડી સમજ થકી સફળતાપૂર્વક પેટ્રોકેમિકલ્સ અને ફયુલની નિકાસોમાં બે સપ્તાહમાં ૨.૫ ગણાથી વધુ વધારી શકી છે. એપ્રિલ ૨૦૨૦માં ઓ ટુ સી બિઝનેસનો ભારતની નિકાસોમાં ૫૦ ટકા જેટલો હિસ્સો રહ્યો હતો.કંપનીના પેટ્રોકેમકલ્સ બિઝનેસોમાં ફીડસ્ટોક્સ સહિતમાં વ્યુહાત્મક ભાગીદારી માટે વૈશ્વિક કંપનીઓ દ્વારા રિલાયન્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું અંબાણીએ જણાવ્યું હતું. સાઉદી અરામકો સાથે ડિલમાં વિલંબ થયો હોવાનો પણ તેમણે સ્વિકાર કર્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં જોડાયેલા અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપરસન અને સ્થાપક નીતા અંબાણીએ પણ આજે પ્રથમ વખત એજીએમને સંબોધતા જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-૧૯ મહામારીના આ સંકટમાં મિશન અન્ન સેવા થકી પાંચ કરોડથી વધુ ભોજન પૂરા પાડવમાં આવ્યા છે આ સાથે પીએમ કેર્સ ફંડ સહિત વિવિધ રાહત ફંડોને રૂ.૫૩૫ કરોડનું દાન કર્યું છે.
જીઓના ફાઈવ-જી સોલ્યુશનની અમેરિકાના વિદેશમંત્રીએ પ્રશંસા કરી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા આજે એજીએમમાં રિલાયન્સ જિઓ દ્વારા સ્ક્રેચમાંથી ભારતનું સંપૂર્ણ સ્વદેશી ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન વિકસાવી લેવામાં આવ્યું હોવાની કરેલી જાહેરાતની અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ પણ પ્રશંસા કરી હતી. ભારતનું પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી સોલ્યુશન વિકસાવી હવે રિલાયન્સ પણ વિશ્વના અન્ય ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન પૂરા પાડનારાની હરોળમાં આવી ગઈ છે.
વૈશ્વિક મોરચે અત્યારે ચાઈનાની હ્વુવેઈ અને અન્યોમાં નોકિયા, એરિકશનને હરિફાઈ આપશે. રિલાયન્સ દ્વારા તેના આ ફાઈવ-જી સોલ્યુશનનની વિશ્વના અન્ય ટેલીકોમ ઓપરેટરોને નિકાસ કરવાની પણ તૈયારી હોવાનું જાહેર કર્યું છે.
જિયો ટીવી પ્લસમાં નવી સુવિધાઓ
આકાશ અંબાણીએ કંપનીના નવા ઓવર ધ ટોપ(ઓટીટી) પ્લેટફોર્મ, જિઓ ટીવી પ્લસ વિશે જણાવ્યું હતું કે, નવા પ્લેટફોર્મથી વિવિધ કન્ટેન્ટ એપ્સનું એક જ ઈન્ટરફેસમાં ઈન્ટીગ્રેશન થઈ શકશે. ૧૨ ઓટીટી પ્લેટફોર્મસ નેટફલિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની હોટસ્ટાર, સોની લાઈવ અને અન્યો સહિત દરેક નવા પ્લેટફોર્મના અલગ લોગ-ઈન વગર એ જ પ્લેટફોર્મમાંથી કન્ટેન્ટ પસંદ કરી શકાશે. જેથી અલગ અલગ લોગ-ઈન કરવાની જરૂર રહેશે નહીં. આ સાથે અન્ય ફીચર વોઈસ કમાન્ડ ફીચર જિઓ ટીવી પ્લસમાં દાખલ કરાયું છે.
રિલાયન્સને 2035 સુધીમાં કાર્બન-મુક્ત કરીશું : મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સનો ઉદ્દેશ-લક્ષ્યાંક વર્ષ ૨૦૩૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો કરવાનો છે. રિલાયન્સ ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસનો વપરાશ કરે છે. કંપની તેના કાર્બન ડાયોક્સાઈડ પ્રદુષણોને ઉપયોગી પ્રોડક્ટસ અને કેમિકલ્સમાં પરિવર્તિત કરવા નવી ટેકનોલોજીસ અપનાવવા વચનબદ્ધ છે. કંપની આ પ્રદુષિત વેસ્ટના ટ્રીટમેન્ટને બદલે સીઓટુને રીસાઈકલેબલ સ્ત્રોત બનાવીને સ્વચ્છ પ્લાન્ટ હાંસલ કરી શકાય છે. આ માટે કંપની જામનગરમાં નોંધનીય પ્રગતિ કરી હાઈ વેલ્યુ પ્રોટિન્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, એડવાન્સ મટીરિયલ્સ અને ફયુચરમાં સીઓટુને કન્વર્ટ કરવામાં સફળતા મેળવી છે. રિલાયન્સ આ સાથે ટ્રાન્સપોર્ટેશન ઓટો ફયુલ્સને ક્લિન ઈલેકટ્રિસિટી અને હાઈડ્રોજન થકી તબદિલ કરશે.