Get The App

VIDEO: રશિયામાં 13 ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા શહેર, ચોથા માળ સુધી મકાનો ગાયબ, 2ના મોત

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: રશિયામાં 13 ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા શહેર, ચોથા માળ સુધી મકાનો ગાયબ, 2ના મોત 1 - image


Record Snowfall in Russia : રશિયાના સુદૂર પૂર્વ વિસ્તાર કમચાત્કામાં આ શિયાળો છેલ્લા 30 વર્ષોમાં સૌથી ભયાનક સાબિત થઈ રહ્યો છે. અહીં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર વિસ્તાર 13 ફૂટ (લગભગ 4 મીટર) બરફની ચાદર નીચે દટાઈ ગયો છે. ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોને કારણે તાપમાન માઈનસ 21 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.



બરફના તોફાનથી 2ના મોત, ઈમરજન્સી જાહેર

કમચાત્કામાં આવેલા આ શક્તિશાળી બરફના તોફાને અનેક શહેરોને બરફમાં દફનાવી દીધા છે. અહેવાલ મુજબ, રાજધાની પેત્રોપાવલોવસ્ક-કમચાત્કામાં છત પરથી બરફ પડવાને કારણે ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. પ્રથમ મોતના સમાચારની પુષ્ટિ થતાં જ, શહેરના મેયરે બરફ હટાવવા અને રાહત કાર્યો માટે વધારાના સંસાધનો એકત્ર કરવા માટે શહેરવ્યાપી ઈમરજન્સી જાહેર કરી દીધી છે.



વહીવટીતંત્રનો આક્રોશ: 'સમયસર છત પરથી બરફ કેમ ન હટાવ્યો?'

મેયર બેલ્યાયેવે પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીઓ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ સમયસર છત પરથી બરફ હટાવ્યો ન હતો અને તોફાન પસાર થવાની રાહ જોતા રહ્યા. તીવ્ર પવન અને સતત હિમવર્ષાને કારણે ઘણી ઈમારતોની છત પર ખતરનાક માત્રામાં બરફ જમા થઈ ગયો હતો, જે અચાનક નીચે પડવા લાગ્યો અને તેના કારણે ઘણા અકસ્માતો થયા.

ચોથા માળ સુધી દટાયા મકાનો, વાયરલ વીડિયોમાં ચોંકાવનારા દ્રશ્યો

સોશિયલ મીડિયા પર આ ભયાનક હિમવર્ષાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં બાળકો બરફના વિશાળ ઢગલા પર લપસતા જોવા મળ્યા, જ્યારે બીજા વીડિયોમાં ઈમારતો ચોથા માળ સુધી બરફમાં દટાયેલી જોવા મળી, જાણે કે આખો વિસ્તાર સફેદ સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય. ઘણા વીડિયોમાં તો ગાડીઓ સંપૂર્ણપણે ગાયબ હતી અને માત્ર બરફના ઊંચા ટેકરા જ દેખાઈ રહ્યા હતા.

વૃદ્ધોને બચાવવા બરફ કાપી રહ્યા છે બચાવકર્મીઓ

રશિયાના ઈમરજન્સી મંત્રાલયે વીડિયો જારી કરીને બતાવ્યું છે કે કેવી રીતે બચાવકર્મીઓ બરફના ઊંચા ઢગલાને કાપીને એવા વૃદ્ધ લોકો સુધી પહોંચી રહ્યા છે જેઓ પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. સતત હિમવર્ષાને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જાહેર પરિવહન અટકાવી દેવામાં આવ્યું છે અને ઘણા વિસ્તારોમાં વીજળી તથા સપ્લાય ચેઈન પર દબાણ વધી ગયું છે.

જીવન થંભી ગયું, પણ ખતરો હજુ ટળ્યો નથી

છત પરથી પડતો બરફ, લપસણા રસ્તાઓ, બંધ માર્ગો, બરફમાં દટાયેલી કારો અને સતત ઘટી રહેલા તાપમાને કમચાત્કામાં જીવનને લગભગ થંભાવી દીધું છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્યો સતત ચાલુ છે.