5 વર્ષમાં ભયાનક ગરમી પડવાની આગાહી, પગલાં નહીં લેવાય તો મોટી જાનહાનિની શક્યતા : WMO
Weather News : વર્લ્ડ મીટીયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુકે હવામાન વિભાગના નવા પાંચ વર્ષના પૂર્વાનુમાન અનુસાર વિશ્વએ અનેક વર્ષો સુધી તીવ્ર,રેકોર્ડ બ્રેકિંગ ગરમીનો સામનો કરવો પડી શકે છે જે વૈશ્વિક તાપમાન અને હવામાનને અત્યંત ખતરનાક સ્તરો સુધી પહોંચાડી શકે છે. આગામી પાંચ વર્ષમાં વાર્ષિક વૈશ્વિક તાપમાનનો રેકોર્ડ તુટી એવી 80 ટકા શક્યતા છે તેમજ એમાંથી ઓછામાં ઓછા એક વર્ષનું તાપમાન 2015 પેરિસ કરાર દ્વારા નિર્ધારીત 1.5 ડીગ્રી સેલ્સિયસને પાર કરે તેવી 86 ટકા શક્યતા છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ મર્યાદા માત્ર પ્રતીકાત્મક નથી પણ તેનાથી હીટ વેવ, તોફાન, દુષ્કાળ, પૂર અને જંગલની આગ સહિત જીવલેણ હવામાનની સ્થિતિ સર્જાઈ શકે છે. વૈશ્વિક તાપમાન અત્યારથી જ પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતા 1.4 ડીગ્રી સેલ્સિયસથી વધુ હોઈ, હવામાન વિજ્ઞાનીઓ જણાવે છે કે આવી ઘટનાઓની વધતી ફ્રીક્વન્સી અને તીવ્રતાને કારણે વધુ પ્રમાણમાં માનવ જાનહાનિ અને પર્યાવરણીય અધોગતિ સર્જાશે.
પહેલી જ વાર એવી આછી શક્યતા સર્જાઈ છે કે વૈશ્વિક તાપમાન 2030 પહેલા પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 2 ડીગ્રી સેલ્સિયસ વધુ સુધી પહોંચી શકે, જે સીમા સેકન્ડરી પેરિસ કરારમાં અસંભવ ગણાતી હતી. આ પૂર્વાનુમાનો વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા બસોથી વધુ સિમ્યુલેશનો પર આધારીત છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે ગરમી અગાઉની ધારણા કરતા વધુ ઝડપથી વધી રહી છે.
આર્કટિક જેવા વિસ્તારો ખાસ કરીને વધુ નબળા હોય છે જ્યાં તાપમાન વૈશ્વિક સરેરાશ કરતા 3.5 ગણુ ઝડપથી વધે છે. પીગળતો બરફ અને વધતા દરિયાઈ સ્તરો હવામાનની અસરને વધુ ગંભીર બનાવશે. વિજ્ઞાાનીઓએ સ્પષ્ટતા કરી કે આ ટ્રેન્ડ એસ્કેલેટરમાં સવારી કરવા જેવું છે, જેમાં એક તરફ અલ નિનો જેવી કુદરતી ઘટનાઓ અસ્થાયી ઉછાળા સર્જે છે ત્યારે તેનું તળિયું વધતું જાય છે જેના પરિણામે પ્રત્યેક રેકોર્ડ નવું ધોરણ બને છે.
નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ઉત્સર્જન ઘટાડવાના તેમજ ગરમીના જોખમો સાથે અનુકૂળ થવાના તાત્કાલિક વૈશ્વિક પ્રયાસો નહિ કરવામાં આવે તો વધુ જીવ, પર્યાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોખમમાં મુકાશે.