Get The App

હૂથી બળવાખોરોએ 10 લાખ બેરલ ઓઇલ લઇ જતાં જહાજને દારૂગોળાથી ઉડાવ્યું

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
હૂથી બળવાખોરોએ 10 લાખ બેરલ ઓઇલ લઇ જતાં જહાજને દારૂગોળાથી ઉડાવ્યું 1 - image


- રાતા સમુદ્રમાં ઓઇલ ટેન્કરને ઉડાવતો વિડિયો જારી

-  જો ઓઇલ લીક થઇ સમુદ્રમાં ભળશે તો એક મોટી પર્યાવરણીય આફત ઉભી થશે

યમન : રાતા સમુદ્રમાં ૧૦ લાખ બેરલ ઓઇલ લઇને ગ્રીક ધ્વજ સાથે પસાર થઇ રહેલાં જહાજને હૂથી બળવાખોરોએ દારૂગોળાથી ઉડાવી દીધું હતું. આ અંગેનો વિડિયો પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં હૂથી બળવાખોરો ઓઇલ ટેન્કરસોનિયન પર ચડીને વિસ્ફોટક વડે તેને ઉડાવતાં જોવા મળે છે. આ હુમલો આ મહિનાની શરૂઆતમાં કરાયો હતો. અમેરિકા પણ આ હુમલો જોઇને કાંપી ઉઠયું હતું. 

આ જહાજમાંથી મોટાપાયે ઓઇલ દરિયામાં લીક થવાની ચિંતા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્ત કરાઇ રહી છે. જો ઓઇલ લીક થઇ દરિયામાં ભળશે તો એક મોટી પર્યાવરણીય આફત ઉભી થશે. જેના કારણે આ વિસ્તારમાં આવનજાવન કરવી પણ અશક્ય બની જશે. 

હૂથી બળવાખોરોના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે સોનિયન એક એવી કંપનીનું જહાજ છે જેણે રાતા સમુદ્રમાં ઇઝરાયેલ જતાં જહાજો સામે યમની જૂથ દ્વારા જાહેર કરાયેલી નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. હૂથી બળવાખોરો સતત ઇઝરાયેલી જહાજો સામે હુમલાઓ કરી રહ્યા છે. તેઓ ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી લડાઇને ખતમ કરવા દબાણ કરવા માટે આ હુમલાઓ કરવામાં આવે છે. 

હૂથીઓ દ્વારા થતાં હુમલાંઓને અટકાવવા જાન્યુઆરીમાં યુકેએ લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. એ પછી હુથી બળવાખોરોએ યુકેના જહાજો પર પણ હુમલા કરવા માંડયા હતા. જારી કરવામાં આવેલો વિડિયો ક્યારે શૂટ થયો છે તે સ્પષ્ટ નથી. સોનિયન જહાજ પર સૌથી પહેલાં ૨૨ ઓગસ્ટે હુમલો કરવામાં આવ્યો હતો. એ જ દિવસે તેના ખલાસીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. રાતા સમુદ્રમાં યુરોપિયન યુનિયનના મિશને જણાવ્યું હતું કે જહાજના મુખ્ય ડેક પર ઘણી જગ્યાએ આગ લાગી હતી પણ જહાજ હજી ત્યાં જ લંગર નાંખીને પડયુ હોઇ તેના પરથી કહી શકાય કે તેમાંથી ઓઇલ લીક થયું નથી. 

Tags :