ન્યૂયોર્ક શહેરની ગલીઓમાં, સબ-વેમાં, ફૂટપાથ, રસ્તા પર ઉંદરોનો ઉપદ્રવ
- ઉંદર નર-માદા જીવનકાળમાં 80થી વધુ બચ્ચાં પેદા કરે છે
- ઉંદરોની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકો પોતાનાં બાળકોને ફૂટપાથ પર ચાલવા નથી દેતા : નગર નિગમે તે સામે ઝુંબેશ ઉઠાવી
ન્યૂયોર્ક: વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર ન્યૂયોર્ક આજ-કાલ ઉંદરોથી ત્રાસી ગયું છે. શહેરની ગલીઓમાં, સબ-વેમાં, ફૂટપાથ પર સડકના કિનારે જુવો ત્યાં ઉંદર જોવા મળે છે. ઉંદરો એટલા વધી ગયા છે કે, લોકો પોતાના બાળકોને ફૂટપાથ પર ચાલવા દેતા નથી. નગર-નિગમે હવે ઉંદરો વિરૂદ્ધ ઝુંબેશ ઉઠાવી છે. તે ઉંદરો જ્યાં ભરાયા હોય ત્યાં શ્વાસ રૃંધાય તેવો ગેસ છોડે છે તે હાઈટેક-મેપિંગ-ટૂલ દ્વારા ઉંદરો ક્યાં છુપાયા છે તે શોધે છે. અને તેમને શોધી શોધી ખતમ કરવાના માર્ગો અપનાવે છે.
નગર-નિગમે લોકોને કચરો બહાર ફેંકવા ના પાડતાં કહ્યું છે કે તેમાં પણ ખાવાપીવાની ચીજો હોય છે. જેની ઉપર ઉંદર જીવે છે. ન્યૂયોર્ક સીટીના આરોગ્ય વિભાગનાં અધિકારી કેરોલિન બેગડને જણાવ્યું હતું કે કચરો બહાર ન ફેંકવાથી ઉંદરોને ખાવા-પીવાનું નહીં મળે. તેથી તેમને ખોરાક માટે પણ દૂર જવું પડશે. પૂરતું પોષણ ન મળવાથી તેમની પ્રજનન શક્તિ પણ ઘટી રહેશે. તેથી ઉંદરોની વસ્તી ઘટતી જવા સંભવ છે. આ ૮૫ લાખની વસ્તીવાળા શહેરમાં ખાધ પદાર્થોનો કચરો પણ ઘણો હોય છે. માટે ખાધ પદાર્થોનો કચરો તમારે ડ્રેઈનમાં જ નાંખી દેવો.
એક ઉંદરને રોજનું ઓછામાં ઓછું ૨૮ ગ્રામ ખાદ્ય જોઈએ છે જે તેને મળવું ન જોઈએ તો જ તેમની વસ્તી ઘટે. ઉંદર જોડી (નર-માદા) તેમના જીવનકાળમાં ૮૦થી વધુ બચ્ચાં પેદા કરી શકે છે. માદા ઘણીવાર બાર બાર બચ્ચાંને જન્મ આપે છે. ઓછામાં ઓછાં ૫-૭ બચ્ચાં તો એક પ્રજનન વખતે આપે છે.
આ સંયોગોમાં ન્યૂયોર્કમાં 'ઓપરેશન-કંટ્રોલ' હાથ ધરવામાં આવ્યું છે. તે માટે ૭૦ ઈન્સ્પેક્ટર્સ કાર્યરત કરાયા છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગે નિયુક્ત કરેલા આ ઈન્સ્પેક્ટર્સ મોબાઈલ એપનો ઉપયોગ કરી ઉંદરોની ગતિવિધિ ઉપર નજર રાખે છે. સાથે ઉંદરો ઘટાડવા માટેની દવાઓનાં છંટકાવ પણ કરતા રહે છે તેમજ ખાવા માટે લલચાઈ જે ખોરાક તે ખાય તેને પણ ઉંદરનાશક દવાનો છંટકાવ કરાય છે. આમ અનેક રીતે ઉંદરોની સંખ્યા ઘટાડવા પ્રયત્નો થાય છે.