અસીમ મુનીરનું કદ વધારવું તે પાકિસ્તાનનાં પતનનું પ્રતીક છે : સિંધી નેતા શફી બુરફતનો જબ્બર હુમલો

- અસીમ મુનીરે કહ્યું હતું : 'સંકટ સમયે અલ્લાહે મદદ કરી હતી' : બુરફતે કહ્યું 'અલ્લાહ નહીં ચીની સૈન્યની ટેકનિક અને અમેરિકી ડોલરે મદદ કરી હતી'
કરાચી/ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સર્વેસર્વા બની ગયેલા અને વાસ્તવમાં પોતાની મેળે જ ફીલ્ડ માર્શલ બની ગયેલા જનરલ અસીમ મુનીર આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર ટીકામાં ઘેરાયેલા છે. તેવામાં જુથો-સિંધ મુત્તહિદા મહાજ (જેએસએમએમ)ના ચેરમેન અને પ્રમુખ સિંધી નેતા શફી બુર્ફતે મુનીરની સેલ્ફ ડીકલેર્ડ માર્શલ (પોતાની મેળે જાહેર કરાયેલ માર્લ) તરીકે ટીકા કરતાં કહ્યું હતું કે, તેઓનું પ્રમોશન સૈન્યની બહાદુરીનું નહીં પરંતુ પાકિસ્તાનના સંસ્થાઓના પતનનું પ્રતીક છે.
આ સાથે બુરફતે કહ્યું કે, મુનીર હજી સુધીમાં કોઈ આંતરરાષ્ટ્રીય યુદ્ધ નથી લડયા કે દેશમાં પણ કોઇ જંગ જીત્યા ન હતા. તેમ છતાં તેઓ સૌથી ઊંચા પદ પર બેસી ગયા છે.
બુરફતે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઠ ઉપર લખ્યું : જ્યારે કોઈ પોતાની યોગ્યતા વિના દબાણ કે જબરજસ્તીથી પદ અને ઉપાધીઓ મેળવે છે તો તે તેની માનસિક અસલામતી દર્શાવે છે. મોટા પદ અને ધાર્મિક પ્રતીકો પ્રત્યેનો લગાવ તે દર્શાવે છે કે તેમનો આત્મવિશ્વાસ નિર્બળ છે. અને તે માત્ર સત્તા દ્વારા જ પોતાનું મહત્વ સાબિત કરવા માગે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે તેવા લોકો દેશ રચી શકતા નથી, પરંતુ સંસ્થાઓ તબાહ કરે છે.
ટૂ નેશન થિયરી પર મુનીરને ઘેર્યા : મુનીરે કહ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમ પોત-પોતાની અલગ ધાર્મિક માન્યતાઓને લીધે બે અલગ રાષ્ટ્ર છે.
મુનીરના આ નિવેદન પર પણ બુરફતે કહ્યું કે : મુનીરને રાજકીય વિજ્ઞાાનની ખબર નથી. રાષ્ટ્ર માત્ર ધર્મ ઉપર જ રચાતું નથી પરંતુ તેનો આધાર ઇતિહાસ, ભૂમિ, સામુહિક યાદો, આર્થિક હિત, તથા રાજકીય ભવિષ્ય પર રહેલો છે. મુનીરનાં આ નિવેદને દુનિયા સમક્ષ પાકિસ્તાનના સૈન્યના નેતાની બૌદ્ધિક-શૂન્યતા દર્શાવી આપે છે.
અસીમ મુનીરે કહ્યું હતું કે, સંકટ સમયે તેઓને અલ્લાહે મદદ કરી હતી. તે ઉપર હુમલો કરતાં બુરફતે કહ્યું કે, હકીકતમાં પાકિસ્તાનને ચીનની સેનાકીય માહિતી તેની જાસૂસી માહિતી, ચીની ડ્રોનની ક્ષમતા અને અમેરિકાથી આવનારા ડોલરે મદદ કરી હતી. તે મદદને દૈવી-હસ્તક્ષેપ કહેવો તે જૂઠ છે, આજના યુગમાં જનતાની બુદ્ધિનું અપમાન છે.








