ચીનમાં વરસાદે 140 વર્ષનો રેકોર્ડ તોડ્યો, કાર રમકડાની જેમ તણાઈ ગઈ
Image Source: Twitter
- બૈજિંગમાં રેકોર્ડબ્રેક અનરાધાર વરસાદમાં 11 લોકોના મોત
બિજિંગ, તા. 02 ઓગષ્ટ 2023, બુધવાર
ચીનમાં ભારે વરસાદને કારણે 140 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે આ નવો રેકોર્ડ બન્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. રોડ પરની ગાડીઓ વરસાદના પાણીમાં રમકડાંની જેમ વહી રહી છે. એક અંદાજ મુજબ ચીનમાં ભારે વરસાદને કારણે લગભગ 10 લાખ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોનો સહારો લીધો છે. બિજિંગ હવામાન સેવા અનુસાર, ચાંગપિંગમાં વાંગજીયુઆને ડોક્સુરી ચક્રવાત દરમિયાન સૌથી વધુ 744.8 મીમી વરસાદ નોંધાયો જેના કારણે અહીં 140 વર્ષમાં સૌથી ભારે વરસાદ થયો છે.
ઉત્તર તરફ આગળ વધતા પહેલા ફિલિપાઈન્સ સાથે ટકરાયા બાદ ગયા અઠવાડિયે ટાયફૂન ડોક્સુરી ચીનના દક્ષિણી ફુજિયાન પ્રાંતમાં પહોંચ્યુ હતું. વાવાઝોડાની અસરને કારણે શનિવારે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. બિજિંગમાં જુલાઈ મહિનાના સરેરાશ વરસાદ કરતાં માત્ર 40 કલાક વધુ વરસાદ પડ્યો છે. બિજિંગમાં રેકોર્ડબ્રેક અનરાધાર વરસાદમાં 11 લોકોના મોત થઈ ગયા છે.
આ કુદરતી આફતમાં હજુ પણ 13 લોકો ગુમ છે. અન્ય 14 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. અહેવાલો પ્રમાણે રાજધાનીની બાજુમાં આવેલા હેબેઈ પ્રાંતમાંથી 8,00,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નવ લોકોના મોત થઈ ગયા છે અને છ લોકો ગુમ થયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે ભારે વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મહત્તમ પ્રયાસો કરવાનું આહવાન કર્યું હતું.
બિજિંગ હવામાનશાસ્ત્ર બ્યુરોએ બુધવારે જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લી વખત આટલા ગંભીર પૂર 1891માં આવ્યું હતું જ્યારે શહેરમાં 609 મિલીમીટર (24 ઇંચ) વરસાદ પડ્યો હતો.