Get The App

બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ બેફામ 12 કલાકમાં બે હિન્દુને રહેંસી નખાયા

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ બેફામ 12 કલાકમાં બે હિન્દુને રહેંસી નખાયા 1 - image

- બાંગ્લાદેશમાં ભારતીયોની વર્ક પરમિટ રદ કરવાની કટ્ટરવાદી સંગઠનની માગ

- હિન્દુઓની હત્યા સામાન્ય બાબત, અમારા દેશમાં તો મુસ્લિમો પણ સુરક્ષિત નથી : બીએનપીના નેતા મિર્ઝા

ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ૪૦ વર્ષના એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. મોની ચક્રવર્તી નામના હિન્દુ નરસિંગદી શહેરમાં એક કરિયાણાની દુકાન ચલાવતા હતા, રાત્રે ચરસિંધુર બાઝાર વિસ્તારમાં દુકાન બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તાજેતરના સમયમાં આ ત્રીજા હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે ૧૨ કલાકમાં બે હિન્દુઓની હત્યા થઇ ચુકી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઇ ધારદાર હથિયાર દ્વારા આ હિન્દુ વેપારીની હત્યા કરવામાં આવી છે. ઘટનાના ૨૪ કલાક બાદ પણ પોલીસ હત્યારાઓને નથી પકડી શકી. આ પહેલા સોમવારે ૨૮ વર્ષીય હિન્દુ રાણા પ્રતાપ બૈરંગીની હત્યા કરી દેવાઇ હતી. હિન્દુઓની હત્યા પાછળ બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ જવાબદાર માનવામાં આવી રહ્યા છે જેમને સરકાર દ્વારા આ અત્યાચારો માટે ખુલ્લી છૂટ અપાઇ રહી છે. ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા થઇ રહી છે જેની પાછળ બાંગ્લાદેશના રાજનેતાઓ પણ જવાબદાર માનવામાં આવે છે. 

હિન્દુઓની હત્યાને જાણે પ્રોત્સાહન આપતા હોય તેમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના મિર્ઝા ફખરુલ ઇસ્લામે કહ્યું હતું કે હિન્દુઓની હત્યા મામૂલી અને નાની ઘટનાઓ છે. હિન્દુઓની હત્યાઓની વાતો મીડિયા દ્વારા ફેલાવાઇ રહી છે. મીડિયા સાથે વાતચીતમાં મિર્ઝાએ કહ્યું હતું કે આ માત્ર નાની મોટી ઘટનાઓ છેે. હિંસાની ઘટના કોઇ એક ધર્મના લોકો પુરતી સીમિત નથી, મોહમ્મદ યૂનુસની સરકારમાં મુસ્લિમો પણ સુરક્ષિત નથી. મુસ્લિમોની પણ હત્યા કરવામાં આવી રહી છે. 

છેલ્લા ૧૮ દિવસમાં છઠ્ઠા હિન્દુની હત્યા કરી દેવામાં આવી છે જોકે નેતાઓને આ હત્યાકાંડ મામૂલી લાગી રહ્યો છે. જેને કારણે કટ્ટરવાદીઓને એક રીતે હિન્દુઓ વિરુદ્ધ હિંસા કે અત્યાચારની ખુલ્લી છૂટ મળી ગઇ છે. બીજી તરફ કટ્ટરવાદી શરીફ ઓસમાન હાદીની હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યાકાંડમાં પોલીસે ૧૭ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરી છે જેમાંથી ૧૨ની ધરપકડ થઇ ચુકી છે. સાથે જ દાવો કર્યો છે કે રાજકીય કાવતરાના ભાગરુપે હાદીની હત્યા કરાઇ હતી. હવે હાદીના સંગઠન ઇન્કલાબ મોર્ચાએ ઢાકામાં મોટી રેલી કાઢી હતી, જેમાં માગ કરાઇ છે કે બાંગ્લાદેશમાં કોઇ પણ ભારતીયને વર્ક પરમિટ આપવામાં ના આવે અને જેમને અપાઇ છે તેને રદ કરી દેવામાં આવે.