World

અમેરિકા માટે કટ્ટર ઈસ્લામ, શરિયા કાયદો સૌથી મોટો ખતરો : સેનેટર ટબરવિલ

By GS TEAM
2 Nov 20253 mins read
અમેરિકા માટે કટ્ટર ઈસ્લામ, શરિયા કાયદો સૌથી મોટો ખતરો : સેનેટર ટબરવિલ

- અમેરિકામાં શરિયા કાયદા પર પ્રતિબંધ માટે સેનેટમાં બે બિલ રજૂ કરાયા

- કટ્ટર ઈસ્લામ અને શરિયા કાયદો પશ્ચિમી સંસ્કૃતિ-મૂલ્યોને સુસંગત નથી, શરિયામાં માનનારાને હાંકી કાઢવા માગણી

- ડિયરબોર્નમાં એક રસ્તાનું નામ મુસ્લિમ આતંકીના નામે રાખવાનો વિરોધ કરનારા ખ્રિસ્તી પાદરીને મેયરે કાઢી મૂક્યા : ટબરવિલેનો દાવો

વોશિંગ્ટન: અલાબામાના રિપબ્લિકન સેનેટર ટોમી ટબરવિલે કટ્ટરવાદી ઈસ્લામ અને શરિયા કાયદાને અમેરિકા માટે અત્યારે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યા છે. આ જોખમને દૂર કરવા તેમણે સંસદમાં બે નવા બિલ 'નો શરિયા એક્ટ' અને  'પ્રિઝર્વિંગ અ શરિયા ફ્રી અમેરિકા એક્ટ' રજૂ કર્યા છે. આ બિલ મુજબ શરિયા કાયદામાં વિશ્વાસ ધરાવનારા લોકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધની માગ કરાઈ છે. તેમણે કહ્યું કે કટ્ટર ઈસ્લામ અને શરિયા કાયદો પશ્ચિમી સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સુસંગત નથી. રિપબ્લિકન સેનેટરે અમેરિકામાં વધતા ઈસ્લામિક કટ્ટરવાદ અને શરિયા કાયદાના પ્રસાર સામે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, તેમણે રજૂ કરેલા બે બિલો અમેરિકાના બંધારણને સુરક્ષિત રાખવા માટે છે. 'નો શરિયા એક્ટ' મુજબ, શરિયા કાયદો અમેરિકન બંધારણથી વિરુદ્ધ હોય તો એને માન્યતા ના મળવી જોઈએ. 'પ્રિઝવગ અ શરિયા ફ્રી અમેરિકા એક્ટ'માં જે વિદેશી લોકો શરિયા કાયદાનું સમર્થન કરે છે, તેમને દેશમાં પ્રવેશ ન આપવાનો પ્રસ્તાવ છે.

તેમણે અમેરિકામાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતા મિશિગનના ડિયરબોર્નમાં બનેલી એક ઘટના તરફ સંસદનું ધ્યાન દોર્યું હતું. આપણા ૫૦ રાજ્યોમાં ડિયરબોર્ન અમેરિકાનું પહેલું આરબ બહુમતી ધરાવતું શહેર છે. તેમણે દાવો કર્યો કે, મિશિગન અને મિનેસોટામાં પહેલાથી જ મુસ્લિમ બહુમતી ધરાવતા શહેરો શરિયા કાયદા દ્વારા કબજે કરવામાં આવી રહ્યા છે. 

તેમણે દાવો કર્યો કે કેટલાક સ્થાનિક મુસ્લિમ નેતાઓ કટ્ટરવાદી ઈસ્લામની વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ ઝેરી વિચારધારા ઝડપથી અમેરિકામાં ફેલાઈ રહી છે. ડિયરબોર્નમાં એક ખ્રિસ્તી પાદરીએ એક રસ્તાનું નામ મુસ્લિમ આતંકવાદીના નામ રાખવાનો વિરોધ કર્યો તો શહેરના મુસ્લિમ મેયર અબ્દુલ્લા હમૌદે તેમને બહાર કાઢી મૂક્યા. તમે વિચારો કે અમેરિકામાં એક ખ્રિસ્તી પાદરીને ચૂપ કરી દેવામાં આવ્યા. આ અમેરિકા છે અને અહીં જ ખ્રિસ્તી પાદરીનો અવાજ દબાવવામાં આવે છે. આ અમેરિકા માટે ચિંતાજનક બાબત છે.

ટબરવિલે જણાવ્યું કે, કટ્ટરવાદી ઈસ્લામ આપણાં પશ્ચિમી મૂલ્યો સાથે મૂળભૂત રીતે અસંગત છે. મુસ્લિમો સદીઓથી ખ્રિસ્તીઓ અને યહૂદીઓને નાબૂદ કરવા માટે લડી રહ્યા છે. આ સમસ્યા હવે મધ્ય-પૂર્વ સુધી મર્યાદિત રહી નથી. તે આપણા ઘર સુધી પહોંચી ગઈ છે. કુરાનમાં ખ્રિસ્તી અને યહૂદીઓ સામે લડવા કહેવામાં આવ્યું છે. આવી વિચારધારા સાથે શાંતિપૂર્વક સહઅસ્તિત્વ શક્ય નથી.

આ કોઈ રિપબ્લિકન કે ડેમોક્રેટનો મુદ્દો નથી. આ અમેરિકાનો મુદ્દો છે. જો આપણે હવે નહીં જાગીએ, તો યુરોપ જેવી પરિસ્થિતિ અહીં પણ સર્જાશે. શરિયા કાયદાને હંમેશા માટે બંધ કરવો જરૂરી છે, એમ ટોની ટબરવિલે જણાવ્યું હતું.

- શરિયા કાયદામાં મહિલાઓને શિક્ષણ, રોજગાર કે સ્વતંત્રતા નથી

- છ વર્ષની છોકરીઓના વૃદ્ધ પુરુષો સાથે લગ્ન કરાવાય છે, જે સગીરાઓનું શોષણ

રિપબ્લિકન સેનેટર ટોની ટબરવિલે કહ્યું કે, શરિયા કાયદા હેઠળ મહિલાઓને શિક્ષણ, રોજગાર કે સ્વતંત્રતા મળતી નથી. છ વર્ષની છોકરીઓ સાથે વૃદ્ધ પુરુષોના લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્ન નહીં, સગીરાઓનું શોષણ છે. ઈરાન, સાઉદી અરેબિયા અને યમન જેવા દેશોમાં સમલૈંગિક લોકો માટે મોતની સજા આપવામાં આવે છે. આને શાંતિપ્રિય ધર્મ કહેવું ખોટું છે. બાઈડેન સરકારે અમેરિકાની સરહદો ખોલી નાંખતા હજારો આતંકવાદી અને સમર્થકો દેશમાં ઘુસી ગયા છે.