ક્વોડ્રોબિક્સ: ફિટનેસની નવી ક્રાંતિ પ્રકૃતિપ્રેમીઆમાં લોકપ્રિય બની
- ચાર પગે દોડતા મનુષ્યોના વીડિયોએ સનસનાટી મચાવી
- કોઈપણ આધુનિક સાધનોની મદદ વિના આ વ્યાયામ શરીરના અવયવો અને સ્નાયુને મજબૂત બનાવે છે
- પશુઓ જેવી હલનચલન સિક્સ પેક્સ એબ્સ હાંસલ કરવા તેમજ વજન ઘટાડવામાં લાભકારક જણાઈ છે
નવી દિલ્હી : આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને લોકો 'ક્વાડ્રોબિક્સ' કહે છે. આમાં, સ્ત્રીઓ અને પુરુષો ચાર પગે દોડતા, કૂદતા અને ઝાડ પર ચઢતા પોતાના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. તે જંગલી પ્રાણીનું અનુકરણ જેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તે ફિટનેસ મૂવમેન્ટ છે, જેને પ્રાથમિક કસરતનું એક સ્વરૂપ માનવામાં આવે છે. પગ અથવા શરીરના ચોક્કસ ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરતી પરંપરાગત કસરતોથી વિપરીત ક્વાડ્રોબિક્સ એક સર્વાંગી કસરત છે, જે સમગ્ર શરીરમાં શક્તિ, સ્થિરતા અને ગતિશીલતાને પ્રોત્સાહન આપે છે.
ક્વાડ્રોબિક્સ ૨૦૨૧માં બેલ્જિયન દસ્તાવેજી ફિલ્મ નિર્માતા એલેક્સિયા ક્રાફ્ટ ડે લા સોલક્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેણે પ્રકૃતિમાં રહેતા તેના પિતરાઈ ભાઈ સાથે આનો અભ્યાસ કર્યો અને બાદમાં ટાર્ઝન મૂવમેન્ટના સ્થાપક વિક્ટર મેન્યુઅલ ફ્લીટ્સ એસ્કોબાર સાથે જોડાઈ. તાલીમ દરમ્યાન તે કલાકો સુધી ખુલ્લા પગે દોડવાનું, ઝાડ પર ચઢવાનું અને ડાળીઓ પર ઝૂલવાનું શીખી. આમ તો તે બાળકોના રમત જેવું લાગતું હતું, પરંતુ વાસ્તવમાં તે એક કસરત સાબિત થઈ જેણે તેના સ્નાયુઓ, ખાસ કરીને હાથ, ખભા અને પેટને ખૂબ જ મજબૂત બનાવ્યા.
એલેક્સિયા કહે છે કે પહેલા છ મહિના સુધી, દરરોજ દુખાવો અને થાક લાગતો હતો, પરંતુ ધીમે ધીમે તેેને પોતાના શરીરમાં અદ્ભુત ફેરફારો જણાયા. પર્સનલ ટ્રેનર્સના મતે, આ કસરત ખાસ કરીને સિક્સ-પેક એબ્સ બનાવવામાં અસરકારક છે, જો તેને યોગ્ય પોષણ સાથે જોડવામાં આવે.
આ ટ્રેન્ડ યુવા પેઢીમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે. જર્મનીની ૨૦ વર્ષીય ટિકટોકર સોલીલએ ક્વાડ્રોબિક્સ અપનાવ્યા પછી વજન ઘટાડવા અને શરીરનો આકાર બદલવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેના જણાવ્યા મુજબ આ કસરત મુશ્કેલ હોવાથી પાંચ મિનિટ પણ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમ છતાં, તેણે આ કસરતને પોતાના પ્રવાસો અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ સાથે જોડીને તેના વીડિયોમાં એક અલગ ઓળખ બનાવી છે.
આજે ક્વાડ્રોબિક્સ માત્ર એક ફિટનેસ ટેકનિક જ નહીં, પરંતુ જીવનશૈલી અને પ્રકૃતિ સાથે જોડાણનું એક નવું માધ્યમ બની ગયું છે. લોકો તેને અપનાવીને તેમની અંદર છુપાયેલી ઊર્જા અને શક્તિ અનુભવી રહ્યા છે.