Get The App

કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 ઈજાગ્રસ્ત, 18 લોકોની હજુ કોઈ ભાળ ન મળી

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
Qatar gas plant explosion

Qatar gas plant explosion: કતારના પ્રખ્યાત રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં આશરે 54 કર્મચારીઓ ઘાયલ થયા છે, જ્યારે અન્ય 18 કર્મચારીઓ હજી પણ ગુમ છે. આ અકસ્માતને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટો આંચકો લાગવાની આશંકા સેવાઈ રહી છે.

ટર્મિનલ ફરી શરૂ કરતી વખતે સર્જાયો અકસ્માત

વાસ્તવમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે કર્મચારીઓ ગેસ ટર્મિનલ ફરીથી શરૂ કરી રહ્યા હતા. ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવાને કારણે કતાર બહારના દેશોને ગેસ મોકલી શકતું ન હતું, જેથી કતારે ગેસનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. જો કે, યુદ્ધનો કાયમી અંત લાવવા માટે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પોતાનો પ્રતિબંધ હળવો કર્યો હતો. આ તકનો લાભ લઈને કતારે પોતાનું નિકાસ ટર્મિનલ ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે આ ભયાનક બ્લાસ્ટ થઈ ગયો.

વૈશ્વિક ઊર્જા બજાર પર થશે મોટી અસર

દુનિયાના અગ્રણી કુદરતી ગેસ ઉત્પાદક દેશોમાં કતારનું નામ ટોચ પર છે. કતારના આ મુખ્ય નિકાસ કેન્દ્રમાં થયેલા અકસ્માતના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી શકે છે. સરકારી કંપની 'કતાર એનર્જી'એ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે પ્લાન્ટ શરૂ કરતી વખતે થયેલા વિસ્ફોટ અને આગના કારણે 54 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 18 લોકો હજી પણ લાપતા છે.

આ પણ વાંચો: ટ્રમ્પ સાથેના સંબંધો પર નેતન્યાહુની સ્પષ્ટતા: 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી અને હું તેમની દરેક વાત સ્વીકારું તે જરૂરી નથી'

નુકસાનનો આંકડો વધવાની આશંકા

વિસ્ફોટના કારણે પ્લાન્ટને કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે, તેનો સચોટ આંકડો હજી સામે આવ્યો નથી. શરૂઆતમાં કતારના અધિકારીઓએ આ અકસ્માતમાં માત્ર થોડા જ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી, પરંતુ ઘટનાના થોડા કલાકો બાદ કતારના ગૃહ મંત્રાલયે ઈજાગ્રસ્તો અને ગુમ થયેલા લોકોની વાસ્તવિક સંખ્યા જાહેર કરી હતી, જે અગાઉના આંકડા કરતાં ઘણી વધારે છે. અત્યારે ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ ચાલી રહી છે.