World

ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે, જ્યારે વિસ્ફોટ થતા હતા ત્યારે...' કતાર ઈઝરાયલના હુમલાથી લાલઘૂમ

By GS TEAM
10 Sep 20254 mins read
TukuTouch Logo
મિડલ-ઈસ્ટમાં તણાવની આગ ફરી એકવાર ભડકી ઉઠવાની કગાર પર છે. મંગળવારે ઈઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતૃત્વને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલા સાથે જ હમાસ વિરુદ્ધ ઈઝરાયલનું અભિયાન વધુ વ્યાપક બની ગયું છે. વિસ્ફોટ બાદ કતારની રાજધાની દોહાના આકાશમાં કાળા ધુમાડા છવાઈ ગયા. કતારે બદલો લેવાની વાત કરી છે. આ વચ્ચે અમેરિકન પ્રમુખ એક નિવેદન ખૂબ વાઇરલ થઈ રહ્યું છે જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે તેમણે ઈઝરાયલી હુમલા પહેલા કતારને જાણ કરી દીધી હતી. હવે ખુદ કતારે આ પ્રકારના દાવાને સીધા નકારી કાઢ્યા છે, જેનાથી ટ્રમ્પ જુઠ્ઠા સાબિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે, જ્યારે વિસ્ફોટ થતા હતા ત્યારે...' કતાર ઈઝરાયલના હુમલાથી લાલઘૂમ

Israel Attack On Qatar: મિડલ-ઈસ્ટમાં તણાવની આગ ફરી એકવાર ભડકી ઉઠવાની કગાર પર છે. મંગળવારે ઈઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતૃત્વને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલા સાથે જ હમાસ વિરુદ્ધ ઈઝરાયલનું અભિયાન વધુ વ્યાપક બની ગયું છે. વિસ્ફોટ બાદ કતારની રાજધાની દોહાના આકાશમાં કાળા ધુમાડા છવાઈ ગયા. કતારે બદલો લેવાની વાત કરી છે. આ વચ્ચે અમેરિકન પ્રમુખ એક નિવેદન ખૂબ વાઇરલ થઈ રહ્યું છે જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે તેમણે ઈઝરાયલી હુમલા પહેલા કતારને જાણ કરી દીધી હતી. હવે ખુદ કતારે આ પ્રકારના દાવાને સીધા નકારી કાઢ્યા છે, જેનાથી ટ્રમ્પ જુઠ્ઠા સાબિત થયા છે. 

શું છે સમગ્ર મામલો?

ઉર્જાથી સમૃદ્ધ કતાર અમેરિકાનો સહયોગી છે અને હજારો અમેરિકન સૈનિકોની યજમાની કરે છે. બીજી તરફ ઈઝરાયલ પણ અમેરિકાનો મહત્ત્વપૂર્ણ સહયોગી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કતાર પર ઈઝરાયલી હુમલો અમેરિકાના ઈશારા પર થયો છે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક આ અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં કહ્યું કે, મેં આ હુમલાઓનો આદેશ નહોતો આપ્યો. ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે, અમારા રાજદૂતે કતારને ફોન પર ઈઝરાયલી હુમલાઓ વિશે ચેતવણી આપી હતી. જોકે, મામલો અહીં જ ફસાઈ ગયો. 

વાસ્તવમાં આ હુમલા બાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના નિવેદન અને કતાર સરકારની પ્રતિક્રિયાએ બંને દેશો વચ્ચે તણાવ વધારી દીધો છે. લેવિટે દાવો કર્યો કે, અમેરિકન વહીવટીતંત્રએ કતાર સરકારને ઈઝરાયલના 'નિકટવર્તી હુમલા' વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી, પરંતુ કતારે આ દાવાને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.

હુમલાની કોઈ પૂર્વ જાણકારી નહોતી: કતારનો દાવો

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીના સલાહકાર માજેદ અલ-અંસારીએ જણાવ્યું કે અમેરિકાનો દાવો ખોટો છે. તેમણે X પર પોસ્ટ કરતાં કહ્યું કે, કતારને હુમલાની અગાઉથી જાણ કરવામાં આવી હોવાનો દાવો પાયાવિહોણો છે. જ્યારે દોહામાં ઈઝરાયલી હુમલાના વિસ્ફોટોના અવાજો શરુ થઈ ગયા હતા ત્યારે અમેરિકન અધિકારીનો ફોન આવ્યો હતો.

ટ્રમ્પે પણ કર્યો હતો દાવો

આ અગાઉ ટ્રમ્પે પણ કતારને જાણ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે પોતાના ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'આજે સવારે અમેરિકન સેનાએ ટ્રમ્પ વહીવટીતંત્રને જાણ કરી કે ઈઝરાયલ હમાસ પર હુમલો કરી રહ્યું છે, જે કમનસીબે કતારની રાજધાની દોહાના એક ભાગમાં સ્થિત છે. આ મારો નહીં પરંતુ વડાપ્રધાન નેતન્યાહૂનો નિર્ણય હતો. કતાર એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને અમેરિકાનો ઘનિષ્ઠ સહયોગી છે અને શાંતિ સ્થાપિત કરવા માટે અમારી સાથે સખત અને બહાદુરીથી જોખમો ઉઠાવી રહ્યું છે. તેમના પર એકપક્ષીય બોમ્બમારો કરવો ઈઝરાયલ કે અમેરિકાના ધ્યેયોને પૂર્ણ નથી કરતો. જો કે, ગાઝામાં રહેતા લોકોની દુર્દશામાંથી લાભ મેળવી રહેલા હમાસનો સફાયો કરવો એ એક સાર્થક ધ્યેય છે. મેં તાત્કાલિક ખાસ દૂત સ્ટીવ વિટકોફને કતારને આગામી હુમલાની જાણ કરવા કહ્યું, જોકે, કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હું કતારને અમેરિકાનો મજબૂત સાથી અને મિત્ર માનું છું, અને હુમલાના સ્થાનને લઈને ખૂબ જ દુઃખી છું. હું ઇચ્છું છું કે બધા બંધકો અને મૃતકોના મૃતદેહોને મુક્ત કરવામાં આવે અને આ યુદ્ધ હમણાં જ સમાપ્ત થાય! મેં હુમલા પછી વડાપ્રધાન નેતન્યાહૂ સાથે પણ વાત કરી. વડાપ્રધાને મને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છીએ. હું માનું છું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના આ શાંતિ માટે એક અવસર સાબિત થઈ શકે છે. મેં કતારના અમીર અને વડાપ્રધાન સાથે પણ વાત કરી અને આપણા દેશ પ્રત્યેના તેમના સમર્થન અને મિત્રતા બદલ તેમનો આભાર માન્યો. મેં તેમને ખાતરી આપી કે, આવી ઘટના તેમની ધરતી પર ફરી નહીં બને. મેં રાજ્ય સચિવ માર્કો રુબિયોને કતાર સાથે સંરક્ષણ સહયોગ કરારને અંતિમ સ્વરૂપ આપવા નિર્દેશ આપ્યો છે. આ મામલે ધ્યાન આપવા બદલ આભાર!'

ઈઝરાયલનો હુમલો અને હમાસનું નુકસાન

એક અહેવાલ પ્રમાણે ઈઝરાયલે દોહાના એક રહેણાંક વિસ્તારમાં હમાસના ટોપના નેતાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. હમાસે દાવો કર્યો હતો કે આ હુમલામાં તેના પાંચ સભ્યો માર્યા ગયા હતા, પરંતુ ઈઝરાયલ તેમના વાટાઘાટ પ્રતિનિધિમંડળને નિશાન બનાવવામાં નિષ્ફળ રહ્યું. ઈઝરાયલી અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ કાર્યવાહીમાં 10થી વધુ ફાઇટર જેટ સામેલ હતા, જેમાં રડારથી બચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ અમેરિકા નિર્મિત F-35I સ્ટીલ્થ એરક્રાફ્ટ પણ સામેલ હતા. 

આ પણ વાંચો: ઇઝરાયેલની દોહામાં પહેલી વખત હમાસની ટોચની નેતાગીરી પર એર સ્ટ્રાઇક

કતાર ઈઝરાયલના હુમલાથી લાલઘૂમ 

કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીએ આ હુમલાને 'દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદ' ગણાવ્યો હતો. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કે, 'આ હુમલો, આપણે તેને માત્ર રાજ્ય પ્રાયોજિત આતંકવાદ તરીકે જ વર્ણવી શકીએ છીએ. આ સમગ્ર પ્રદેશ માટે એક સંદેશ છે કે આ પ્રદેશમાં એક દુષ્ટ ખેલાડી છે.' તેમણે એવો પણ દાવો કર્યો કે, 'હુમલાના માત્ર 10 મિનિટ પછી જ અમેરિકાએ કતારનો સંપર્ક કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ઈઝરાયલે રડારથી બચવા માટે હથિયારોનો ઉપયોગ કર્યો.'