- ગત સપ્તાહે રશિયા, અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓની અબુધાબીમાં થયેલી ત્રિપક્ષીય મંત્રણા પછી નવો વળાંક
મોસ્કો : ક્રેમ્બીનના પ્રવકતા દીમીત્રી પેસ્કોવે ગુરૂવારે સાંજે જણાવ્યું હતું કે, આશરે છેલ્લાં ૪ વર્ષથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પ્રમુખ પુતિને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને મોસ્કો આવવા આમંત્રણ આપ્યું છે, સાથે તેઓની પૂરેપૂરી સલામતીની પણ ખાતરી આપી છે.
રશિયા તરફથી આ આમંત્રણ અબુધાબીમાં ગત સપ્તાહે મળેલી રશિયા, અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓની પરિષદના પગલે આપવામાં આવ્યું છે.
રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા 'તાસ'ને આપેલી એક મુલાકાતમાં પેસ્કોવે કહ્યું હતું કે, આ તબક્કે આપણે માત્ર રાજદ્વારી ભાષામાં જ જણાવીએ છીએ, પરંતુ તે અંગે અન્ય અનિશ્ચિત તેવા અનુમાનો પણ કોઈ બાંધે તે સહજ છે.
ઉલ્લેખનીય છે કે, મોસ્કોએ આ આમંત્રણ સતત બીજી વખત આપ્યું છે. આ પૂર્વે ક્રેમ્બીને બુધવારે પણ પ્રમુખ પુતિનના ટોચના સલાહકાર યુરી ઉષાકોવે કહ્યું હતું કે, 'જો તેઓ ખરેખર તે વિષે ગંભીર હોય તો અને મંત્રણા માટે તૈયાર હોય તો, મોસ્કો તેમને મળવા તૈયાર જ છે.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન યુધ્ધમાં શાંતિ સ્થાપવા પ્રબળ પ્રયત્નો કરી રહ્યા છે. ગત સપ્તાહે અબુધાબીમાં યોજાયેલી ત્રિપક્ષીય મંત્રણા ઘણી જ સફળ રહી હતી. હવે તેનો બીજો દોર ફેબુ્રઆરીની ૧લી તારીખે યોજાશે. આપણે આખરે તો તેનો કોઈ અંત લાવવો જ રહ્યો. તેમ પણ અમેરિકી અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું.
ખેદની વાત તે છે કે, એક તરફ શાંતિ મંત્રણા ચાલે છે તો બીજી તરફ રશિયા અને યુક્રેન એકબીજા ઉપર હુમલા કરતા જ રહે છે. યુક્રેને આક્ષેપ કર્યો હતો કે, રશિયા ડ્રોન હુમલા દ્વારા યુક્રેનની પાવર ગ્રીડ તોડી રહ્યું છે. યુક્રેની સંરક્ષણ મંત્રી ફેડોરોવે કહ્યું હતું કે, રશિયાએ ગત માસે ૬૦૦૦ ડ્રોન હુમલા કર્યા છે તેથી યુક્રેનને તેની આકાશી સંરક્ષણ વ્યવસ્થા ફરી મજબૂત કરવી પડી છે.


