Get The App

બીજા કોઈ સાંભળે નહીં : પુતિને પ્રિય મિત્ર મોદીને કારમાં લિફટ આપી કાર પોતે જ ચલાવતા હતા

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
બીજા કોઈ સાંભળે નહીં : પુતિને પ્રિય મિત્ર મોદીને કારમાં લિફટ આપી કાર પોતે જ ચલાવતા હતા 1 - image

- માનવતા ખાતર પણ યુદ્ધ બંધ કરવા મોદીએ પુતિનને કહ્યું

- મોદી આવવાની પુતિને 10 મિનિટ રાહ જોઈ : પછી હોટેલે પહોંચ્યા પરંતુ બંને કારમાં જ બેસી રહ્યા અને પચાસ મિનિટ સુધી મંત્રણા કરી

નવી દિલ્હી : ચીનનાં તિએનજિનમાં મળી રહેલી શાંઘાઈ-કો-ઓપરેશન-ઓર્ગેનાઇઝેશનની (એસ.સી.ઓ.ની) પરિષદની આજની કાર્યવાહી સંપન્ન થયા પછી પ્રમુખ પુતિન તેઓની 'સૌરસ' લિમોઝિન સુધી પહોંચ્યા અને નરેન્દ્ર મોદી આવે તેની દસ મિનિટ સુધી રાહ પણ જોઈ. મોદી આવતા પુતિને તેઓની કારમાં લિફટ આપી. તે બંને તેઓને જ્યાં ઉતારો આપ્યો હતો, તે હોટેલે પહોંચ્યા પરંતુ હોટેલનાં પ્રવેશદ્વારથી થોડે દૂર સુધી પુતિન કાર લઈ ગયા અને હોટેલમાં ન જતાં કારમાં જ બંને નેતાઓએ પચાસ મિનિટ સુધી વાતચીત કરી.

પીટીઆઈએ આ માહિતી રશિયન રેડીયો સ્ટેશન વેસ્ટી.એફ.એમ. દ્વારા પ્રસારિત સમાચાર ઉપરથી આપી હતી. પીટીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, ત્યાર પછી હોટેલમાં રહેલી બંને દેશોની ટીમ પણ હોટેલમાં પુતિન-મોદી સાથે જોડાઈ હતી.

ક્રેમ્બીનના પ્રવકતા દીમીત્રી પેસ્કોવે પણ કહ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે મોટરમાં આશરે એક કલાક સુધી મંત્રણા ચાલી હતી. દરમિયાન મોદીએ પોતે જ લીમોઝીનમાં બેઠેલા બંને નેતાઓનો ફોટો સોશ્યલ મીડીયા પર શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, 'એસ.સી.ઓ. પરિષદનાં સ્થળેથી તે દિવસની કાર્યવાહી પૂરી થતાં હું અને પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા માટે ગયા હતા.'

મોસ્કો સ્થિત વિશ્લેષકોએ કહ્યું હતું કે, બંને વચ્ચે અતિસંવેદનશીલ ચર્ચા થઈ હતી. જે બીજા કોઈ સાંભળે નહીં તે પ્રમાણે કરવામાં આવી હતી.

પોતાની આ મંત્રણા દરમિયાન મોદીએ વહેલામાં વહેલી તકે યુક્રેન યુદ્ધ બંધ કરવા માનવતાની દ્રષ્ટિએ અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે લાંબા સમયની શાંતિ માટે તે અનિવાર્ય છે.

આ સાથે નરેન્દ્ર મોદીએ પ્રમુખ પુતિનને શિખર મંત્રણા માટે ડીસેમ્બરમાં નવી દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હતું.

એસ.સી.ઓ. શિખર પરિષદ પૂર્વે પરિષદ સ્થળે મોદી પુતિન અને શી જિનપિંગ મળ્યા હતા. પરસ્પર સાથે હસ્તધૂનન કરવા ઉપરાંત એકબીજાને ભેટયા હતા અને હળવા હાસ્ય સાથે આપસી બિરાદરી દર્શાવી હતી.