યુદ્ધ ક્ષેત્રથી ઘણે દૂર આલાસ્કામાં પુતિન, ટ્રમ્પ મંત્રણા યોજાઈ રહી છે

- વોલોદીમીર-ઝેલેન્સ્કીનો કટાક્ષ ભર્યો આક્રોશ
- અમે એક તસુ પણ જમીન રશિયાને આપવા તૈયાર નથી : યુદ્ધ બંધ કરવા માટે ટ્રમ્પની સૂચિત દરખાસ્ત સ્વીકાર્ય નથી : ઝેલેન્સ્કી
નવીદિલ્હી : આગામી સપ્તાહે (૧૫-ઓગસ્ટે) રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનને આલાસ્કામાં મળવા યુક્રેન યુદ્ધ સંબંધે ચર્ચા કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી દરખાસ્ત પુતિને તો સ્વીકારી લીધી છે. તેઓ ૧૫મી ઓગસ્ટે ત્યાં પહોંચી જ જવાના છે. પરંતુ તેની સામે યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝેલેન્સ્કીને સખત વાંધો છે. તેઓએ તે અંગે કટાક્ષસભર આક્રોશ ઠાલવતાં શુક્રવારે કહ્યું હતું કે, યુદ્ધ ક્ષેત્રથી ઘણે દૂર આલાસ્કામાં આ મંત્રણા યોજાવાની છે. તેનો અર્થ શો છે ?
ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે પ્રમુખ ટ્રમ્પે એવું વિચાર્યું છે કે યુક્રેનના જે ચાર પ્રાંતો રશિયાના કબજામાં છે, તેમજ ૨૦૧૪માં રશિયાએ કાળા સમુદ્રમાં આવેલા ક્રીમિયન દ્વિપકલ્પ ઉપર કબજો જમાવ્યો છે, તે બધું રશિયા તેના તાબામાં રાખે.
આ સામે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને સખત વિરોધ છે. તેવો કહે છે કે એક તસુ જેટલી અમારી જમીન રશિયા લઈ જાય તે અમોને સ્વીકાર્ય નથી.
આ સાથે તેઓએ તે સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે કે, યુક્રેન વિષે ચર્ચા કરવામાં યુક્રેનને જ બાદ રાખો તે ચલાવી જ નહીં શકાય. તેઓ જે ઉકેલ લાવશે તે મૃત-ઉકેલ (ડેડ-સોલ્યુશન) બની રહેશે.
આ અંગે અંતરંગ વર્તુળો જણાવે છે કે ૧૫મી ઓગસ્ટે આલાસ્કામાં યોજાનારી આ મંત્રણા માટે પ્રમુખ ટ્રમ્પે ઘણું ગ્રાઉન્ડ વર્ક કર્યું છે, કરી રહ્યા પણ છે. તેઓ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલું આ યુદ્ધ બંધ કરવા માગે છે.
બીજી તરફ ઝેલેન્સ્કી અને તેના તંત્રનો આગ્રહ છે કે તે મંત્રણા ત્રિપક્ષીય જ હોવી જોઈએ.
ઝેલેન્સ્કીને આશંકા છે કે પ્રમુખ ટ્રમ્પ રશિયાએ કબજે કરેલો વિસ્તાર રશિયાને આપવા માગે છે અને તે રીતે પણ યુદ્ધ બંધ થાય તો બંધ કરવા માગે છે. આ સામે આક્રોશ ઠાલવતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન તેની ભૂમિ કબજો કરનારને આપવા તૈયાર નથી. વાસ્તવમાં યુક્રેનનાં સંવિધાનમાં જ તે વિસ્તારોનો ઉલ્લેખ છે. તે સત્ય ખ્યાલમાં રાખી અમે અમારી એક તસુ પણ ભૂમિ બીજાને આપવા તૈયાર નથી. આપી શકીએ પણ નહીં.
ટૂંકમાં યુક્રેન-શાંતિ મંત્રણા શરૂ થાય તે પહેલાં જ તેમાં અવરોધ ઉભા થતા જાય છે.









