પુતિન વાતો તો સારી સારી કરે છે પરંતુ સાંજે બોમ્બમારો કરે છે : ડોનાલ્ડ ટ્રમ્પ
- હું નાટોના સેક્રેટરી જનરલને આજે સાંજે મળવાનો છું, યુક્રેનને 'પેટ્રિયટ' મિસાઇલ્સ સહિત શસ્ત્રો આપવાનો છું
વોશિંગ્ટન : યુક્રેન યુદ્ધમાં પ્રમુખ પુતિનની છલતાભરી રાજરમતને અનુલક્ષીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે 'હું પેટ્રિયટ એર ડીફેન્સ સીસ્ટીમ સહિત તમામ શસ્ત્રો યુક્રેનને મોકલવાનો જ છું, જેનો ખર્ચ યુરોપીયન યુનિયન ઉઠાવવાનું છે.'
મેરીલેન્ડ સ્થિત જોઈન્ટ-બેઝ-એન્ડ્રઝમાં પત્રકારોને કરેલા સંબોધનમાં આ પ્રમાણે કહેવા સાથે તેઓએ જણાવ્યું કે, 'આ મહિને રશિયાએ કીવ ઉપર કરેલા પ્રચંડ હુમલા પછી હું નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ્ટેને યુક્રેનને આકાશી સંરક્ષણ વ્યવસ્થા પૂરી પાડવા અંગે પણ આમ કરવાનો છું.'
પ્રમુખ ટ્રમ્પે આ સાથે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તે શસ્ત્રોની સોએ સો ટકા કિંમત યુરોપીય સંઘ જે ઉઠાવવાનું હોઈ અમેરિકા ઉપર કોઈ આર્થિક બોજો પડે તેમ નથી. વાસ્તવમાં આ પ્રકારની વ્યવસ્થા ઘણા મહિનાઓ પૂર્વે જ ગોઠવવાની જરૂર હતી.
પ્રમુખે વધુમાં કહ્યું હતું કે પુતિન વાતો તો સારી સારી કરે છે, પરંતુ સાંજે યુક્રેન ઉપર બોમ્બમારો કરે છે, આ જ એક મોટી મુશ્કેલી છે.
અલ જાજીરા આ અહેવાલ આપતાં જણાવે છે કે ટ્રમ્પે ગુરૂવારે જ જણાવી દીધું હતું કે અમેરિકા તેના નાટો સાથીઓને શસ્ત્રો વેચશે. તેઓ તે ખરીદી યુક્રેનને આપશે. આ વ્યવસ્થાને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ કહ્યું હતું કે અમેરિકાની ફેક્ટરીઝમાંથી યુક્રેનને શસ્ત્રો પહોંચાડવામાં સમય લાગે તેને બદલે પહેલાં યુરોપમાં મોકલી ત્યાંથી યુક્રેન મોકલવામાં સમય ઘણો ઓછો લાગે માટે આ વ્યવસ્થા વધુ સારી છે.