'મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા', પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી; યુક્રેન મુદ્દે પણ થઈ ચર્ચા
Putin PM Modi Meeting: ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન બાદ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. રશિયન રાષ્ટ્રપતિએ આ વાતચીતમાં કહ્યું કે, 'વડાપ્રધાન મોદીને મળીને મને આનંદ થયો.' ટ્રમ્પના દબાણ વચ્ચે ભારત-રશિયાના સંબંધો સિદ્ધાંતોના આધારે મજબૂત રહેશે.'
ભારત-રશિયા સંબંધો: વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારી
પુતિને PM મોદી સાથેની બેઠકમાં જણાવ્યું કે, 'ભારત-રશિયાના સંબંધો વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીના સિદ્ધાંતો પર વિકસી રહ્યા છે. વૈશ્વિક રાજકારણની અનિશ્ચિતતા વચ્ચે, બંને નેતાઓ સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફ છતાં, મોદી અને પુતિન અમેરિકી દબાણને અવગણીને તેમની મિત્રતાને નવો આકાર આપી રહ્યા છે.'
દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા
તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત બાદ, PM મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રપતિ પુતિન સાથે એક શાનદાર બેઠક થઈ. આ બેઠકમાં વેપાર, ખાતર, અંતરિક્ષ, સુરક્ષા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન સહિત, પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ મંતવ્યો વ્યક્ત કર્યા. ભારત અને રશિયાની વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતાનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ બની રહી છે.'
PM મોદીનું પુતિનને ભારત આવવાનું આમંત્રણ
PM મોદીએ દ્વિપક્ષીય બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. PM મોદીએ કહ્યું કે, 'મને હંમેશા લાગે છે કે તમને મળવું મારા માટે એક યાદગાર અનુભવ છે. અમારી મુલાકાત દરમિયાન અમને ઘણા વિષયો પર માહિતી શેર કરવાનો અવસર મળે છે. આ વર્ષે 23મી શિખર સંમેલનની બેઠકમાં 140 કરોડ ભારતીયો આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે. ભારત અને રશિયા મુશ્કેલ સમયમાં પણ ખભેખભો મિલાવીને સાથે ઊભા રહ્યા છે, જે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત ભાગીદારીની ઊંડાઈ અને વ્યાપ દર્શાવે છે.'
આ પણ વાંચો: SCOમાં પુતિને ભારત અને ચીનના કર્યા વખાણ, યુક્રેનમાં સત્તાપલટા અંગે આપ્યું મોટું નિવેદન
રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શાંતિની અપીલ કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમારો ઘનિષ્ઠ સહયોગ ફક્ત બંને દેશોના લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.' યુક્રેન યુદ્ધને લઈને વડાપ્રધાન મોદીએ શાંતિની અપીલ કરતા કહ્યું કે, 'અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષો પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. તાજેતરમાં અમે શાંતિ સંધિ માટે કરવામાં આવેલા તમામ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે તમામ પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. બંને દેશો વચ્ચેના સંઘર્ષને જલદીથી જલદી સમાપ્ત કરવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો કોઈ રસ્તો શોધવો પડશે. આ જ સમગ્ર વિશ્વની માનવતાનો પોકાર છે.'