પુતિન 12 દિવસમાં યુદ્ધવિરામ કરે, નહીં તો ટેરિફ લગાડીશ : પ્રમુખ ટ્રમ્પ
- અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રશિયાને નવી ડેડલાઈન
- હું રશિયન પ્રમુખ પુતિનથી ખૂબ નારાજ છું, મેં ફોનમાં વાત કરી ત્યારે લાગ્યું હતું કે ઉકેલ આવી જશે : ટ્રમ્પ
એડિનબર્ગ : ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાંથી રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ વિરામ કરવા માટે નવી સમયમર્યાદા આપી છે. ટ્રમ્પે પુતિનની ઝાટકણી કાઢી હતી અને વાટાઘાટો ન કરવાના વલણની ટીકા કરી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે કરવી જોઈએ એટલી વાતો કરી લીધી છે. અમે બહુ સારી રીતે વાતો કરી હતી. મને લાગતું હતું કે પ્રમુખ પુતિન યુદ્ધ અટકાવવા માટે કટિબદ્ધ છે. મને લાગતું હતું કે હવે રશિયા-યુક્રેન યુદ્ધનો મામલો ઉકેલાઈ જશે, પરંતુ મને ધરપત આપ્યા પછી પુતિને કોઈને કોઈ શહેરમાં, નર્સિંગ હોમમાં કે કોઈ ઈમારત પર હુમલો કરીને લોકોને મારી નાખ્યા.
ટ્રમ્પે ઉમેર્યું કે મેં તેમને યુદ્ધવિરામ માટે ૫૦ દિવસનો સમય આપ્યો હતો, પરંતુ મને લાગે છે કે પરિણામ શું આવશે તે આપણને ખબર છે. એટલે આટલો સમય આપવો વ્યર્થ છે. હું પ્રમુખ પુતિનને ૧૦-૧૨ દિવસનો સમય આપું છું. જો તેઓ યુદ્ધ વિરામ નહીં કરે તો પછી પગલાં ભરાશે.
અગાઉ પણ ટ્રમ્પે ૫૦ દિવસની ડેડલાઈન આપીને ધમકી આપી હતી કે જો પુતિન આ સમયમર્યાદામાં યુદ્ધ રોકશે નહીં તો અમેરિકા રશિયા પર ૧૦૦ ટકા ટેરિફ લગાડશે. તે ઉપરાંત અમેરિકાએ યુક્રેનને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે, રશિયાએ આ ડેડલાઈનની શરત માનવાનો ઈનકાર કરી દીધો હતો.