''પુતિન વિશ્વ મંચના નેતા : કહેતાં ટ્રમ્પના વિદેશ મંત્રીએ ચીન પર ટેરિફ નહીં લગાડવાની મજબૂરી પણ દર્શાવી

- માર્કો રૂબિયોએ કહ્યું : પુતિન પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ શસ્ત્ર ભંડાર છે : ચીન પર ટેરિફ એટલે નથી લગાડયો કે તેથી વૈશ્વિક ઊર્જા મોંઘી બને
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન ઘણા સમયથી એક વૈશ્વિક નેતા રહ્યાં છે. આથી યુક્રેન-યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમની સાથે મંત્રણા કરવા સિવાય અન્ય કોઈ માર્ગ જ ન હતો. રવિવારે એબીસી ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં માર્કો રૂબિયોએ કહ્યું પુતિન પહેલેથી જ વિશ્વ મંચ પરના એક મહત્ત્વના નેતા છે. તેઓની પાસે પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે. (આશરે ૫,૫૮૦). તેઓ વિશ્વના અગ્રીમ નેતાઓ પૈકીના એક છે.
રશિયન સમાચાર એજન્સી તાસ જણાવે છે કે માર્કો રૂબિયોએ તેમ કહ્યું હતું કે, તમો તેઓની પ્રશંસા કરો છો, તેથી તેઓનું કદ વધી જશે. આ સાંભળી મને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં છેલ્લાં ૪-૫ વર્ષોથી પુતિન વૈશ્વિક ચર્ચામાં છે જ. તેનો અર્થ તે પણ થયો કે, યુક્રેન યુદ્ધમાં શાંતિ સમજૂતી પુતિન સાથે મંત્રણા કર્યા સિવાય ન થઈ શકે. આ તો સહજ રીતે સમજાય તેવું છે.
ચીન પર વધારાનો ટેરિફ નહીં લગાડવા અંગે તેમણે કહ્યું તે સત્ય છે કે ચીન રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે. પરંતુ તેને તે રીફાઈન કરી પછી જ બીજા દેશોને વેચે છે. ખાસ કરીને યુરોપના દેશોને તે રીફાઈન્ડ ઓઈલ (એએફટી, પેટ્રોલ, ડીઝલ) વેચે છે. હવે જો તેની ઉપર વધારાનો ટેરિફ લગાડવામાં આવે તો વિશ્વસ્તરે તેલની પેદાશોનો ભાવ વધી જાય. તે સાથે તે પણ યાદ રાખવું જોઈએ કે યુરોપીય દેશો આજે પણ રશિયા પાસેથી જ કુદરતી ગેસ ખરીદે છે. નિરીક્ષકો આને પાંગળો બચાવ કહે છે.
૧૫મી ઓગસ્ટે આલાસ્કામાં એક સૈન્ય મથકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે મંત્રણા યોજાઈ હતી. પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ મળી શક્યો નથી. મંત્રણા ત્રણ કલાક સુધી ચાલી હતી. રશિયા તરફથી પુતિનની સાથે તેમના સલાહકાર યુરી ઉશાકાવે અને વિદેશમંત્રી સર્ગેઈ લાવારોવ ઉપસ્થિત હતા. જ્યારે ટ્રમ્પની સાથે તેઓના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત હતા.









