મિડલ ઈસ્ટ બાદ રશિયા-યુક્રેન વચ્ચે પણ સીઝફાયર, પુતિને ઓર્થોડૉક્સ ઈસ્ટર પર કરી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે રશિયા અને યુક્રેન સરહદેથી શાંતિના સમાચાર આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આગામી ઓર્થોડોક્સ ઈસ્ટરના તહેવારને ધ્યાનમાં રાખીને બે દિવસના યુદ્ધવિરામની (સીઝફાયર) જાહેરાત કરી છે. ક્રેમલિન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી યુદ્ધના મેદાનમાં થોડા સમય માટે તોપો શાંત રહેશે તેવી આશા જાગી છે.
બે દિવસ માટે લશ્કરી કાર્યવાહી પર રોક
ક્રેમલિનના નિવેદન અનુસાર, આ વર્ષે ૧૨મી એપ્રિલે ઓર્થોડોક્સ ઈસ્ટર ઉજવવામાં આવશે. જેને લઈને 11મી એપ્રિલ સવારથી 12મી એપ્રિલની સાંજ સુધી યુદ્ધવિરામ લાગુ રહેશે. રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવે ચીફ ઓફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવને તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકવા નિર્દેશ આપ્યા છે. જોકે, રશિયન સૈન્યને સૂચના આપવામાં આવી છે કે દુશ્મન પક્ષ તરફથી થનારી કોઈપણ ઉશ્કેરણી કે આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું.
યુક્રેનનો પ્રતિસાદ અને ઈતિહાસ
નોંધનીય છે કે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી છેલ્લા એક અઠવાડિયાથી ઈસ્ટર પર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકી રહ્યા હતા. ઝેલેન્સકીએ રશિયા દ્વારા સતત થતા હવાઈ અને ડ્રોન હુમલાઓનો ઉલ્લેખ કરીને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે જ્યારે રશિયાએ પહેલ કરી છે, ત્યારે ક્રેમલિને આશા વ્યક્ત કરી છે કે યુક્રેન પણ આ યુદ્ધવિરામનું સન્માન કરશે અને તેનું પાલન કરશે.
શું સીઝફાયર ટકશે?
જોકે, આ જાહેરાત બાદ હજુ સુધી યુક્રેન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ પણ આવા પ્રસંગોએ યુદ્ધવિરામની જાહેરાતો થઈ છે, પરંતુ બંને પક્ષો એકબીજા પર કરાર ભંગના આક્ષેપો કરતા રહ્યા છે. મિડલ ઈસ્ટમાં 14 દિવસના યુદ્ધવિરામ બાદ હવે રશિયા-યુક્રેન વચ્ચેના આ બે દિવસીય વિરામથી શું કાયમી શાંતિની દિશામાં કોઈ રસ્તો નીકળશે કે કેમ, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.









