પુતિન વિદેશ પ્રવાસ વખતે ‘પૂ બ્રીફકેસ’ પણ સાથે લઈ જાય છે, જેમાં મળ-મૂત્ર ભેગા કરીને રશિયા પરત લઈ જવાય છે, જાણો તેનું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Putin also carries a 'poo briefcase' : વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થાઓમાં ઘણી વખત એવી અનોખી વ્યવસ્થાનો સમાવેશ થાય છે, જેના વિશે સામાન્ય જનતાને ખબર જ નથી હોતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન અમલમાં લેવાતી એક એવી જ અજાણી વ્યવસ્થા છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ તરીકે ઓળખે છે. અહેવાલ છે કે, પુતિન વિદેશમાં હોય છે ત્યારે તેમનો સુરક્ષા એજન્સીનો સ્ટાફ તેમના મળ અને પેશાબને વિશેષ સીલબંધ પાઉચમાં એકત્રિત કરે છે અને તેને રશિયા પાછું લઈ જાય છે. ચાલો જાણીએ કે આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે.
મળ-મૂત્ર પરત લઈ જવાનું કારણ શું?
પુતિનના મળ-મૂત્ર ભેગા કરીને પરત લઈ જવાની વાત કોઈને હાસ્યાસ્પદ કે પછી ધૃણાસ્પદ લાગી શકે એમ છે, પરંતુ હકીકતમાં આ વ્યવસ્થા પુતિનના આરોગ્ય સંબંધિત અતિ સંવેદનશીલ વિગતો ગુપ્ત રાખવા માટે કરાય છે. કોઈ પણ વ્યક્તિના મળ અને પેશાબમાંથી તેના આરોગ્ય વિશે અગત્યની વિગતો મેળવી શકાય છે. જેમ કે, કેન્સર, કિડની કે લિવરની તકલીફો, ડાયાબિટીસ અથવા બીજી ઘાતક બીમારીઓ. જો પુતિન જેવા શક્તિશાળી નેતાના મળ-મૂત્રના નમૂના શત્રુ દેશો કે જાસૂસી એજન્સીઓના હાથે લાગી જાય, તો એના આધારે તેઓ પુતિનની શારીરિક ક્ષમતા અને ભવિષ્યના રાજકીય નિર્ણયોની ધારણા કરી શકે છે. ઉદાહરણ તરીકે જો પુતિનને કોઈ ગંભીર બીમારી હોય તેવી માહિતી બહાર આવે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની રાજકીય વાટાઘાટો નબળી પડી શકે છે. એટલે જ પુતિનના આરોગ્ય સંબંધિત રહસ્યો રહસ્યો જ રહે એમાં રશિયાનું ‘રાષ્ટ્રિય હિત’ જળવાય છે, તેથી તેને કોઈ પણ કિંમતે સુરક્ષિત રાખવું જરૂરી બને છે.
દાયકાઓથી ચાલતી આવી છે આ વ્યવસ્થા
ફ્રેન્ચ પત્રકારો રેગિસ જેન્ટે અને મિખાઇલ રુબિને દાવો કર્યો છે કે, પુતિન સહિત ઘણાં દેશના વડા માટે આ ગુપ્ત વ્યવસ્થા વર્ષોથી કાર્યરત છે. તેમના જણાવ્યા મુજબ, 2017માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન પણ પુતિનના મળ-મૂત્ર વિશેષ પાઉચમાં સંગ્રહિત કરીને એક બ્રીફકેસમાં મૂકીને રશિયા પાછા લઈ જવાયા હતા. બીબીસી પત્રકાર ફરીદા રુસ્તમોવાએ પણ પુષ્ટિ કરી હતી કે, વિયેનાની મુલાકાત દરમિયાન પણ પુતિન માટે અલગથી પોર્ટેબલ શૌચાલય ગોઠવાયું હતું, જેથી તેમણે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. એક સૂત્ર અનુસાર, પુતિને 1999માં સત્તા સંભાળી હતી છેક ત્યારથી આ વ્યવસ્થા સતત અમલમાં છે.
બીજા પણ અનેક નેતાઓના મળમૂત્ર પાછા લઈ જવાય છે
આવો અખતરો ફક્ત પુતિન જ નથી કરતા, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ વિદેશ પ્રવાસો વખતે પોર્ટેબલ ટોઇલેટ સાથે લઈ જાય છે. 2018માં સિંગાપોરમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન કિમ પોતાના સુરક્ષાકર્મીઓ સહિત કાર્ગો વિમાનમાં બુલેટપ્રૂફ લિમોઝિન અને ખાસ ટોઇલેટ પણ લઈ ગયા હતા. દક્ષિણ કોરિયા ભાગી ગયેલા ઉત્તર કોરિયાના પૂર્વ સૈનિક લી યુન-કેઓલના જણાવ્યા મુજબ, આ પ્રથા ઉત્તર કોરિયાની સુરક્ષા વ્યવસ્થાનો હિસ્સો છે કારણ કે નેતાના મળ-મૂત્રમાં રહેલી આરોગ્યને લગતી માહિતી દુશ્મનો માટે કિંમતી સાબિત થતી હોય છે.
આધુનિક જમાનાની જાસૂસી જૈવિક સ્તરે પહોંચી ગઈ છે
હાસ્યાસ્પદ જણાય એવી આ અગમચેતી વિશે ગંભીરતાથી વિચારીએ તો સમજાય છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેવા જોખમો હોય છે. આજના સમયમાં જાસૂસી માત્ર દસ્તાવેજો અથવા વાતચીત સુધી મર્યાદિત નથી, પરંતુ તે વૈજ્ઞાનિક અને જૈવિક સ્તરે પહોંચી ગઈ છે. પુતિનનું ‘પૂ બ્રીફકેસ’ હોય કે કિમ જોંગ ઉનનું ‘પોર્ટેબલ ટોઇલેટ’, કોઈપણ દેશ માટે પોતાના નેતાનું આરોગ્ય ગુપ્ત રાખવું એટલું જ મહત્ત્વનું બની ગયું છે જેટલા તેના પરમાણુ શક્તિના રહસ્યો. પુતિનના આરોગ્ય અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક અફવા ફેલાઈ છે. જેમ કે તેમને કેન્સર થયું છે, પાર્કિન્સન રોગ લાગુ પડ્યો છે વગેરે. કદાચ આ જ કારણસર રશિયન સુરક્ષા એજન્સીઓ પુતિનના મળ-મૂત્રને કડક નિયંત્રણ હેઠળ સ્વદેશ પરત લઈ જાય છે.








