- ફેડ રીઝર્વના વડા પૌવેલનાં સ્થાને ટ્રમ્પ પોતાનો માણસ મુકશે
- ટ્રમ્પે પુતિનને કહ્યું : એક સપ્તાહ સુધી કીવને નિશાન ન બનાવો કારણ કે ત્યાં કડકડતી ઠંડી પડે છે, લોકો ઠંડીમાં હીટીંગ સીસ્ટીમ વિના જીવે છે
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે, તેમણે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, એક સપ્તાહ માટે કીવને નિશાન ન બનાવે કારણ કે તે વિસ્તારમાં ભીષણ ઠંડી પડી રહી છે. લોકો હીટીંગ સીસ્ટીમ વિના જીવે છે.
ટ્રમ્પે આ એવા સમયે કહ્યું છે કે જ્યારે રશિયા યુક્રેનના મહત્વના પાયાનાં સાધનો ઉપર બોમ્બમારો કરી રહ્યું છે. આથી કડકડતી ઠંડીમાં પણ લોકો હીટીંગ વિના જીવી રહ્યા છે.
વ્હાઈટ હાઉસમાં કેબિનેટ મીટીંગ દરમિયાન ટ્રમ્પે તેની કેબિનેટના સભ્યોને વિડીયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'મેં તે માટે પુતિનને અંગત ફોન કર્યો હતો, અને પ્રમુખ પુતિન તે માટે સંમત પણ થયા હતા.'
પ્રમુખ ટ્રમ્પે આ સાથે મઝાક કરતાં તેમ કહ્યું હતું કે, તેમના આરોગ્ય સચિવ બોબી કેનેડી લોકોમાં તેના કરતાં પણ વધુ પ્રખ્યાત બની રહ્યા હતા. તેનું કારણ તેમની 'કેનેડી' સરનેમ હોઈ શકે તેથી મેં તેમને આરોગ્ય વિભાગના વડા તરીકે દૂર કર્યા છે. આ પછી તુર્ત જ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'તેવું કશું નથી તે તો મેં મઝાકમાં કહ્યું હતું.' વાસ્તવમાં તેઓ પૂરા કાર્યક્ષમ ન હોવાથી મારે આ પગલું ભરવું પડયું છે.
ફેડરલ રીઝર્વના ગવર્નર જેરોમ પૌવેલનાં સ્થાને અન્ય કોઈ યોગ્ય વ્યક્તિને તેઓ મુકવા માગે છે તેમ પણ પ્રમુખ ટ્રમ્પે આ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું, તે માટે કારણ આપતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે તેમને મેં કહ્યું હતું તેટલી બેન્ચમાર્ક, વ્યાજ દરોમાં કાપ મુક્યો ન હતો. તેથી તેમના સ્થાને પણ અન્ય વ્યક્તિને મુકવી પડે તેમ છે. બીજી તરફ જેરોમ પૌવેલે કહ્યું હતું કે, 'નક્કર વાસ્તવિકતા તે છે કે ફેડરલ રીઝર્વને રાજનીતિથી સ્વતંત્ર રાખવું જોઈએ.' જોકે ટ્રમ્પે તેમની વાત ઉપર ધ્યાન આપ્યું નથી તે બીજી વાત છે.


