World

પુતિનને ધરપકડનો ડર સતાવ્યો એટલે બ્રિક્સ સમિટમાં જવાનું કેન્સલ, જિનપિંગ પણ અંતર જાળવશે!

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી મહિને બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં વ્યક્તિગત રૂપે ભાગ નહીં લેશે. ક્રેમલિને બુધવારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, આ નિર્ણય, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા તેમની વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને કારણે લેવામાં આવ્યો છે. તેના બદલે પુતિન 6-7 જુલાઈના રોજ રિયો ડી જનેરિયોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમિટમાં ભાગ લેશે

Summarized by AI; it may make mistakes. Check important info

પુતિનને ધરપકડનો ડર સતાવ્યો એટલે બ્રિક્સ સમિટમાં જવાનું કેન્સલ, જિનપિંગ પણ અંતર જાળવશે!

BRICS Summit 2025: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી મહિને બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં વ્યક્તિગત રૂપે ભાગ નહીં લેશે. ક્રેમલિને બુધવારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, આ નિર્ણય, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા તેમની વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને કારણે લેવામાં આવ્યો છે. તેના બદલે પુતિન 6-7 જુલાઈના રોજ રિયો ડી જનેરિયોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમિટમાં ભાગ લેશે.

રશિયાના વિદેશ મંત્રી આ સમિટમાં ભાગ લેશે

ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યૂરી ઉશાકોવે પત્રકારોને જણાવ્યું કે, પ્રમુખ પુતિન મુખ્ય આયોજનોમાં વીડિયો લિંકના માધ્યમથી ભાગ લેશે. આ નિર્ણય ICCની જરૂરિયાતોના સંદર્ભમાં કેટલીક મુશ્કેલીઓને કારણે લેવામાં આવ્યો છે. બ્રાઝિલ સરકાર આ સંદર્ભમાં સ્પષ્ટ વલણ અપનાવવામાં અસમર્થ રહી, જેના કારણે પુતિનની વ્યક્તિગત હાજરી શક્ય ન બની શકી. રશિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સમિટમાં ભાગ લેશે.

જાણો પુતિન પર શું છે આરોપ

ICCએ માર્ચ 2023માં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેમાં પુતિન પર 2022માં યુક્રેન પર આક્રમણ બાદ યુક્રેનિયન બાળકોના ગેરકાયદેસર દેશનિકાલનો આરોપ લગાવવામાં આવ્યો છે. રશિયાએ આ યુદ્ધ ગુનાઓના આરોપોને નકારી કાઢ્યા છે અને ક્રેમલિને વોરંટને અમાન્ય ગણાવી દીધું છે. રશિયા ICCની સ્થાપના સંધિ પર હસ્તાક્ષર કરનાર નથી. જો કે, આ વોરંટ પુતિન માટે ICC સંધિ પર હસ્તાક્ષર કરનારા દેશોમાં મુસાફરી કરવાનું જોખમી બનાવે છે.

પુતિને 2023માં પણ દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું

બ્રાઝિલ ICCનું સભ્ય છે અને રોમ સંધિ પર હસ્તાક્ષર કરનાર છે. આ કારણોસર જો પુતિન દેશમાં પ્રવેશ કરે તો બ્રાઝિલ તેની ધરપકડ કરવા માટે બંધાયેલો રહેશે. ઉશાકોવે કહ્યું કે, બ્રાઝિલની સરકારે એવી કોઈ ગેરંટી ન આપી જેનાથી અમારા પ્રમુખની ભાગીદારી શક્ય બની શકે. પુતિને અગાઉ પણ ICC વોરંટને કારણે સાવધાની રાખી હતી. 2023માં તેમણે ICCના બીજા સભ્ય દેશ દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. જોકે, ગત વર્ષે તેઓ મંગોલિયા ગયા હતા, જે ICC સભ્ય હોવા છતાં તેમની ધરપકડ કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના માટે મંગોલિયાને ICC અને યુરોપિયન યુનિયન તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિક્સ સમૂહ પશ્ચિમી પ્રભુત્વ સામે એક જવાબી શક્તિ 

પુતિન નિયમિતપણે બ્રિક્સ સમૂહનો પશ્ચિમી પ્રભુત્વ સામે એક જવાબી શક્તિ તરીકે પ્રચાર કરે છે. બ્રિક્સ નામ તેના સ્થાપક સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન પરથી લેવામાં આવ્યું છે. આ સમૂહમાં હવે દક્ષિણ આફ્રિકા સહિત 11 સભ્યો છે અને તેનો હેતુ આંતરરાષ્ટ્રીય મંચો પર વૈશ્વિક દક્ષિણનો અવાજ મજબૂત કરવાનો છે.

આ પણ વાંચો: 'આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે...', રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ

બ્રિક્સ સમિટમાં ભાગ નહીં લેશે શી જિનપિંગ!

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ઉપરાંત ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ આગામી મહિનાની શરુઆતમાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલનો પ્રવાસ નહીં કરશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલો દ્વારા જાણ થઈ છે કે, શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ ન લેવાની યોજના બનાવી રહ્યા છે. જો તેની પુષ્ટિ થાય તો આ એક દાયકાથી વધુ સમયમાં પહેલી વાર હશે કે તેઓ આ બેઠકમાં ભાગ નહીં લે. 

એક અહેવાલ પ્રમાણે શી જિનપિંગના બદલે ચીનના વડાપ્રધાન અને શી જિનપિંગના વિશ્વાસુ લી ક્વિંગ સમિટમાં ભાગ લેશે. બુધવારે બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને શીના નિર્ણય અંગેના અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું હતું કે, બ્રિક્સ સમિટમાં ચીનની હાજરી અંગેની માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.