'અંતિમ ચેતવણી...', કેનેડામાં પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોંના ઘર પર ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી
Prem Dhillon House Firing: કેનેડામાં પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોંના ઘર પર ફાયરિંગની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગઈકાલે સિંગરના ઘર પર ફાયરિંગ થયું હતું. જોકે, ફાયરિંગમાં કોઈ નુકસાન થયું નથી. આ હુમલાની જવાબદારી જેન્ટા ખરડે લીધી છે, જે જયપાલ ભુલ્લર ગેંગથી જોડાયેલો છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડાલાનો નજીકનો માનવામાં આવે છે.
જેન્ટા ખરડે વાયરલ પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી લીધી છે. આ પોસ્ટમાં પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં વધતા દબદબા અને સિદ્ધુ મૂસેવાલા, જગ્ગુ ભગવાનપુરિયા જેવા નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. જેન્ટાએ પ્રેમ ઢિલ્લોંને અંતિમ ચેતવણી આપતા કહ્યું છે કે, જો તે નહીં સુધરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ પણ વાંચો: ત્રણ-ચાર યુવતીઓએ મને પણ KISS કરી હતી...: ઉદિત નારાયણના સમર્થનમાં આવ્યો આ સિંગર
સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું છે?
જેન્ટાએ પોસ્ટમાં કહ્યું કે, સિદ્ધુ મૂસેવાલાના મોત બાદ પ્રેમ ઢિલ્લોંએ તેમની સાથે દગો કર્યો હતો. તેણે મૂસેવાલાને ધમકી આપવા માટે જગ્ગુ ભગવાનપુરિયાની ગેંગનો સંપર્ક કર્યો હતો. જેન્ટાએ એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ઢિલ્લોંના શોને રદ કરવા પાછળ તેની ગેંગનો હાથ હતો. જેન્ટાએ ભવિષ્યમાં ઢિલ્લોં પર હુમલાઓની ચેતવણી પણ આપી છે. પ્રેમ ઢિલ્લોંનું પૂરું નામ પ્રેમજીત સિંહ ઢિલ્લોં છે અને તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમણે 2019 માં સિદ્ધુ મૂસેવાલાના ગીત "બુટ કટ" થી ખ્યાતિ મેળવી.
અગાઉ એપી ઢિલ્લોંના ઘરે પણ થયું હતું ફાયરિંગ
નોંધનીય છે કે આ પહેલા પણ કેનેડામાં પંજાબી ગાયક એપી ઢિલ્લોંના ઘરે ફાયરિંગની ઘટના બની હતી, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ કેસમાં કેનેડિયન પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે કલાકારોની સલામતી અંગે ચિંતાઓ વધી રહી છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.