Get The App

ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઉકળતો ચરુ : 35નાં મોત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઉકળતો ચરુ : 35નાં મોત 1 - image

- ખામેનેઈ શાસનનો જનવિદ્રોહને બળપૂર્વક કચડવાનો પ્રયાસ : 1200ની ધરપકડ

- ઈરાનમાં 2022 બાદ સૌથી ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા, ઈસ્લામિક શાસને દેખાવોને વિદેશી કાવતરું ગણાવ્યું

તહેરાન : ઈરાનમાં સામાજિક નિયંત્રણો વચ્ચે મોંઘવારી અને ડામાડોળ અર્થતંત્રના પગલે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નેતૃત્વના ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરતા જનતા રસ્તા પર ઉતરી આવી છે. જોકે, ઈસ્લામિક શાસને જનતાના વિરોધને વિદેશી કાવતરું ગણાવ્યું છે. સુરક્ષા દળોએ તેહરાનના ગ્રાન્ડ બજારમાં ધરણાં કરી રહેલા દેખાવકારોને વિખેરવા ટીયર ગેસના શેલ છોડયા હતા. દેખાવો વચ્ચે થયેલી હિંસામાં ૩૫નાં મોત નીપજ્યાં હતા અને ૧૨૦૦થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

ઈરાનમાં સામાન્ય જનતા ઈસ્લામિક શાસન વિરુદ્ધ રસ્તા પર ઉતરી છે અને કેટલાક દિવસોથી રાજધાની તહેરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ, કોમ જેવા અનેક શહેરોમાં ઈસ્લામિક શાસનથી મુક્તિ માટે દેખાવો કરી રહી છે.

 દેખાવકારો 'ડેથ ટુ ખામેનેઈ' અને 'મુલ્લાઓ દેશ છોડો' જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 

સાથે જ જનતા 'શાહ અમર રહો'ના સૂત્રોચ્ચાર સાથે રાજાશાહીને પાછી લાવવા પણનું સમર્થન કરી રહી છે.

જોકે, ઈરાનની વર્તમાન સરકારે તેના વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રાજકીય જનઆંદોલન માનવાનો ઈનકાર કરી દીધો છે અને તેને વિદેશી કાવતરું ગણાવ્યું છે. ખામેનેઈના નેતૃત્ત્વવાળા શાસને તેમના વિરુદ્ધના દેખાવોને બળપૂર્વક દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. 

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપતા કહ્યું હતું કે, દેખાવકારોને તેમની જગ્યા બતાવી દઈશું. સૂત્રો મુજબ ઈરાનમાં સરકાર વિરોધી દેખાવોમાં થયેલી હિંસામાં ૩૫થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ૧૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, આ દેખાવો રોકાય તેવા કોઈ સંકેતો નથી.

મીડિયા અહેવાલ મુજબ ઈસ્લામિક શાસકોના બળપ્રયોગના કારણે થયેલી હિંસામાં ૨૯ દેખાવકારો, ૪ બાળકો અને ઈરાનના બે સુરક્ષા જવાનો માર્યા ગયા છે. ઈરાનના ૩૧માંથી ૨૭ પ્રાંતોમાં ૨૫૦થી વધુ સ્થળો પર દેખાવો થયા હતા. આ દેખાવો વર્ષ ૨૦૨૨ પછી ઈરાનમાં સૌથી મોટા અને વ્યાપક પણે થયેલા દેખાવો છે. તે સમયે ઈરાન પોલીસની અટકાયતમાં ૨૨ વર્ષીય મહસા અમિનીના મોત પછી દેશભરમાં દેખાવો થવા લાગ્યા હતા. અમિનીની હિજાબ નહીં પહેરવાના કારણે અટકાયત કરાઈ હતી અને તેનું જેલમાં જ મોત થયું હતું. તાજેતરના સમયમાં ઈરાને અનેક રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોનો સામનો કરવો પડયો છે.