World

નેપાળમાં નવી સરકારના નેતા મુદ્દે આંદોલનકારીઓમાં તડાં

By GS TEAM
12 Sep 20253 mins read
નેપાળમાં નવી સરકારના નેતા મુદ્દે આંદોલનકારીઓમાં તડાં

- બે જ દિવસમાં સત્તા પલટા બાદ હવે વચગાળાના વડાપ્રધાન મુદ્દે ઘમાસાણ

- બાલેન શાહ, સુશીલા કાર્કી પછી હવે સમ્પાંગ, કુલમન ઘીસિન અને દુર્ગા પ્રેસાઈના નામ પણ વચગાળાના પીએમપદની રેસમાં

કાઠમંડુ : નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ જેવા મુદ્દાઓ પર જનરેશન ઝેડ બેનર હેઠળ શરૂ થયેલા આંદોલનમાં યુવાનોએ બે જ દિવસમાં તખ્તાપલટ કરી કેપી શર્મા ઓલીને મંગળવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપવા ફરજ પાડી હતી. પરંતુ હવે શાસકવિહિન નેપાળમાં ભારે અરાજક્તાની સ્થિતિ છે. હવે વચગાળાના વડાપ્રધાનના નેતૃત્વમાં નવી સરકારની રચના મુદ્દે યુવાનોમાં જ ઘમાસાણ મચ્યું છે. જનરેશનલ ઝેડ બેનર હેઠળ દેખાવો કરનારા યુવાનોએ ગુરુવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને આર્મી ચીફ અશોક રાજ સિગેલ સાથે આર્મી મુખ્યાલય ભદ્રકાળીમાં ચર્ચા કરી હતી, પરંતુ કોઈ એક નામ પર સંમતી સધાઈ નહોતી.

નેપાળમાં યુવાનોના આંદોલને વચગાળાના વડાપ્રધાનની પસંદગી મુદ્દે ગુરુવારે એક નવો વળાંક લીધો હતો. જનરલ ઝેડ બેનર હેઠળ યુવાનોએ આંદોલન શરૂ કર્યું ત્યારે બાલેન્દ્ર શાહ વડાપ્રધાનપદ માટેના પ્રબળ દાવેદાર હતા. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે ગુરુવારે દેખાવકાર યુવાનોના એક જૂથે નેપાળ એનર્જી ઓથોરિટી (એનઈએ)ના પૂર્વ કાર્યકારી પ્રમુખ કુલમન ઘીસિંગનું નામ રજૂ કર્યું છે. વચગાળાની સરકારના નેતાની પસંદગી મુદ્દે  આંદોલનકારી યુવાનોમાં ભાગલા પડતાં આર્મી મુખ્યાલય બહાર યુવાનોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું કે, યુવાનોનું એક જૂથ ગુરુવારે ભદ્રકાલીમાં નેપાળી સૈન્યના મુખ્યાલયમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને આર્મી ચીફ અશોકરાજ સિગડેલને મળ્યા હતા અને વચગાળાની સરકાર ચલાવવા માટે એક નેતાની પસંદગી કરવા ચર્ચા કરી હતી. નવા નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું સ્થાન લેશે. આર્મી પ્રવક્તાએ જણાવ્યું કે વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમણે વધુ કોઈ વિગતો અથવા કોઈ નેતાની પસંદગી થઈ હોવા અંગે કશું કહ્યું નહોતું.

દેખાવકાર યુવાનોએ બુધવારે ઓનલાઈન વોટિંગમાં સુશીલા કાર્કીનું સમર્થન કર્યું હતું, પરંતુ પાછળથી એવો તર્ક અપાયો કે બંધારણ મુજબ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અથવા જજ વડાપ્રધાન બની શકે નહીં. વધુમાં કાઠમંડુના મેયર બાલેન શાહે પણ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ જવાબદારી લેવા માગતા નથી. આ રેસમાં ધરાન નગરપાલિકાના મેયર હર્ક સમ્પાંગનું નામ પણ સામે આવ્યું હતું, પરંતુ તેમને સર્વમાન્ય ઉમેદવાર માનવા અંગે યુવાનોમાં સહમતી થઈ શકી નહીં. વચગાળાના વડાપ્રધાનની યાદીમાં પત્રકારમાંથી નેતા બનેલા રબી લામિછાનેનું નામ પણ જોડાઈ ગયું છે. તેઓ પણ યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. યુવાનોએ વિરોધ પ્રદર્શન સમયે તેમને જેલમાંથી છોડાવી લીધા હતા.

જોકે, યુવાનોના એક જૂથે કહ્યું કે, બાલેન શાહે વચગાળાના વડાપ્રધાન બનવા રસ નથી દાખવ્યો. હર્ક સમ્પાંગ બધાને સાથે લઈને ચાલી શકશે નહીં. સુશીલા કાર્કી ૭૦ વર્ષથી વધુ વયનાં હોવાની સાથે અયોગ્ય છે. તેથી કુલમન ઘીસિંગ જેવા દેશભક્ત અને સૌના પ્રિય વ્યક્તિએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવું જોઈએ. ૫૪ વર્ષીય ઘીસિંગ નેપાળમાં વર્ષોથી ચાલતી બદનામ લોડશેડિંગની સમસ્યાને ખતમ કરવા માટે જાણિતા છે. નેપાળમાં ૧૮ કલાક સુધી વીજકાપ ચાલતો હતો, જેને ઘીસિંગે ખતમ કરી દેશને મોટી રાહત આપી હતી.

દરમિયાન નેપાળના સૈન્યે જમણેરી નેતા અને મેડિકલ કારોબારી દુર્ગા પ્રેસાઈને વાતચીત માટે આર્મી મુખ્યાલય બોલાવ્યા હતા. આ સમાચાર ફેલાતા યુવાનો ગુસ્સે ભરાયા હતા. એવી પણ અટકળો ચાલી રહી છે કે કોઈ નામ પર પસંદગી ના થતા આર્મી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.