- નિયમોનું પાલન ન થયું તો મંદિર વિદેશીઓ માટે બંધ
- વિદેશીઓએ મંદિર સંકુલમાં બિકીમાં યોગ કરતા ફોટા વાઇરલ કરતાં સ્થાનિકો ભડક્યા
થાઇલેન્ડ : થાઇલેન્ડમાં વર્ષો જૂના પ્રાચીન બૌદ્ધ મંદિરમાં કેટલાક વિદેશી પ્રવાસી યોગ કરતાં દેખાયા હતા. આ દરમિયાન તેમણે બિકીની જેવા સ્પોર્ટ્સવેર પહેર્યા હતા. તેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેના પગલે મંદિરના મેનેજમેન્ટે ચેતવણી જારી કરી હતી કે આ જિમ નથી, તેથી અહીં અયોગ્ય કપડામાં યોગ કરવા પર પ્રતિબંધ છે.
થાઇલેન્ડમાં ચિયાંગ માઈ સ્થિત વાટ ફા લાટે ચેતવણી આપી છે કે જો પ્રાચીન મંદિર પર આવો અપમાનજનક વ્યવહાર જારી રહ્યો તો તેને વિદેશી પ્રવાસીઓ માટે અસ્થાયી રીતે બંધ કરી દેવાશે. થાઇલેન્ડમાં ૧૪મી સદીના મંદિરનું મેનેજમેન્ટ કરતાં અધિકારીએ તેના સંકુલમાં ખુલ્લા વસ્ત્રો પહેરીને યોગ કરતાં અને જિમ્નાસ્ટિક કરતાં વિદેશી પ્રવાસીઓને ચેતવણી આપી છે. તેઓ મંદિર સંકુલમાં આ પ્રકારના વસ્ત્રો પહેરીને આવું કરવાને અયોગ્ય માને છે. થાઇલેન્ડના ઉત્તરમાં આવેલા શહેર ચિયાંગ માઈમાં વાટ ફા લાટ મંદિરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર લોકપ્રિયતા હાંસલ કરી છે. દોઈ સુધેપ પર્વતના ઢોળાવો પરના જંગલોમાં આવેલા આ મંદિરને શાંત અને એકાંત વાતાવરણના કારણે છૂપાયેલા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મંદિરે આ ચેતવણી ત્યારે જારી કરી જ્યારે કેટલાક વિદેશી પ્રવાસી મંદિરની જોડે બિકીનીમાં સનબાથ લેતા જોવાયા અને પાછા તેઓએ આ ફોટા વાઇરલ પણ કર્યા. તેના લીધે સ્થાનિકોએ તેનો ભારે વિરોધ કર્યો.


