બ્રિટનમાંથી સુપર રિચે ઉચાળા ભરતા પ્રોપર્ટી ભૂતિયા શહેર જેવી બની

- લક્ષ્મી મિત્તલ, નિકોલાઇ સ્ટોરોન્સ્કી અને નસીફે બ્રિટન છોડયું
- રીવ્સના મેન્સન ટેક્સના લીધે ધનકુબેરો દેશ છોડતા 30 લાખથી લઈને 1.1 કરોડ પાઉન્ડ સુધીની પ્રાઇવેટ એસ્ટેટો વેચાવવા લાગી
લંડન : બ્રિટનમાં મેન્સન ટેક્સ સુપરરિચ લોકોને ભારે પડી રહ્યો છે. તેના કારણે કેટલાય સુપર રિચ બ્રિટિશરોએ દેશમાંથી વિદાય લેવા માંડી છે. તેમા ભારતીય મૂળના અબજપતિ લક્ષ્મી મિત્તલ, નિકોલાઈ સ્ટોરોન્સ્કી અને એસ્ટોનવિલાના ઇજિપ્શીયન સહમાલિક નસીફ સાવિરિસ સહિતના કેટલાય ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૨૫ ટકા સુપર રિચ લોકોએ યુકે છોડી દીધુ હોવાનું મનાય છે.
સુપર રિચની વિદાયનો પુરાવો હાલમાં લંડનની નજીક તેમની જાણીતી એસ્ટેટના લાખો અને કરોડો પાઉન્ડના મકાનો વેચાવવા લાઇન લાગી તેના પરથી પડે છે. આ એકરોમાં ફેલાયેલા મકાનોની કિંમત લાખો પાઉન્ડમાં થાય છે. સરેના વેબ્રિજમાં પ્રાઇવેટ ગેટવાળી સેન્ટ જ્યોર્જ હિલ એસ્ટેટ જ જુઓ તો આજે જાણે તે ભૂતિયુ શહેર બની ગઈ છે, જે એક સમયે અહીં યુકેના સુપરરિચથી ધમધમતી હતી. અહીં સર એલ્ટોન જોન અને સર ટિમ જોન્સ જેવી સેલિબ્રિટીઓ રહેતી હતી, આ સિવાય સ્પોર્ટ્સ સ્ટાર સ્યુ બાકર અને જેન્સન બટન પણ અહીં રહેતા હતા, આ બધાએ મેન્સન ટેક્સના કારણે તેમની લાખો પાઉન્ડની સંપત્તિ વેચવા કાઢી છે.
આના કારણે પ્રોપર્ટી માર્કેટમાં પણ કડાકો બોલ્યો હોવાનું માનવામાં આવે છે. હાલમાં તો અહીં રશિયન અબજપતિઓ વધ્યા છે, જેમના પર પણ યુક્રેન યુદ્ધ પછી દબાણ જબરદસ્ત વધ્યું છે. અહીંના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આ પ્રાઇવેટ એસ્ટેટમાં ત્રીજા ભાગની પ્રોપર્ટી વેચાવવા માટે મૂકાઈ ગઈ છે. વેચાવવા માટે મૂકાયેલી પ્રોપર્ટીની કિંંમત ૩૦ લાખ પાઉન્ડથી લઈને ૧.૧ કરોડ પાઉન્ડ સુધીની છે. આજે લંડનથી ફક્ત ૨૩ કિ.મી. દૂર આવેલી એકરોમાં ફેલાયેલી પ્રોપર્ટી ખાલી પડી છે. આમાની દરેક પ્રોપર્ટી એકરોમાં ફેલાયેલી છે. તેને આગવી રીતે ડિઝાઇન કરાયેલી છે અને શણગારાયેલી છે. અબજોપતિઓની પ્રોપર્ટી હોય એટલે તેમા સગવડો પણ હાઇપ્રોફાઇલ છે.
હાલમાં તો પાર્ક હિલ તરીકે જાણીતા આ સ્થળની જ ૩૦ પ્રોપર્ટી વેચાણાર્થે બ્રોકર સમક્ષ નોંધાઈ ચૂકી છે, જેનું કુલ મૂલ્ય લગભગ બે કરોડ પાઉન્ડ થાય છે. આ આખો વિસ્તાર કુલ ૯૬૪ એકરમાં ફેલાયેલો છે અને તેમા કુલ ૨૫૦ પ્રોપર્ટી છે.
રીવ્સે ગયા સપ્તાહે ૭,૫૦૦ પાઉન્ડના મેન્સન ટેક્સની જાહેરાત કરતાં સુપર રિચે વિદેશની વાટ પકડી છે. રિયલ્ટી બ્રોકરોનું કહેવું છે કે ઘણા બધા લખપતિ અને કરોડપતિઓ અમારી સમક્ષ તેમની પ્રોપર્ટી વેચવા આવે છે અને તેમનું કહેવું છે કે બ્રિટન હવે તેમને મોંઘુ પડી રહ્યુ છે. તેના કરવેરાનો દર ખૂબ જ વધુ છે. ભારતના જ લક્ષ્મી મિત્તલે યુકે છોડીને દુબઈને બીજું ઘર બનાવી દીધું છે.

