બ્રિટનમાં પેલેસ્ટાઇન સમર્થનમાં દેખાવો : 474 લોકોની ધરપકડ
દાયકામાં એક જ કાર્યવાહીમાં કરાયેલી સૌથી મોટી અટકાયત
લંડન: પેલેસ્ટાઇન એકશન નામના ગુ્રપના સમર્થનમાં બ્રિટનના સૌથી મોટા દેખાવો દરમિયાન ૪૭૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં જ આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ ગુ્રપને સમર્થન જાહેર કરવો કાયદાકીય ગુનો બને છે.
લંડનમાં એક દેખાવો દરમિયાન ધરપકડ કરાયેલા ૪૬૬ લોકોને બ્રિટનના આતંકવાદ કાયદા હેઠળ પ્રતિબંધિત જૂથને સમર્થન આપવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય આઠ લોકોની પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા સહિતના અન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરવામાં આવેલા ઘણા લોકો પેલેસ્ટાઇન એકશનના નામના સંગઠનને ટેકો આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી રહ્યાં હતાં. દેશની સૌથી મોટી પોલીસ ફોર્સ મેટ પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં એક જ કાર્યવાહીમાં કરવામાં આવેલ આ સૌથી મોટી ધરપકડ છે.
પોલીસ ઓપરેશનનું નેતૃત્ત્વ કરનાર ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર એડે એડેલેકાને જણાવ્યું હતું કે વિરોધના સંદર્ભમાં અમારી ભૂમિકા હંમેશા જેવી જ રહી છે.
અમારો ઉદ્દેશ કોઇ પણ ડર કે પક્ષપાત વગર પોલિસિંગ કરવું, કાયદો અમલમાં મૂકવો, વિરોધી વિચાર ધરાવનારા લોકોને એક સાથે ન આવવા દઇને શાંતિ બનાવી રાખવી તથા સામાન્ય લોકોના જીવનમાં ગંભીર અવ્યવસ્થા અને ગંભીર વિક્ષેપ અટકાવવાનો છે.
બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે ગાઝાના સંઘર્ષમાં ઇઝરાયેલની કાર્યવાહીનો વિરોધ કરનારા લોકોના દેખાવો સામે કાર્યવાહી કરવા બદલ બ્રિટનની પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.