જેલમાંથી છૂટવા કેદીઓની અજબ તરકીબ, ટુથબ્રશ અને ધાતુની પટ્ટીની મદદથી ખોદી દિવાલ
જેલમાં કેદીઓની ગણતરી કરવામાં આવતા બે ઓછા જોવા મળ્યા હતા
છેવટે તપાસમાં કેદીઓનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
ન્યૂયોર્ક,૨૪ માર્ચ,૨૦૨૩,શુક્રવાર
જેલમાં રહેલા કેદીઓ વિવિધ તરકિબથી જેલની બહાર આવવા પ્રયાસ કરતા હોય છે. જેલમાં કેદીઓ થતા નિયમભંગ અને ગુનાઓની પણ એક દુનિયા છે. અમેરિકાના વર્જિનિયાની એક જેલમાંથી બે કેદીઓ ટૂથબ્રશ અને ધાતુની મદદથી ભાગી છુટવામાં સફળ થયા હતા. ટૂથ બ્રશ અને ધાતુની તિક્ષ્ણ પટ્ટીની મદદથી દીવાલો ખોદીને ભાગવાનો રસ્તો તૈયાર કર્યો હતો.
આ બનાવની જાણ થતા જ જેલ પ્રશાસનને નવાઇ લાગી હતી. કેદીઓની ગણતરી કરવામાં આવતા બે ઓછા હોવાનું માલૂમ પડયું હતું. છેવટે તપાસમાં સમગ્ર કેદીઓનું કારસ્તાન બહાર આવ્યું હતું. જેલના કેદીઓએ જેલની દિવાલનો કયો ભાગ નબળો છે તે અગાઉથી જ શોધી લીધું હતું. એ મુજબ જ ચીવટ અને ધીરજથી દિવાલ ખોતરવા લાગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાંથી ભાગેલા કેદીઓના નામ જોન ગાર્જા ૩૭ વર્ષ અને અર્લે નિમો ૪૩ વર્ષ છે. એક કેદી હેમ્પટનનો રહેવાસી છે જેના પર કોર્ટની અવગણના કરવાનો આરોપ હતો. બીજો કેદી ગ્લૂસેસ્ટરનો નિવાસી છે જેના પર ક્રેડિટકાર્ડ, છેતરપિંડી, ચોરી અને નાણાની ઉચાપતના કેસમાં જેલમાં હતો. આ ઘટના પછી પોલીસે બંને કેદીઓને એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા હતા ત્યારે પકડી લીધા હતા. કેદીઓએ ટુથબ્રસ અને ઉલીયા જેવી લોખંડની પટ્ટીની મદદથી દિવાલમાં બાકોરુ પાડવામાં કેવી રીતે સફળતા મેળવી તેની તપાસ ચાલી રહી છે.