ન્યૂયોર્કમાં થયેલી હરાજીમાં લેડી ડાયેનાએ પહેરેલુ સ્વેટર 9 કરોડ રૂપિયામાં વેચાયુ
image : Twitter
ન્યૂયોર્ક,તા.15 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
બ્રિટનની દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાએ પહેરેલા એક લાલ સ્વેટરની હરાજી કરવામાં આવી છે અને તે નવ કરોડ રૂપિયામાં વેચાયુ છે.
સ્વેટર પર સફેદ ઘેંટાઓ વચ્ચે એક કાળુ ઘેંટુ ઉભુ હોય તેવી ડિઝાઈન હોવાથી તેને બ્લેક શીપ સ્વેટર નામ અપાયુ હતુ. ન્યૂયોર્કના ઓક્શન હાઉસ દ્વારા તેને હરાજીમાં મુકાયુ હતુ. લગભગ 1.1 મિલિયન ડોલર એટલે કે નવ કરોડ રૂપિયામાં સ્વેટર વેચાયુ છે.
પ્રિન્સેસ ડાયેનાએ આ સ્વેટર 1981માં પ્રિન્સ ચાર્લ્સની પોલો મેચ વખતે પહેર્યુ હતુ. 31 ઓગસ્ટથી તેની હરાજી શરૂ થઈ હતી. હરાજીના અંતિમ મિનિટ સુધી તેના માટે સૌથી મોટી બોલી બે લાખ ડોલરથી ઓછઈ બોલાઈ હતી. બાદમાં આ સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયુ હતુ. સ્વેટર ખરીદનારાના નામનો ખુલાસો થયો નથી.
હરાજીમાં લેડી ડાયેનાની બીજી વસ્તુઓ પણ મુકવામાં આવી હતી પણ સૌથી વધારે બોલી સ્વેટર માટે જ લાગી હતી. એવુ પણ કહેવાય છે કે, સ્વેટરની ડિઝાઈન બ્રિટનના શાહી પરિવારમાં લેડી ડાયેનાનુ જે સ્થાન હતુ તેની કહાની બયાં કરે છે.
લેડી ડાયેના રોયલ ફેમિલીની આજ સુધીની સૌથી મશહૂર વ્યક્તિ રહી છે. 1981માં તેમણે પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્ન કર્યા હતા. ડાયેનાના શાહી પરિવારની પરંપરાઓ વચ્ચે ગૂંગળામણ થતી હતી. તેમાં પણ પ્રિન્સ ચાર્લ્સના લગ્ન પછીના લફરાઓએ તેમની તકલીફ વધારી દીધી હતી. જેના કારણે બંને વચ્ચે છુટાછેડા થયા હતા.
1997માં પેરિસમાં એક કાર એક્સિડન્ટમાં લેડી ડાયેનાનુ નિધન થયુ હતુ.