વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વરૂપમાં અમેરિકાને જ નહીં વિશ્વને નવા સરમુખત્યાર મળી ગયા લાગે છે. આપખુદ વલણ માટે પંકાવા લાગેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસની પણ મંજૂરી વગર જે રીતે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોનું અપહરણ કરીને ધરપકડ કરી તે આખા વિશ્વ માટે આંચકાજનક છે. ફક્ત આટલું જ નહીં તેમણે દક્ષિણ અમેરિકાના બીજા દેશ કોલંબિયા અને ક્યુબાને પણ ધમકી આપી છે. તેની સાથે ગ્રીનલેન્ડ નામના સ્વાયત્ત દેશને પોતાનો હિસ્સો ગમે ત્યારે બનાવી દઈશું તેવા બણગા ફૂંકવા માંડયા છે. આ પહેલા પણ તે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવું જોઈએ તેમ કહી ચૂક્યા છે. હવે જો નિકાલોસ માદુરો જેવા દેશને તે આ રીતે ઉઠાવી શકતા હોય તેની સામે તો કેનેડા અને ગ્રીનલેન્ડ જેવા દેશ પાસે તો પોતાનું લશ્કર સુદ્ધા નથી. તે કશુ કરી શકવાના પમ નથી. ટ્રમ્પને તો જાણે આ બંને દેશ આકડે મધ દેખાતુ હોય તે વાત લાગે છે.
ભારત રશિયાન ઓઇલ બંધ નહીં કરે તો વધુ ટેરિફ : ટ્રમ્પની ધમકી
મોદીએ મને ખુશ રાખવા રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી પડશે : ટ્રમ્પ
- ભારતના રાજદૂત મારી પાસે આવીને જણાવ્યું કે રશિયા પાસેથી ઓઇલની આયાત ઘટાડી, હવે ટેરિફ ઘટાડો : લિન્ડસે ગ્રેહામ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું ક પીએમ મોદી જાણે છે કે હું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને તેમનાથી ખુશ નથી અને તેથી આગામી દિવસોમાં વોશિંગ્ટન ભારત પર ટેરિફ વધારી શકે છે. ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી તરફ જતા એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત મને ખુશ કરવા માંગે છે, નરેન્દ્ર મોદી ખૂબ જ સારા માણસ છે.
તેઓ રશિયા સાથે આ જ રીતે ટ્રેડ કરતાં રહ્યા તો અમે તેમના પર નજીકના ભવિષ્યમાં ઝડપથી ટેરિફ વધારીશું તે નિશ્ચિત છે. તેમના માટે આ અત્યંત ખરાબ બાબત હશે, એમ ટ્રમ્પે જણાવ્યું હતું. તેમની આ ટિપ્પણી અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામની તે વાત સાથે મેળ ખાય છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે ભારત આજે રશિયા પાસેથી ઓછું ઓઇલ ખરીદે છે. યાદ રહે કે ટ્રમ્પનું આ નિવેદન પીએમ મોદી અને તેમના વચ્ચે થોડા સમય પહેલાં થયેલી ટેલિફોનિક વાતચીતના કેટલાક અઠવાડિયા પછી આવ્યું છે.
ગ્રેહામે જણાવ્યું હતું કે ટેરિફ બિલમાં તો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ નાખવાની વાત છે. ગ્રેહામે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ જ ભારતે પર અમેરિકાએ વધુ ૨૫ ટકા ટેરિફ નાખ્યો છે. ગ્રેહામે જણાવ્યું હતું કે મહિના પહેલાં હું ભારતીય રાજદૂતને ત્યાં હતો અને તેઓ મને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે અમે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં ઘટાડો કર્યો, તમારા પ્રેસિડેન્ટને કહો ટેરિફ દૂર કરે. લિન્ડસે ગ્રેહામના દાવાને લઈને ભારત તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.
ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે અને તે વિશ્વમાં સૌથી વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતે અમેરિકામાંથી ક્રૂડ ઓઇલની આયાત બમણી કરી હોવા છતાં પણ અમેરિકા તેનાથી ખુશ થયું નથી. અમેરિકાનું કહેવું સ્પષ્ટ છે કે જો તે રશિયન ઓઇલના મુદ્દે અમારી મદદ કરતાં નથી તો તે ભારત પર ટેરિફ વધારી શકે છે.
ભારત તેની જરુરિયાતના ૮૯ ટકા જેટલા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ભારતે કેલેન્ડર વર્ષમાં સંભવત: ૧૫૦ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હોવાનું માનવામાં આવે છે. રશિયાનું યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલા ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત માંડ ૦.૨ ટકા હતી, પરંતુ યુદ્ધ શરુ થયા પછી રશિયાએ ભારતને જબરદસ્ત ડિસ્કાઉન્ટે ઓઇલ ઓફર કરતાં આ આયાતનો હિસ્સો ભારતની કુલ આયાતમાં વધીને એક સમયે ૪૦ ટકાએ પહોંચી ગયો હતો. હાલમાં આ હિસ્સો ૩૩ ટકા છે, જે બતાવે છે કે ભારત તબક્કાવાર ધોરણે આયાત ઘટાડી રહ્યું છે. ભારતે ડિસેમ્બરમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું દૈનિક ધોરણે ૧.૭૭ મિલિયન બેરલથી ઘટાડીને ૧.૨ મિલિયન બેરલ કરી છે.
ટ્રમ્પ અને તેનું તંત્ર ૨૦૨૫ના આખા વર્ષ દરમિયાન ભારત પર રશિયન ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવાનું સતત દબાણ કરતું રહ્યું છે. ટ્રમ્પના વલણની અસર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પડી છે. તેના કારણે બંને દેશ વચ્ચેનું ટ્રેડ ડીલ અટકી ગયું છે. આ સંજોગોમાં ટ્રમ્પની ટિપ્પણી બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવો તનાવ પેદા કરી શકે છે. ટ્રમ્પે ગયા વર્ષે જાન્યુઆરીમાં જ હોદ્દો સંભાળ્યો ત્યારે ઝડપથી યુક્રેન યુદ્ધ રોકવાની વાત કહી હતી, પરંતુ તેમની વાતને આજે વર્ષ થયું હોવા છતાં પણ તેઓ આમ કરી શક્યા નથી. તેના કારણે તે ગિન્નાયા છે અને તેનો ગુસ્સો ચીન અને ભારત જેવા દેશો પર કાઢી રહ્યા છે. ટ્રમ્પ અગાઉ પણ ભારત પર ટેરિફ લગાવીને તેને ઝુકાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે તે પોતાના આર્થિક ફાયદા મુજબ જ ઓઇલની ખરીદી કરશે.
ક્યુબાની કમ્યુનિસ્ટ સરકાર અંતિમ દિવસો ગણે છે : રૂબિયો
વેનેઝુએલા પછી હવે ગ્રીનલેન્ડ અને ક્યુબા પર કબજાની ટ્રમ્પની ચેતવણી
- ગ્રીનલેન્ડના વડાપ્રધાને અમેરિકન પ્રમુખના નિવેદનની આકરી ઝાટકણી કાઢી અને ડેન્માર્કનો પણ તેમને ટેકો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હવે તેમના પત્તા ખોલવા માંડયા છે. તેમણે વેનેઝુએલા પછી હવે ક્યુબા અને ગ્રીનલેન્ડનો વારો હોવાની ચીમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્યુબાને અત્યાર સુધી વેનેઝુએલાનો ટેકો હતો એટલે તે ટકી ગયુ હતુ. હવે વેનેઝુએલાનું કોઈપણ પ્રકારનું સમર્થન તેમને મળે તેમ નથી. આમ હવે ટ્રમ્પનો ડોળો ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને હટાવવા પર છે.
ટ્રમ્પે આ ઉપરાંત ડેન્માર્કના આધીન ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની માંગ કરી છે. તેણે જણાવ્યું હતું કે ગ્રીન લેન્ડ વર્તમાન યુગમાં અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનું છે. તેનું કારણ એ છે કે ત્યાં રશિયન અને ચીનના જહાજોની આવનજાવન વધી ગઈ છે. ટ્રમ્પનો ડેન્માર્ક ગ્રીનલેન્ડની સુરક્ષા યોગ્ય રીતે કરી રહ્યું નથી. ગ્રીનલેન્ડ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે એટલું જરૂરી છે કે અમેરિકા તેની અવગણના કરી શકે તેમ જ નથી.
અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ જણાવ્યું હતું કે ક્યુબાની કમ્યુનિસ્ટ સરકાર મુશ્કેલીમાં છે. તેના પરથી સંકેત મળે છે કે અમેરિકા દબાણ વધારી શકે છે. અમેરિકાના આ નિવેદનોથી તેના મિત્રો અને દુશ્મનો બધામાં બેચેની વધી ગઈ છે. ટ્રમ્પે તેના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સમજાવ્યું હતું કે વેનેઝુએલા પર કરવામાં આવેલી કાર્યવાહી પછી ગ્રીનલેન્ડે પોતે સમજી જવું જોઈએ કે અમેરિકા શું સંદેશ આપવા માંગે છે. ટ્રમ્પની આ નીતિ તેમની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી પણ બતાવે છે. ટ્રમ્પે ૧૯મી સદીના મુનરો ડોક્ટ્રિન અને રુઝવેલ્ટ કોરોલરીનો પણ ઉલ્લેખ કર્યો. તેના દ્વારા પહેલા પણ અમેરિકા આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વિસ્તારતું રહ્યું છે.
તેના પછી ટ્રમ્પના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને હોમલેન્ડ સિક્યોરિટી એડવાઇઝર સ્ટીફન મિલરની પત્ની કેટી મિલરે ગ્રીનલેન્ડના નકશા પર અમેરિકન ઝંડાની તસ્વીર પોસ્ટ કરી. તેણે તેના કેપ્શનમાં લખ્યું હતું કે ટૂંક સમયમાં જ. ટ્રમ્પે ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીને ગ્રીનલેન્ડના ખાસ દૂત બનાવ્યા. ટ્રમ્પના ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવાના વલણનું જેફ લેન્ડ્રીએ સમર્થન કર્યુ છે.
ગ્રીનલેન્ડ ખનીજ સમૃદ્ધ ક્ષેત્ર છે. અહી સોનુ, નિકલ, કોબાલ્ટ જેવા પરંપરાગત સંસાધનોથી ભરેલા મોટા ભંડાર ઉપરાંત પ્રેજોડિયમ, ડિસ્પ્રોસિયમ, નિયોડિમિયમ અને ટેરબિયમ જેવા દુર્લભ ખનીજોનો ભંડાર પણ છે. ગ્રીનલેન્ડમાં ૩૪ રેર અર્થ મિનરલ્સમાંથી ૨૩ છે. ઉલ્લેખનીય છે કે રેર અર્થનો ઉપયોગ ઇલેક્ટ્રિક ગાડીઓમાં પરમેનન્ટ મેગ્નેટ અને વિન્ડ મિલમાં ઉપયોગ થાય છે. ગ્રીનલેન્ડ પછી સૌથી વધુ દુર્લભ ખનીજો ચીનમાં મળે છે અને તેના વૈશ્વિક પુરવઠા પર ચીનનું નિયંત્રણ છે. અમેરિકા હવે રેર અર્થમાં ચીનનો દબદબો ખતમ કરવા માંગે છે અને પોતે આગળ રહેવા આતુર છે. ચીનની કેટલીય કંપનીઓ ગ્રીનલેન્ડના ખનીજ ક્ષેત્રમાં હિસ્સેદારી ધરાવે છે, જે ૧૧ ટકા જેટલી છે. આ ઉપરાંત અમેરિકા ગ્રીનલેન્ડમાં લશ્કરી થાણુ પણ ધરાવે છે.
ગ્રીનલેન્ડ અંગેના નિવેદનોને લઈને ટ્રમ્પના નિવેદનોથી ડેન્માર્કમાં ચિંતા છે.ગ્રીનલેન્ડના વડાપ્રધાન મેટ ફ્રેડિરકસને જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. અમેરિકાને તેના પર કબ્જો કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે યાદ અપાવ્યું કે ડેન્માર્ક પહેલેથી જ નાટોના સહયોગી તરીકે અમેરિકામાં ગ્રીનલેન્ડ સાથે જોડાયેલી સુરક્ષા સગવડો આપતું રહ્યું છે. ડેન્માર્કે યુરોપીયન સંઘના તે નિવેદનનું સમર્થન કર્યુ છે કે વેનેઝુએલાના ભવિષ્યનો નિર્ણય ત્યાંની પ્રજાએ જ કરવો જોઈએ.
જો કે ગ્રીનલેન્ડને લઈને અમેરિકાનું વલણ નવું નથી. ૧૯૪૬માં અમેરિકાએ ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પછી ૨૦૧૯માં ટ્રમ્પ પહેલી ટર્મમાં પ્રમુખ હતા ત્યારે ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાસ્તવમાં ગ્રીનલેન્ડ તિબેટ જેટલું ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર છે. તેની વસ્તી માંડ ૫૬ હજારથી ૫૭ હજાર છે. તેની પોતાની કોઈ સેના જ નથી. તેને ડેન્માર્કનું સ્વાયત્ત ક્ષેત્ર માનવામાં આવે છે.


