Get The App

પ્રમુખ ટ્રમ્પની દાદાગીરી : વેનેઝુએલાના ક્રૂડ પર માત્ર અમેરિકન કંપનીઓનો કબજો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
પ્રમુખ ટ્રમ્પની દાદાગીરી : વેનેઝુએલાના ક્રૂડ પર માત્ર અમેરિકન કંપનીઓનો કબજો 1 - image

- વેનેઝુએલાએ વિદેશી કંપનીઓ માટે ક્રૂડ ઓઈલ ક્ષેત્ર ખુલ્લુ મૂક્યું

- યુએસ આર્મીને વેનેઝુએલાનું કમર્શિયલ હવાઈ ક્ષેત્ર ખોલવા ટ્રમ્પનો આદેશ, અમેરિકન રાજદૂત મોકલવાની પણ તૈયારી

- ક્યુબાને ક્રૂડ ઓઈલ વેચનારા દેશ પર ટેરિફની પ્રમુખ ટ્રમ્પની ધમકી, મેક્સિકોની મુશ્કેલી વધી

કારાકાસ/વોશિંગ્ટન : અમેરિકન સૈન્યે વેનેઝુએલાના 'પ્રમુખ' નિકોલસ માદુરોનું અપહરણ કરી ન્યૂયોર્ક લઈ ગયાના એક મહિનાથી ઓછા સમયમાં વેનેઝુએલાએ ક્રૂડ ઓઈલ ઉદ્યોગના ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે અને વિદેશી કંપનીઓ માટે તેમનું ક્રૂડ ઓઈલ ક્ષેત્ર ખુલ્લુ મુકી દીધું છે. બીજીબાજુ પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડના ભંડારો પર કબજાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાએ જનરલ લાઈસન્સ જાહેર કર્યું છે, જેના હેઠળ માત્ર અમેરિકન કંપનીઓ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના ક્ષેત્રમાં પ્રવેશ મેળવી તેનું ખરીદ, વેચાણ કરી શકશે. આ સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હવે તેના પડોશી દેશ ક્યુબાને ક્રૂડ ઓઈલ વેચવા સામે જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આદેશથી અમેરિકન સૈન્યે વેનેઝુએલાના 'પ્રમુખ' નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કરી તેમને ન્યૂયોર્ક જેલમાં નાંખી દીધા હતા. અમેરિકન સૈન્ય કાર્યવાહીથી વેનેઝુએલામાં સત્તા પરિવર્તનના એક મહિનાથી ઓછા સમયમાં હવે કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખોલી નાંખ્યું છે. 

ડેલ્સી રોડ્રીગ્સે બુધવારે ક્રૂડ ઓઈલ ઉદ્યોગમાં ધરમૂળથી પરિવર્તન લાવતા એક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે વેનેઝુએલામાં બે દાયકા કરતાં વધુ સમયથી દેશના શાસનનો આધાર રહેલા સ્વઘોષિત સમાજવાદી આંદોલનનો સિદ્ધાંત પલટાઈ ગયો છે. ડેલ્સી રોડ્રિગ્સે ક્રૂડ ઓઈલ સેક્ટર ખોલતા અમેરિકાના નાણાં મંત્રાલયે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર મૂકેલા પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂ કરી દીધી. આ પ્રતિબંધોએ દાયકાઓથી ક્રૂડ ઉદ્યોગને પંગુ બનાવી દીધો હતો.વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખુલ્લુ મુકાવાની સાથે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેના ક્રૂડ પર કબજાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાના નાણાં મંત્રાલયે એક જનરલ લાઈસન્સ જાહેર કર્યું છે, જેના હેઠળ માત્ર અમેરિકન કંપનીઓ જ વેનેઝુએલાની સરકારી ક્રૂડ ઓઈલ કંપની પીડીવીએસએ પાસેથી ક્રૂડ ઓઈલ અને તેના ઉત્પાદનો ખરીદી શકશે. હવે અમેરિકા જ સંપૂર્ણપણે વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ કંટ્રોલ કરશે અને તેના પર તેમની મંજૂરી મેળવનારી અમેરિકન કંપનીઓને જ બિઝનેસ કરવાનો અધિકાર મળશે.

અમેરિકાએ વેનેઝુએલાની કોમર્શિયલ એર સ્પેસ ખોલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકન નાગરિકો વેનેઝુએલાનો પ્રવાસ કરી શકશે અને ત્યાં સુરક્ષિત રહેશે. અમેરિકાની મોટી ક્રૂડ ઓઈલ કંપનીઓ જગ્યાઓની તપાસ માટે ત્યાં જશે. અમેરિકાના વિદેશ વિભાગે પણ કહ્યું કે, તેઓ પસંદગીના રાજકીય કાર્યો માટે અસ્થાયી કર્મચારીઓને પણ વેનેઝુએલામાં તૈનાત કરશે.

દરમિયાન પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલા, ઈરાન, ગ્રીનલેન્ડ, કેનેડા પછી હવે ક્યુબાને નિશાન બનાવ્યું છે. ટ્રમ્પે પડોશી દેશ ક્યુબાને ક્રૂડ ઓઈલ સપ્લાય કરનારા દેશો પર જંગી ટેરિફની ધમકી આપી છે. ટ્રમ્પે નવા આદેશ પર હસ્તાક્ષર કરતા કહ્યું કે, ક્યુબાને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે ક્રૂડ ઓઈલ વેચનારા દેશના ઉત્પાદનો પર વધારાનો જંગી ટેરિફ નાંખવામાં આવશે. ટ્રમ્પ સરકારે ક્યુબાની કોમ્યુનિસ્ટ સરકારને અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા માટે અસાધારણ જોખમી ગણાવાઈ છે. ટ્રમ્પના આ આદેશથી ક્યુબાને ક્રૂડ ઓઈલ પૂરું પાડનારું મેક્સિકો મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. જોકે, મેક્સિકોએ હાલ ક્યુબાને ક્રૂડનો પુરવઠો અસ્થાયીરૂપે અટકાવી દીધો છે.