Get The App

પ્રમુખ ટ્રમ્પ હાર્વર્ડ યુનિ.ના વિદેશી સ્ટુડન્ટ્સને યુએસમાં પ્રવેશતાં અટકાવશે

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
પ્રમુખ ટ્રમ્પ હાર્વર્ડ યુનિ.ના વિદેશી સ્ટુડન્ટ્સને યુએસમાં પ્રવેશતાં અટકાવશે 1 - image

- વ્હાઇટ હાઉસ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો જંગ ઓર વકર્યો 

- અમેરિકાના હિતોની સુરક્ષા જાળવવાના ઓઠાં હેઠળ આદેશ જારી કરી ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિ.ની ફરતે ગાળિયો ઓર કસ્યો 

વોશિંગ્ટન : યુએસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આઇવી લીગ સ્કૂલ્સ વચ્ચેનો ગજગ્રાહ ઓર ઉગ્ર બન્યો છે. ટ્રમ્પે બુધવારે એક આદેશ પર સહી કરી જાહેર કર્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા આવતાં તમામ વિદેશી સ્ટુડન્ટ્સને દેશમાં પ્રવેશતાં  અટકાવવામાં આવશે.હાર્વર્ડ યુનિવર્સિટીને તેના કેમ્બ્રિજ અને માસાચ્યુસેટ્સ કેમ્પસમાં વિદેશી સ્ટુડન્ટ્સને રહેવા દેવા એ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવા સમાન છે. મારા મતે હાર્વર્ડ દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે તે વિદેશી સ્ટુડન્ટ્સ અને સંશોધકો માટે અયોગ્ય સ્થળ બની ચૂક્યુ છે. 

સરકાર અને દેશની સૌથી જુની અને સમૃદ્ધ યુનિવર્સિટી વચ્ચેનો ગજગ્રાહ ઓર વકર્યો છે. ગયા અઠવાડિયે બોસ્ટનમાં ફેડરલ કોર્ટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હાર્વર્ડમાંથી રવાના કરવાના આદેશને અટકાવી દીધો હતો. હવે ટ્રમ્પે નવા કાયદાઓ લાગુ પાડી નવો આદેશ બહાર પાડયો છે. યુએસના હિતોને અવરોધક હોય તેવા તમામ વિદેશીઓને દેશમાં પ્રવેશતાં અટકાવવાની પ્રમુખને ફેડરલ કાયદા હેઠળ સત્તા છે. બુધવારે આ કાયદાઓને ટાંકી તેમણે બાર દેશોના નાગરિકોને યુએસમાં પ્રવેશતા અટકાવવાની જાહેરાત કરી હતી. અન્ય સાત દેશોના નાગરિકો એ નિયંત્રણોનો સામનો કરવો પડશે. ટ્રમ્પના નવા આદેશમાં અન્ય ઘણાં કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એ કાયદાનો પણ સમાવેશ થાય છે જે આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં વિદેશીઓને દેશમાં પ્રવેશતાં અટકાવે છે. 

હાર્વર્ડ યુનિવર્સિટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે તે તેના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. હાર્વર્ડના પ્રથમ એમેન્ડમેન્ટ અધિકારોના ભંગ કરી વહીવટીતંત્રએ એક ઓર ગેરકાયદે પગલું ભર્યું છે. ફેડરલ સરકારે કરેલી શ્રેણીબદ્ધ માંગણીઓને સંતોષવાની ના પાડતાં સરકાર અને યુનિવર્સિટી વચ્ચે જંગ શરૂ થયો હતો. હાર્વર્ડ દ્વારા અપાયેલી વિગતોને અપૂરતી ગણાવી સરકાર દ્વારા તેની સામે વધારે આકરાં પગલાં લેવામાં આવતાં રહ્યા છે. ટ્રમ્પે હાર્વર્ડ લિબરિલીઝમનો અડ્ડો અને યહૂદી વિરોધી સતામણી ચલાવી લેનારી સંસ્થા બની ગઇ હોવાનું જણાવી તે તમામ યુએસ યુનિવર્સિટીઓના સ્વાતંત્ર્ય માટે જોખમ બની ગઇ હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પે ૨.૬ અબજ ડોલર્સની રિસર્ચ ગ્રાન્ટ અટકાવી દઇ યુનિવર્સિટી સાથેના તમામ ફેડરલ કોન્ટ્રેક્ટ પણ રદ કરી નાંખ્યા છે. હવે સરકારે યુનિવર્સિટીના આશરે ૭૦૦૦ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને લક્ષ્ય બનાવ્યા છે. 

ટ્રમ્પનો આદેશ છ મહિના માટે અમલી રહેશે અને નેવું દિવસ બાદ તેને લંબાવવા બાબતે સમીક્ષા કરાશે. આ આદેશની તારીખથી હાર્વર્ડમાં ભણવા આવતાં તમામ વિદેશી સ્ટુડન્ટ્સ પર તેને લાગુ પાડવામાં આવશે. હાલ જે સ્ટુડન્ટ્સ હાર્વર્ડમાં ભણે છે તેમના વીઝા રદ કરવા કે નહીં તે વિદેશ મંત્રી માર્કો રૂબિયો નક્કી કરશે તેમ ટ્રમ્પે તેમના આદેશમાં જણાવ્યું છે. 

ગયા અઠવાડિયે હાર્વર્ડના અધિકારીઓએ અદાલતમાં જણાવ્યું હતું કે  ટ્રમ્પ વહીવટીતંત્ર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસને હાર્વર્ડમાં પ્રવેશ મેળવતાં અટકાવી રહ્યું હોઇ તેના કારણે ભય,ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું થયું છે. સંખ્યાબંધ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે યુનિવર્સિટીમાંથી ટ્રાન્સફર માંગી હોવાનું હાર્વર્ડ ઇમિગ્રેશન સર્વિસની ડાયરેક્ટર મૌરીન માર્ટિને અદાલતમાં આપેલાં જવાબમાં જણાવ્યું હતું.