World

રેર અર્થ માટે પ્રમુખ ટ્રમ્પના દક્ષિણ એશિયાના ચાર દેશો સાથે કરાર

By GS TEAM
27 Oct 20253 mins read
રેર અર્થ માટે પ્રમુખ ટ્રમ્પના દક્ષિણ એશિયાના ચાર દેશો સાથે કરાર

- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ દિવસના એશિયાના પ્રવાસે

- મલેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા પર 19 ટકા ટેરિફ જાળવી રાખી કેટલીક વસ્તુઓની અમેરિકામાં આયાત પર ટેરિફ શૂન્ય કરાશે

કુઆલાલુમ્પુર : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના જવાબમાં ચીને રેર અર્થની નિકાસ પર નિયંત્રણો મુકી અમેરિકાનું નાક દબાવ્યું છે ત્યારે પ્રમુખ ટ્રમ્પે રેર અર્થ માટે ચીનના વિકલ્પો તરફ નજર દોડાવતા ઓસ્ટ્રેલિયા પછી હવે દક્ષિણ એશિયાના ચાર દેશો સાથે રેસિપ્રોકલ વેપાર કરાર કર્યા છે. આ સાથે ટ્રમ્પે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે શાંતિ કરાર કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજીબાજુ બુસાનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત પહેલા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ હળવો થવાના સંકેત મળ્યા છે.

સેમીકન્ડક્ટર ચીપ્સ, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓથી લઈને મિલિટ્રી ઈક્વિપમેન્ટ્સ માટે અત્યંત જરૂરી એવા રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર ચીને નિયંત્રણો મૂક્યા હોવાથી અમેરિકા હવે તેના પુરવઠા માટે અન્ય દેશો તરફ વળ્યું છે. ટ્રમ્પે આ મહિને રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ માટે ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા હતા. હવે પ્રમુખ ટ્રમ્પે રવિવારે કુઆલાલુમ્પુરમાં દક્ષિણ એશિયાના ચાર દેશો મલેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ સાથે ક્રિટિકલ મિનરલ્સ માટે વેપાર કરાર કર્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના સંગઠન આસિયાનની શિખર મંત્રણા પહેલાં મલેશિયા અને કંબોડિયાના પ્રમુખો સાથે રેસિપ્રોકલ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે આ જ પ્રકારના વેપાર કરાર થાઈલેન્ડ અને વિયેતનામ સાથે પણ કર્યા છે. અમેરિકા મલેશિયા, કંબોડિયા અને થાઈલેન્ડ પર ટેરિફ ૧૯ ટકાથી વધુ વધારશે નહીં જ્યારે આ દેશોની કેટલાક ગૂડ્સની અમેરિકામાં આયાત પરના ટેરિફ શૂન્ય કરશે. 

એ જ રીતે અમેરિકા વિયેતનામ પર ૨૦ ટકાના ટેરિફ મર્યાદિત રાખવા સંમત થયું છે. ટ્રમ્પે રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રમાં ચીનના પ્રભુત્વને નાથવા તથા અમેરિકાને ક્રિટિકલ મિનરલ્સનો પુરવઠો મળી રહે તે માટે થાઈલેન્ડ અને મલેશિયા સાથે અલગથી બે કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે મલેશિય રેર અર્થ અથવા ક્રિટિકલ મિનરલ્સની અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ અથવા નિયંત્રણો નહીં મૂકે.

આ સાથે દક્ષિણ પૂર્વ એશિયામાં વર્ષોથી ચાલી રહેલા તણાવને ખતમ કરતા કંબોડિયા અને થાઈલેન્ડે રવિવારે ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર કર્યા હતા. આ સમયે પ્રમુખ ટ્રમ્પ અને મલેશઇયાના વડાપ્રધાન તથા આસિયાનના અધ્યક્ષ અનવર ઈબ્રાહિમ પણ હાજર હતા. આ શાંતિ સમજૂતીમાં બંને નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પહેલાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં દક્ષિણ એશિયાના તેમના પહેલા સૌથી લાંબા પ્રવાસના ભાગરૂપે રવિવારે વહેલી સવારે મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુર પહોંચ્યા હતા. આસિયાન શિખર મંત્રણા માટે કુઆલાલુમ્પુર પહોંચેલા ટ્રમ્પે તેમના પાંચ દિવસના પ્રવાસની શરૂઆત એરપોર્ટ પર ડાન્સ સાથે કરી હતી. કુઆલાલુમ્પુર એરપોર્ટ પર ટ્રમ્પનું રેડકાર્પેટ સ્વાગત થયું હતું, જ્યાં તેમણે સ્થાનિક કલાકારો સાથે ડાન્સના મૂવ્સ બતાવ્યા હતા.

પૂર્વ તિમોરના સમાવેશ સાથે દાયકાઓ પછી આસિયાનનું વિસ્તરણ કરાયું

કુલાઆલાલુમ્પુર : દક્ષિણ-પૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન આસિયાને ૧૯૯૦ના દાયકા પછી પહેલી વખત વિસ્તરણ કરતા પૂર્વીય તિમોરનો સભ્ય દેશ તરીકે સંગઠનમાં સમાવેશ કર્યો છે. 

પૂર્વ તિમોરના વડાપ્રધાન સનાના ગુસ્માઓએ આ ઘટનાને પોતાના નાના દેશ માટે સપનું સાકાર થયા સમાન ગણાવ્યું હતું. આસિયાનના વાર્ષિક શિખર સંમેલનમાં મંચ પર ૧૦ દેશોના ઝંડા સાથે પૂર્વ તિમોરના ઝંડાનો પણ સમાવેશ કરાયો છે. 

પૂર્વ તિમોરની વસતી માત્ર ૧૪ લાખની છે અને તેનું જીડીપી માત્ર બે અબજ ડોલર છે. આ સંગઠનમાં સભ્યપદ સાથે પૂર્વ તિમોર ૩૮૦૦ અબજ ડોલરવાળા આસિયાન અર્થતંત્રના બજાર સુધી પહોંચ મેળવી શકશે. તેને આસિયાનના મુક્ત વેપાર સમજૂતી, રોકાણની તકો અને વ્યાપક પ્રાદેશિક બજારનો લાભ મળશે.