અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હવે મેક્સિકો અને યુરોપિયન યુનિયન પર 30 ટકા ટેરિફ નાંખ્યો
- અમેરિકન પ્રમુખની એક સપ્તાહમાં 25 દેશો અને ઈયુ પર ટેરિફની જાહેરાત
- મેક્સિકો-ઈયુને વળતા ટેરિફની ટ્રમ્પની ધમકી વચ્ચે ઈયુ કમિશન પ્રમુખની પણ પ્રતિકારક પગલાંની ચેતવણી
Donald Trump : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે અમેરિકાના સૌથી મોટા વેપાર ભાગીદારો મેક્સિકો અને યુરોપીયન યુનિયન પર 30 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ ટેરિફનો અમલ 1 ઑગસ્ટથી થશે. ટ્રમ્પની આ જાહેરાતથી ફરી એક વખથ વૈશ્વિક બજારો હચમચી ગયા છે. ટ્રમ્પના ટેરિફના જવાબમાં ઈયુ કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેરે કહ્યું કે, અમે ઈયુના હિતોને જાળવતા બધા જરૂરી પગલાં લઈશું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને યુરોપીયન યુનિયન પર ટેરિફ નાંખવા સાથે એક સપ્તાહમાં કુલ 24 દેશો અને 27 દેશોના યુરોપીયન પર 25થી 50 ટકા સુધી ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેનો અમલ 1 ઑગસ્ટથી થવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકોને ટેરિફનો પત્ર લખતા જણાવ્યું કે, મેક્સિકો અમને સરહદ સુરક્ષિત રાખવામાં મદદ કરી રહ્યું છે.
તેણે ગેરકાયદે વસાહતીઓ અને ફેન્ટાનિલ ડ્રગ્સની દાણચોરીને રોકવામાં ઘણી મદદ કરી છે, પરંતુ તે પર્યાપ્ત નથી. ડ્રગ કાર્ટેલ્સે સમગ્ર ઉત્તર અમેરિકાને દાણચોરીનો અડ્ડો બનાવી દીધો છે. સ્વાભાવિક છે કે હું આવું થવા નહીં દઉં. આ સાથે ટ્રમ્પે મેક્સિકોનાં પ્રમુખ ક્લાઉડિયા શિનબામને ચેતવણી આપી છે કે તેઓ ડ્રગ કાર્ટેલ્સ પર લગામ નહીં લગાવે તો ટેરિફ વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન કમિશનને લખેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમે યુરોપીયન યુનિયન સાથે અમારા વેપાર સંબંધો પર વર્ષો સુધી ચર્ચા કરી છે અને અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે અમારે તમારા ટેરિફ, નોન-ટેરિફ પોલિસી અને વેપાર અવરોધોથી પેદા થતા આ લાંબાગાળાની, મોટી અને સતત વેપાર ખાધથી દૂર રહેવું પડશે.
દુર્ભાગ્યથી આપણા સંબંધ રેસિપ્રોકલથી કોસો દૂર છે. યુરોપીયન યુનિયને અમેરિકા માટે સંપૂર્ણપણે ખુલ્લુ બજાર બનવું પડશે. ઈયુ તેના ટેરિફ વધારશે તો અમે પણ અમારા 30 ટકા ટેરિફમાં તેટલો જ વધારો કરીશું.
યુરોપીયન યુનિયન છેલ્લા કેટલાક મહિનાથી ઊંચા ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે અસ્થાયી વેપાર સમજૂતીનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ટ્રમ્પના આ અચાનક અને આકરા વલણે સમજૂતીની સંભાવનાઓને વધુ મુશ્કેલ બનાવી દીધી છે. ઈયુ કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેરે જણાવ્યું કે, ઈયુ વાટાઘાટો, સ્થિરતા અને સકારાત્મક ટ્રાન્સએટલાન્ટિક ભાગીદારી માટે કટિબદ્ધ છે. જોકે, આ જ સમયે અમે ઈયુના હિતોને સુરક્ષિત રાખવા જરૂરી પગલાં લઈશું, જેમાં જરૂર પડશે તો પ્રતિકારક પગલાં લેતાં પણ અમે અચકાઈશું નહીં.