Get The App

પ્રમુખ ટ્રમ્પે ટેરિફ વોરની આશંકા વચ્ચે બોન્ડમાં રૂ. 727 કરોડનું રોકાણ કર્યું

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
પ્રમુખ ટ્રમ્પે ટેરિફ વોરની આશંકા વચ્ચે બોન્ડમાં રૂ. 727 કરોડનું રોકાણ કર્યું 1 - image


અમેરિકન પ્રમુખે નાણાકીય વર્ષ 2024માં 69.9 કરોડ ડોલરનું રોકાણ કર્યું 

પ્રમુખ ટ્રમ્પે ખરીદેલી સંપત્તિઓમાં નગર પાલિકાઓ, રાજ્યો, કાઉન્ટીઓ, જિલ્લા, અન્ય જાહેર એજન્સીઓના બોન્ડનો સમાવેશ

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફથી આખી દુનિયાના દેશોને ડરાવ્યા છે અને વેપાર યુદ્ધની સ્થિતિ પેદા કરી દીધી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ હોવાની સાથે એક મોટા ઉદ્યોગપતિ પણ છે અને તેઓ અમેરિકન સરકાર ચલાવવાની સાથે પોતાની રોકાણ યોજનાઓ પર પણ પૂરું ધ્યાન આપે છે. તેનો અંદાજ એ બાબત પરથી જ લગાવી શકાય છે કે ટ્રમ્પે માત્ર ૩૬ દિવસમાં જ ૮.૨ કરોડ ડોલર (અંદાજે રૂ. ૭૨૭ કરોડથી વધુ)નું રોકાણ કરતા બોન્ડની જંગી ખરીદી કરી છે.

મીડિયા અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ ૨૦૨૫માં જ બોન્ડ શોપિંગ શરૂ કર્યું હતું અને ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ૮.૨ કરોડ ડોલર (અંદાજે રૂ. ૭૨૭ કરોડથી વધુ)ના બોન્ડ ખરીદી લીધા હતા. ટ્રમ્પે ૧૭૫થી વધુ નાણાકીય ખરીદી કરી છે, જેમાં કોર્પોરેટ અને મ્યુનિસિપલ બોન્ડનો સમાવેશ થાય છે.

અમેરિકન સરકારી નૈતિક્તા ઓફિસ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો પરથી ખુલાસો થયો છે કે ટ્રમ્પની આ ખરીદી એવા સેક્ટર્સમાં વ્યાપક રોકાણ રણનીતિનો ભાગ હતી જ્યાં તેમની સરકારમાં લાગુ કરાયેલી નીતિઓથી તેમને લાભ મળ્યો છે, તેમાં ફાઈનાન્સિયલ ડીરેગ્યુલેશન અથવા નાણાકીય વિનિયમન સાથે જ ટેક્નોલોજી વિસ્તારનો સમાવેશ થાય છે.

વર્ષ ૧૯૭૮ના સરકારી નૈતિક્તા કાયદા હેઠળ દાખલ કરાયેલા દસ્તાવેજોમાં ચોક્કસ ટ્રાન્ઝેક્શનની રકમનો પૂરો ખુલાસો કરાતો નથી, પરંતુ તેની મર્યાદા નિશ્ચિત છે, જેનાથી ખ્યાલ આવે છે કે બોન્ડ ખરીદીનું મહત્તમ કુલ મુલ્ય ૩૩.૭ કરોડ ડોલર (અંદાજે ૨૯૮૮ કરોડ રૂપિયાથી વધુ) હોઈ શકે છે.

આ રિપોર્ટ મુજબ ટ્રમ્પે ખરીદેલી મોટાભાગની સંપત્તિઓમાં નગર પાલિકાઓ, રાજ્યો, કાઉન્ટીઓ, જિલ્લા અને અન્ય જાહેર એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડનો સમાવેશ થાય છે. બીજીબાજુ કોર્પોરેટ બોન્ડ સંપાદનમાં ટોચ પર ટેક્નોલોજી, નાણાં અને રિટેલ કંપનીઓમાં રોકાણ કરાયું છે. સંપાદિત કરવામાં આવેલા કોર્પોરેટ બોન્ડમાં બ્રોડકોમ, ક્વાલકોમ, મેટા પ્લેટફોર્મ્સ્, હોમ ડેપો, સીવીએસ હેલ્થ, ગોલ્ડમેન સાક્સ, મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગન ચેઝના બોન્ડનો સમાવેશ થાય છે. આ ખરીદી પ્રમુખ બન્યા પછી ટ્રમ્પનું સૌથી મોટું રોકાણ છે.

જોકે, વ્હાઈટ હાઉસે પ્રમુખ ટ્રમ્પની આ ખરીદી અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, અધિકારીઓનું કહેવું છે ટ્રમ્પના રોકાણોનું સંચાલન એક થર્ડ પાર્ટી નાણાકીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રમુખ અથવા તેમના પરિવારની કોઈ પ્રત્યક્ષ ભાગીદારી નથી. મીડિયા રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં કરેલા વાર્ષિક નાણાકીય ખુલાસાથી જાણવા મળ્યું છે કે ટ્રમ્પ રિયલ એસ્ટેટમાં મોટા ખેલાડી છે . ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૪માં ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ, ગોલ્ફ પ્રોપર્ટીઝ, લાઈસન્સિંગ ડીલ્સ અને અન્ય સંશાધનો મારફત ૬૯.૯ કરોડ ડોલર  (અંદાજે ૫૩૨૧ કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી હતી, જે તેમની કુલ સંપત્તિના ઓછામાં ઓછા ૧.૬ અબજ ડોલર થઈ ગઈ છે.

Tags :