જાપાન સાથે ઐતિકાસિક ટ્રેડ ડીલ કર્યાનો પ્રમુખ ટ્રમ્પનો દાવો

- જાપાન અમેરિકામાં 550 અબજ ડોલરનું રોકાણ કરશે
- પહેલી ઓગસ્ટની ડેડલાઇન પહેલાં જ ફિલિપાઇન્સ અમેરિકાની સાથે ટ્રેડ ડીલ કરવામાં સફળ રહ્યું
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સહિત એશિયાના બીજા દેશો સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરી છે. જાપાન સાથેના ઐતિહાસિક ટ્રેડ ડીલના પગલે હવે જાપાન પર અગાઉના ૨૫ ટકાના બદલે ફક્ત ૧૫ ટકા જ ટેરિફ લાગશે. આથી જાપાનીઝ કંપનીઓએ રાહતની લાગણી અનુભવતા ટોક્યોમાં શેરો ઉચકાયા હતા. ટ્રમ્પે- જાપાનના વડાપ્રધાન ઇશિબાએ બુધવારે આ ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે દાવો કર્યો છે કે જાપાન અમેરિકામાં ૫૫૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરવાનું છે. તેન કારણે અમેરિકામાં મોટાપાયા પર રોજગારીનું સર્જન થશે અને અમેરિકાને તેની વેપારખાધ ઘટાડવામાં પણ મદદ મળશે. આમ અત્યારે ટ્રમ્પ આખા એશિયામાંથી થઈને કુલ બે હજાર અબજ ડોલરના રોકાણના વચનો લઈ ચૂક્યા છે. હવે તેમાથી કેટલું રોકાણ વાસ્તવિક ધોરણે થશે તે સમય જ કહેશે.
અમેરિકાએ જાપાન ઉપરાંત ફિલિપાઇન્સ સાથે પણ ટ્રેડ ડીલ કર્યું છે. ફિલિપાઇન્સ સાથેના ટ્રેડ ડીલના કારણે ફિલિપાઇન્સ પર હવે પહેલી ઓગસ્ટથી ૨૦ના બદલે ૧૯ ટકાના દરે ટેરિફ લાગશે. આ જ રીતે ઇન્ડોનેશિયા સાથેના ડીલના કારણે તેના પર પહેલી ઓગસ્ટથી ૩૨ ટકાના બદલે ૧૯ ટકા જ ટેરિફ લાગશે. ઇન્ડોનેશિયાએ તો અમેરિકન પ્રોડકટ્સ માટે તેનું બજાર રીતસરનું ખૂલ્લુ મૂકી જ દીધું છે તેમ કહી શકાય. બધા અવરોધો હટાવી દીધા છે.પહેલી ઓગસ્ટની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે એશિયાના બીજા દેશો જેમની સાથે ડીલ થયું નથી તેના પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે. તેમા સાઉથ કોરીયા, કઝાખસ્તાન, મલેશિયા, ટયુનિશિયા પર ૨૫ ટકા,સાઉથ આફ્રિકા અને બોસ્નિયા હર્ઝેગોવિનિયા પર ૩૦ ટકા, સર્બિયા અને બાંગ્લાદેશ પર ૩૫ ટકા,કમ્બોડિયા અને થાઇલેન્ડ પર ૩૬ ટકા મ્યાનમાર અને લાઓસ પર ૪૦ ટકા ટેરિફ પહેલી ઓગસ્ટથી અમલી બની શકે છે. અમેરિકા તેની સાથે ડીલ કરે કે ન કરે તેના પર ૧૦ ટકા બેઝિક ટેરિફ તો નાખવાનું જ છે.
અમેરિકન પ્રોડક્ટ્સ માટે બજાર ખૂલ્લું ન મૂકાયું તો ઊંચો ટેરિફ નાખીશ : ટ્રમ્પની ધમકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉઠતાવેત જ ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં જે પણ દેશો અમેરિક માટે તેમનું બજાર નહીં મૂકે તેના પર ઊંચા દરે ટેરિફ નાખીશ અને જે દેશો બજાર ખૂલ્લુ મૂકશે તેના પર ટેરિફ નીચો રહેશે. અમેરિકાની પહેલી ઓગસ્ટની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે યુરોપીયન યુનિયન ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલ કરવાની વાત તો દૂર રહી પણ કાઉન્ટર ટેરિફ નાખવાની તૈયારી કરી રહ્યુ હોવાથી ટ્રમ્પ ગીન્નાયા છે. યુરોપીયન યુનિયનનું કહેવું છે કે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ નાખવાથી તેને ૮૩ અબજ ડોલરની આવક થશે, જે ટ્રમ્પે નાખેલા ટેરિફના નુકસાનને સરભર કરવામાં મદદ કરશે. આમ યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડીલ ન થવાથી ટ્રમ્પ ઘાંઘા થયા છે અને ધમકી આપવા લાગ્યા છે. તેની સાથે એશિયામાં સાઉથ કોરીયા, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર, કમ્બોડિયા, મલેશિયા, થાઇલેન્ડ જેવા દેશોએ હજી સુધી ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલ કર્યુ ન હોવાથી તે નારાજ છે.









