- અમેરિકી પ્રમુખની ધમકીથી રશિયા પ્રમુખનો પારો ચઢ્યો
- કોઈ પણ સાર્વભૌમ દેશને આ પ્રકારની ધમકી આપવી કે, કોઈ દેશ સાથે વ્યાપાર ન કરવા કહેવું, તે ગેરકાનૂની છે : વ્લાદીમીર પુતિન
મોસ્કો : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતને ધમકી આપી હતી કે જો તે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેની ઉપર સીધો ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે તેમ પણ કહ્યું કે, યુદ્ધમાં માર્યા ગયેલા યુક્રેનીઓ પાછળ ભારતનું ફંડીંગ છે. અમેરિકાના આ આક્ષેપો સામે રશિયાની ઉગ્ર પ્રતિક્રિયા મળી છે.
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના ક્રેમ્લીન સ્થિત કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે કોઈ પણ દેશને મજબૂર કરવો કે તે રશિયા સાથે વ્યાપાર ન કરે, તે ગેરકાયદે છે.
રશિયાના અધિકારીઓએ કહ્યું કે ટ્રમ્પની ટેરિફ વધારવાની વાત કોરી ધમકી છે. દરેક સાર્વભૌમ દેશને તે અધિકાર છે જ કે કોની સાથે આર્થિક-સંબંધો રાખવા તે તેણે પોતે જ નક્કી કરવાનું હોય છે.
ક્રેમ્લીનના પ્રવક્તાએ કહ્યું : અમે આને અમારા વ્યાપારી ભાગીદારીઓ સામેની સીધી ધમકી સમાન માનીએ છીએ. કોઈ પણ દેશને જબરજસ્તીથી કહેવું કે, તે રશિયા સાથે વ્યાપાર બંધ કરે તે આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે.
તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત જેવા દેશો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમને આયાત-શુલ્ક (ટેરિફ) દ્વારા તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે તેમ પણ કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં વપરાતાં રશિયાનાં શસ્ત્રો પાછળ ભારતનું ફંડીંગ છે. જો ભારત રશિયામાંથી તેલ ખરીદતું ન હોત તો, યુક્રેનમાં આટલા માણસો મર્યા ન હોત.
ભારત અત્યારે વધુને વધુ તેલ રશિયા પાસેથી ખરીદે છે. બીજી તરફ અમેરિકા અને પશ્ચિમના દેશો રશિયા ઉપર એક પછી એક પ્રતિબંધો લગાડતા જાય છે. તે ઉપરાંત રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો પર પણ ટ્રમ્પ પ્રતિબંધો લગાડે છે. પરંતુ અમેરિકાના આ પ્રતિબંધો અંગે ભારતે વળતા પ્રહારો કરતાં કહ્યું કે, જેઓ પ્રતિબંધો લગાડે છે તેઓ જ રશિયા સાથે વ્યાપાર કરે છે. ભારતે તેમ પણ કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેન તરફથી આવતું તેલ બંધ થતાં, અમેરિકાએ જ ભારતને રશિયન તેલ ખરીદવા સલાહ આપી હતી.


