Get The App

યુદ્ધ બંધ કરવાની શર્તરૂપે પ્રમુખ પુતિન યુક્રેનનો મહત્ત્વનો પ્રદેશ માગી રહ્યાં છે

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધ બંધ કરવાની શર્તરૂપે પ્રમુખ પુતિન યુક્રેનનો મહત્ત્વનો પ્રદેશ માગી રહ્યાં છે 1 - image

યુક્રેનનો પૂર્વમાં આવતો પ્રદેશ ડોનેત્ઝ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્ત્વનો છે, ત્યાં યુક્રેની દળો, બરોબરનાં ઓડા-બાંધી રશિયન દળોનો કટ્ટર સામનો કરી રહ્યાં છે

મોસ્કો: અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની ટેલિફોન મંત્રણામાં યુક્રેન યુદ્ધ બંધ કરવાની શર્તરૂપે પુતિને કહ્યું હતું કે, જો યુક્રેન તેનો પૂર્વમાં રહેલો તમામ ડોનેત્ઝ પ્રદેશ અમોને સોંપી દે તો અમે યુદ્ધ બંધ કરવા તૈયાર છીએ.

અનામત રહેલા ભાગના બે વરિષ્ઠ અધિકારીઓને ટાંકતાં વૉશિંગ્ટન પોસ્ટે આ માહિતી આપી છે.

મુખ્ય વાત તે છે કે પર્વતમાળાવાળો ડૉનેત્ઝ પ્રદેશ સંરક્ષણની દ્રષ્ટિએ યુક્રેન માટે અત્યંત મહત્ત્વનો છે. છેલ્લાં ૧૧ વર્ષથી (૨૦૧૪થી) પુતિન તે પ્રદેશ ઉપર કબજો મેળવવા મથી રહ્યા છે. પરંતુ યુક્રેની દળો રશિયા દળોનો કટ્ટર સામનો કરી રહ્યાં છે. તેમણે રશિયન આક્રમણને વારંવાર પાછું હઠાવી દીધું છે. યુક્રેન બરોબર જાણે છે કે જો એ પ્રદેશ રશિયાના હાથમાં જાય તો ગમે ત્યારે રશિયન દળો કીવ ઉપર સહેલાઈથી ધસી શકે.

પુતિનની આ માગણી સ્પષ્ટ કરે છે કે તેઓ તેમની મૂળ શરતોમાંથી પાછા હઠવા માગતા નથી.

યુક્રેનના આ પૂર્વદિશાના પર્વતીય પ્રદેશમાં સૈકાઓથી રશિયનભાષી લોકો રહે છે. તેઓએ જ કેટલોક વિસ્તાર કબજે કર્યો છે. પરંતુ સંપૂર્ણ વિસ્તાર કબજે કરી શક્યા નથી.

ઉલ્લેખનીય તે છે કે ટ્રમ્પે હજી સુધી આ અંગે કોઈ જાહેર નિવેદન પ્રસિદ્ધ કર્યું નથી. સંભવત: તેઓ પુતિનની આ માગણી સાથે સહમત પણ લાગતા નથી.

શુક્રવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી, પ્રમુખ ટ્રમ્પને વ્હાઈટ હાઉસની વેસ્ટ વિંગમાં મળ્યા હતા. હવે ટ્રમ્પ હંગેરીમાં આગામી સપ્તાહોમાં પુતિનને મળવા ઇચ્છે છે. જેમાં તેઓ યુદ્ધનો અંત કઈ રીતે લાવવો તે વિષે આગળ ચર્ચા કરશે.

શુક્રવારે ઝેલેન્સ્કી સાથેની મંત્રણા પછી ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે હવે હત્યાઓ બંધ કરવાનો સમય આવી ગયો છે. સમજૂતી સાધવાનો અને કરારો કરવાનો સમય આવ્યો છે. તેઓ જ્યાં છે ત્યાં જ રહે તે ઇચ્છનીય છે.

ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને તેમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, તેઓ ડોનેત્ઝ ઉપરના સંપૂર્ણ કબજાના બદલામાં ઝાપોરીઝઝીયા અને ખેરસન વિસ્તાર પર મેળવેલો આંશિક કબજો છોડી દેવા તૈયાર છે.

આ માહિતી અનામી રહેવા માગતા અધિકારીઓએ આપતાં વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે પુતિનની આ માગણીઓ ઓગસ્ટ-૧૫ના દિવસે એલાસ્કામાં પ્રમુખ ટ્રમ્પ સાથે યોજાયેલી શિખર મંત્રણામાં તેઓએ તમામ વિસ્તારો ઝાપોરીઝઝીયા અને ખેરસન પરના કબજા માટે કરેલી માગણીઓથી ઓછી છે.

પુતિનના કૉલ પછી વ્હાઈટ હાઉસ અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ અંગે એક યુરોપીય રાજદ્વારીએ કહ્યું હતું કે, યુક્રેન તે સ્વીકારે તેવી સંભાવના ઘણી ઓછી દેખાય છે. તે તો કશા પણ વળતર વિના પોતાનો પગ વેચવા જેવી છે. અરે ! વળતર મળે તો પણ કોઈ પોતાનો પગ તો વેચે જ નહીં.

જોકે વર્તમાન સ્થિતિ તેવી છે કે તા. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યા પછી, હજી સુધીમાં યુક્રેનનો ૨૦ ટકા જેટલો વિસ્તાર રશિયાના કબજામાં છે. અત્યારે તો પ્રમુખ ટ્રમ્પ ગાઝા અને યુક્રેન વચ્ચે અહીંથી-તહીં ફસાયેલા છે.