Get The App

ભારત સાથે ડીલની તૈયારી, ટેરિફ પણ ઘટાડીશું : ટ્રમ્પ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથે ડીલની તૈયારી, ટેરિફ પણ ઘટાડીશું : ટ્રમ્પ 1 - image

- અમેરિકન પ્રમુખે બે સપ્તાહમાં બીજી વખત દાવો કર્યો

- ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને રશિયન ઓઇલની ખરીદી ઘટાડી અમારી વાત માની 

- ભારત સાથે અમારી ટ્રેડ ડીલ બાઇડેનના સમય કરતાં પણ વધારે સારી, એકદમ યોગ્ય અને જબરદસ્ત હશે

- ભારતીયો હાલ મને પ્રેમ નથી કરતાં પણ ડીલ થયા બાદ પ્રેમ કરવા માડશે : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત સાથેનું ટ્રેડ ડીલ થવાની તૈયારીમાં જ છે. તેઓ ભારત પર ટેરિફ પણ અમુક હદ સુધી ઘટાડશે તેવા સંકેત પણ તેમણે આપ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભારતે રશિયન ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવા માંડયો છે અને નોધપાત્ર ઘટાડો કર્યો છે. જો કે આ બાબતને લઈને ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે બે સપ્તાહમાં બીજી વખત જણાવ્યું છે કે ભારત સાથે ટ્રેડ ડીલ થવાની તૈયારીમાં જ છે. ટ્રમ્પનું કહેવું છે કે અમે ભારત સાથે આ વખતે ડીલ કરીશું તે અગાઉના ડીલ કરતાં ઘણું જુદું હશે, હાલમાં તેઓ અમને પ્રેમ કરતાં નથી, પરંતુ આ ડીલ થયા પછી તેઓ અમને પ્રેમ કરવા લાગશે, એમ ટ્રમ્પે કોઈનું પણ નામ લીધા વગર જણાવ્યું હતું. 

તેમણે આ વાત અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરની શપથવિધિ વખતે જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉના અમારી સાથેના ટ્રેડ ડીલ એકદમ અયોગ્ય હતા, જ્યારે આ ટ્રેડ ડીલ એકદમ બરોબર હશે. તેઓ ખૂબ જ સારા વાટાઘાટકાર છે, સર્ગિયોએ હવે આ વાત સંભાળવાની છે. પણ હવે અમે આ ડીલ કરવાની તૈયારીમાં છીએ. 

ટ્રમ્પે આ સમયે તેમના પુરોગામી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું ક તમે શું બાઇડેન પાસેથી તમે કોઈ આવી આશા રાખી શક્યા હોત, ના જરા પણ નહી. તે ભારત સાથે આ પ્રકારે ડીલ ક્યારેય ન કરી શક્યા હોત. તે ભારત વિશે જાણે છે શું, કશું જ નહીં. તે કદાચ કોઈ જ બાબતે કશું જ જાણતા નથી.

 હવે ભારત સાથે ટ્રેડ ડીલ થવાનું છે તો અમેરિકા ટેરિફ ઘટાડશે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કેમ નહી, તેઓ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની અમારી શરતનું પાલન કરવા લાગ્યા છે, તેથી અમે તેમના પરના ટેરિફમાં ગમે ત્યારે નોંધપાત્ર ઘટાડો કરીશું. ભારત લગાવવામાં આવેલા ૫૦ ટકા ટેરિફમાં ૨૫ ટકા તો રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ લગાવવામાં આવ્યો છે.  ટ્રમ્પનો દાવો છે કે નવા રાજદૂત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે લગભગ ૧.૫ અબજની વસ્તી ધરાવતા ભારત જેવા માર્કેટની કોઈ અવગણના કરી શકે તેમ નથી. ગોરનું કામ ભારત સાથે અમેરિકાના વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવાનું હશે. ટ્રમ્પે આંચકાજનક વાત કરતાં જણાવ્યું હતું કે ગોર ચાર્લી કિર્કનો સારો મિત્ર હતો, જેના પર સપ્ટેમ્બરમાં હુમલો થયો હતો. કિર્કની પત્ની એરિકાએ પણ જણાવ્યું હતું કે બંને વચ્ચે જબરદસ્ત મિત્રતા હતી. ગોરે સેનેટની ફોરીન રિલેશન્સ સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે ભારત વ્યૂહાત્મક ભાગીદાર છે. બંને દેશ વચ્ચેના સંબંધ સુધરતા ફક્ત અમેરિકાની સ્પર્ધાત્મકતા જ નહીં વધે, પરંતુ બીજા દેશોનું ચીન પરનું અવલંબન પણ ઘટશે.